પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-12): Nadaan Series : જાણે પરમાણુ બોમ્બ બનાવવાનું કોઈ સિક્રેટ કહેતો હોય, એ રીતે સલીમે પોતાનો આઇડિયા પી.એસ.આઈ. ચૌધરીને કહેવાની શરૂઆત કરી, “સાહેબ, અમારા દારૂ જુગારના ધંધામાં રોજ અઢળક પૈસા આવે. અમે વેપાર તો કરીએ, પણ બે નંબરનો. અમારી પાસે ટાઇમની કમી હોય. પાછું તમે ક્યારે ત્રાટકશો; તેની ખબર હોતી નથી!”
સલીમ એકદમ રોકાઈ ગયો. તેણે આજુબાજુમાં જોઈને પૂછ્યું, “સાહેબ, તમને એક વાત પૂછું?”
ચૌધરી જવાબ આપે તે પહેલાં જ તેણે હાથનો ઇશારો કરીને પૂછ્યું, “પીવાની ટેવ ખરી?”
ચૌધરીને આ સવાલ ગમ્યો નહીં. સલીમે કહ્યું, “સાહેબ, ખરાબ ન લગાડતા, પણ તમારે આ સાયકોલોજી સમજવી પડશે. તમે પોલીસમાં આવ્યા તે પહેલાં જો દારૂના સ્ટેન્ડ પર દારૂ લેવા ગયા હોત, તો તમને મારી વાત તરત સમજાઈ જાત. દારૂ-જુગારના અડ્ડા પર કોઈ માણસ તમે આપેલી નોટ જોતો જ નથી! એક હાથે બોટલ લો અને બીજા હાથે નોટ ખિસ્સામાં મૂકો. મને મારા ધંધાને કારણે આ વિચાર આવ્યો. ઘણી વખત મારે એવું થયું છે કે, મને મળેલી નોટમાં નકલી નોટ આવી ગઈ હોય. મને પણ લોકો બેવકૂફ બનાવી ગયા છે. મને લાગ્યું કે, ગોપાલ રોજ ગામડાના ગલ્લા પર જઈને નાનો ધંધો કરે; એના કરતાં કોઈ જુગારના અડ્ડા પર રમવા જાય તો સારો માલ મળશે. હારી જઈએ તો નકલી નોટો જવાની છે અને જીતીએ તો અસલી નોટો મળવાની છે. એટલે જ મેં ગોપાલને જુગારના અડ્ડા પર રમવા જવાનું કહ્યું હતું.”
એક ક્ષણ રોકાઈને, કંઈક વિચારીને સલીમે ઉમેર્યું, “સાલા અડ્ડાવાળા પણ સ્માર્ટ થઈ ગયા છે. આ અડ્ડાવાળાને બેંકમાં નોકરી આપી દેવી જોઈએ!”
ચૌધરીએ માત્ર સ્મિત આપ્યું અને સલીમ સામે જોયું. ક્ષણભર શાંતિ રહી. ચૌધરીએ સલીમને પૂછ્યું, “પછી આગળ?”
સલીમ હસવા લાગ્યો, “આગળ! આગળ શું? સ્ટોરી પૂરી.”
પછી સલીમે ચૌધરી તરફ ઇશારો કરતા કહ્યું, “પછી પોલીસ આવી ગઈ.” અને પોતાની તરફ ઇશારો કરતા કહ્યું, “અને હું અહીં આવી ગયો.”
સલીમે જે વાત કરી તેમાં ક્યાંય અસત્યની મીલાવટ નહોતી. તેવું ચૌધરીની અનુભવી આંખો સમજી ગઈ. સલીમ પોલીસ સ્ટેશનમાં હતો, પણ તેના વ્યવહારમાં ક્યાંય ડર અથવા રંજ નહોતો. ચૌધરી ઊભા થયા અને હાથમાં સિગારેટ લઈને બારી પાસે આવ્યા ને સિગારેટ સળગાવી. તેઓ કંઈક વિચારી રહ્યા હતા. સલીમ ખુરશીમાં બેસીને ચૌધરીની ઑફિસમાં ચારે તરફ નજર ફેરવી રહ્યો હતો.
ચૌધરીની અડધી સિગારેટ પૂરી થઈ હશે. ત્યાં તેમણે આંગળના ઝટકે અડધી સિગારેટ બારીની બહાર ફેંકી અને બૂમ પાડી, “અરે બહાર કોણ છે?”
ચૌધરીની બૂમ સાંભળીને એક કોન્સ્ટેબલ અંદર આવ્યો. દરવાજનો અવાજ સાંભળી ચૌધરીએ કહ્યું, “દાદાને બોલાવ.”
એકાદ બે મિનિટ પછી દાદા આવ્યા. “જી સર.” કહીને ઊભા રહ્યા.
દાદાએ ઑફિસમાં આવીને જોયું; સલીમ ખુરશીમાં બેઠો હતો! તેમના ચહેરા પર આશ્ચર્ય હતું. કારણ કે તેમણે પોતાની કરિયરમાં કોઈ આરોપીને ઑફિસની ખુરશીમાં બેઠેલો જોયો નહોતો. ચૌધરીએ પાછા ફરી દાદા સામે જોયું. દાદાના ચહેરા પર રહેલો પ્રશ્ન તે વાંચી ગયા. તેમણે સલીમ તરફ જોતા કહ્યું, “દાદા, છોકરો બીજા કરતાં જુદો છે. તેનું નસીબ તેને અહીં લઈ આવ્યું છે. દાદા, આનું અને પેલા છોકરાનું ધ્યાન રાખજો. એમને કોઈ તકલીફ ન પડે. બંનેને એરેસ્ટ બતાવો અને રિમાન્ડ માટે કોર્ટમાં લઈ જાવ.”
આટલી સૂચના આપી ચૌધરી ઑફિસની બહાર જવા નીકળ્યા. પણ દરવાજા પાસે રોકાઈને નજર પાછળ કરીને કહ્યું, “દાદા, બંનેને લોકઅપમાં મૂકતા નહીં. રાત્રે મારી ઑફિસમાં જ રાખજો.
દાદાએ કહ્યું, “સર.”
પણ દાદા વિચાર કરવા લાગ્યા કે, આ મિયાંએ એવી કઈ ગોળી પીવડાવી કે, ચૌધરી સાહેબ જેવો આકરો પોલીસ અધિકારી આટલો ઠંડો થઈ ગયો!
પી.એસ.આઈ. ચૌધરી ગયા એટલે તરત સલીમ ઊભો થયો અને જમીન ઉપર પલાઠી વાળીને બેસી ગયો. દાદાને ફરી પાછું આશ્ચર્ય થયું. દાદા કંઈ પૂછે તે પહેલાં જ સલીમે કહ્યું, “દાદા, સાહેબ ભલો માણસ છે; પણ આપણે આપણી હેસિયતમાં જ રહેવું જોઈએ.”
દાદા પણ તેના શબ્દો સાંભળી બે ઘડી વિચારમાં પડી ગયા. દાદાએ બહાર ઊભા રહેલા પોલીસવાળાને કહ્યું, “અરે ભાઈ, પેલા ગોપાલને લઈ આવો.”
થોડીવાર પછી પોલીસવાળો ગોપાલને ડી સ્ટાફની ઑફિસમાં લઈ આવ્યો. જ્યાં સલીમ પહેલેથી જ બેઠો હતો. સલીમને જોતા જ ગોપાલના ચહેરા પર સંકોચ અને શરમની લાગણી ઉપસી આવી. કારણ કે ગોપાલ માની રહ્યો હતો કે, તેણે સલીમ સાથે દગો કરી તેને પકડાવી દીધો છે. પણ સલીમના ચહેરા પર સ્મિત હતું. દાદાએ ગોપાલને ઇશારો કર્યો એટલે તે સલીમની બાજુમાં બેસી ગયો. દાદા પોલીસવાળાને કંઈક સૂચના આપી રહ્યા હતા.
ગોપાલે બાજુમાં બેઠેલા સલીમના હાથે સ્પર્શ કરતા કહ્યું, “દોસ્ત સોરી.”
સલીમ એકદમ હસી પડ્યો. એનો હસવાનો અવાજ દાદાના કાને પડ્યો. દાદાને એનું આ પ્રકારે હસવું ગમ્યું નહીં; પણ સાહેબે ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલે દાદા કંઈ બોલ્યા નહીં. સલીમ પણ સમજી ગયો. તેણે ગોપાલને કહ્યું, “અરે, સોરી તો મારે તને કહેવું જોઈએ. મેં તને અડ્ડા પર જવાનું ન કહ્યું હોત, તો આજે તું જલસા કરતો હોત.”
ગોપાલને બહુ આશ્ચર્ય થયું. કારણ કે તે પકડાઈ ગયો; તેની સામે સલીમને કોઈ ફરિયાદ જ નહોતી. સલીમે તેને કહ્યું, “જો, મને પોલીસની સ્ટાઇલ ખબર છે. હું પકડાઈ ગયો હોત તો મારી પાસે પણ આવી જ રીતે ફોન કરીને તને બોલવતા.”
પછી ગોપાલની આંખોમાં જોતા ધીમા અવાજે ઉમેર્યું, “તું પહેલી વખત પકડાયો છે. મને તો ટેવ છે. કદાચ તને પણ એની ટેવ પડી જશે.”
દાદાએ કાગળો કરવાની શરૂઆત કરી. કારણ કે હજી સુધી ગોપાલને એરેસ્ટ બતાવ્યો નહોતો. પોલીસની ભાષામાં તે ઉપલક હતો. સલીમ તો આજે જ પકડાયો હતો. સલીમ અને ગોપાલે નકલી નોટ છાપવાનો ધંધો કરીને ક્યાં ક્યાં કેટલી નોટ આપી; તેવી બારીક માહિતી દાદા ટપકાવી રહ્યા હતા.
કાગળ કરતાં કરતાં ચાર કલાક પસાર થઈ ગયા. આ દરમિયાન દાદાએ ગોપાલ અને સલીમને જમાડી પણ દીધા હતા. નિયમ પ્રમાણે આરોપી પકડાયા પછી પોલીસે વધુમાં વધુ ચોવીસ કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાના હોય છે. ગોપાલનો આમ તો ત્રીજો દિવસ હતો; પણ તેને એરેસ્ટ બતાવ્યો નહોતો એટલે તેને કોર્ટમાં રજૂ પણ કરાયો નહોતો. પરંતુ હવે પોલીસનો વ્યવહાર બદલાઈ ગયો હતો. સલીમ અને ગોપાલ સાથે કોઈપણ પોલીસવાળા પહેલાં જેવો વ્યવહાર કરતા નહોતા. કદાચ ચૌધરી સાહેબની સૂચનાને કારણે આવું હતું.
તે દિવસે ઑફિસમાંથી નીકળેલા ચૌધરી સાહેબ ઑફિસે પાછા આવ્યા જ નહોતા. રાત થઈ, ઑફિસમાંથી મોટા ભાગનો સ્ટાફ ઘરે જતો રહ્યો હતો. નાઇટ ડ્યૂટીમાં રહેલા માત્ર ચાર પોલીસવાળા જ હતા. એ પોલીસવાળાએ પોલીસ સ્ટેશનની ખુરશીમાં બેસવા માટેની જે ગાદી હતી, તે ગોપાલ અને સલીમને આપી. એનું ઓશીકું બનાવી બંને જમીન પર સૂઈ ગયા. હવે પોતાની સાથે સલીમ છે, તેવી ખાતરી થતાં ગોપાલનું મન શાંત હતું. એને ખબર જ ન પડી કે, ક્યારે એને ઊંઘ આવી ગઈ! દાદાએ નિયમ પ્રમાણે સલીમ અને ગોપાલની ધરપકડ બતાવી. સલીમ અને ગોપાલે પોતાના ઘરના જે નંબર આપ્યા હતા, તેના પર જાણ કરી દીધી. હવે આવતીકાલે બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાના હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
૪. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા (કિંમત રૂ. ૫૦૦)
૫. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
૬. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા (કિંમત રૂ. ૩૦૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








