તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. સુરત): ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના કેસ સતત સામે આવી રહ્યા છે જેના અહેવાલ નવજીવન ન્યૂઝ દ્વારા સતત પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે સુરતમાં એક સાથે 54 વ્યક્તિઓ સામે ઓનલાઈન સટ્ટા બાબતે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે આ લોકો સામે ફરિયાદ સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા સુરતમાં જ અડાજણ વિસ્તારમાં એક એપાર્ટમેંટમાં એક ફ્લેટમાં રેડ કરીને કેટલાક સટ્ટો રમતા લોકોને ઝડપ્યા હતા જેમાં આરોપી આકાશ ચાંદરાણી નામનો વ્યક્તિ ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયો હતો. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને હાથમાં જેકપોટ લાગી ગયો હતો તેવું કહી શકાય, કારણ કે લગભગ આટલા બધા ઓનલાઈન સટ્ટો રમતા લોકો સુધી એક સાથે પહોંચવું અશક્ય છે. સ્ટેટ મોનિટરિંગ ટીમના હાથમાં મુખ્ય સોફ્ટવેરનું માસ્ટર એકાઉન્ટ આવી ગયું છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીના મોબાઈલમાં CRICKET MAZZA 11 એપ્લિકેશન ચાલુ હતી જેમાં ક્રિકેટનો સ્કોર ચાલુ હતો. અને બાજુમાં પડેલા લેપટોપમાં ક્રિકેટ સટ્ટાની સ્ક્રિન ખુલી હતી. ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચેની મેચમા સટ્ટો ચાલુ હતો દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. લેપટોપમાં RADHEEXCH.COM, T20DIMOND.COM, JOKAR333.COM, RUNEXCH.COM, PARKEREXCH.COM, 91EXCH.COM અને DOLLAREXCH.COM નામના આઇડી પોલીસને મળી આવ્યા હતા. આરોપી આકાશ ચાંદરાણીએ જણાવ્યુ હતું કે તેને રાજકોટના વિજય પારેખ નામના વ્યક્તિ પાસેથી આ આઇડી મેળવ્યા હતા જેનું હાલ નિધન થઈ ગયું છે. આરોપીએ જણાવ્યુ હતું કે પકડાયેલા 54 આરોપીઓ પૈકી 12 ગ્રાહકો તેના પોતાના છે અને અન્ય 38 ગ્રાહકો પહેલા 12 ગ્રાહકોના હાથ નીચે સટ્ટો રમતા હતા.
ઉપરાંત આરોપીની કેફિયત છે કે, તેઓ સટ્ટાના નાણાનો હિસાબ ગ્રાહક સાથે દર દર બીજા દિવસે કરતા હતા. જે નાણાની લેવડ-દેવડ હવાલા આંગડીયામાં હવાલા મારફતે કરવામાં આવતી હતી. જેમાં તેઓ વી.પી. આંગડીયા મહિધરપુરા અને પી.એમ.આંગડીયા પાલ અડાજણ ખાતેથી કરતા હતા. સટ્ટા બેટીંગના કટીંગ મામલે પણ આરોપીએ પોલીસને કેફિયત આપી હતી કે, તે પોતે ઉપર સટ્ટાના સોદાનું કટીંગ કરાવતો હતો. આ કટીંગ લેનાર બુકી તરીકે કમલેશ પાટલ, શિવમભાઈ જુનાગઢ, રાધે અમદાવાદ અને અનિલભાઈ અમદાવાદના નામ બહાર આવ્યા છે. ઉપરોક્ત બુકીઓ સોદાના કટીંગ બદલ આરોપીને 2 ટકા લેખે કમિશન ચૂકવે છે.
ઝડપાયેલા આરોપી આકાશ ચાંદરાણીના લેપટોપમાં રહેલા LEDGER BOCK 2023 સોફ્ટવેરમાં પોલીસને સટ્ટાનો લાખોનો હિસાબ અને ગ્રાહકોના નામ મળી આવ્યા છે. પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








