નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ‘અકસ્માત કેમ કર્યો’ તેમ કહીને નજર ચૂકવીને કિંમતી સામાન અને રોકડ ચોરી કરી લેવાની ઘટનાઓ તો અનેક વાર પોલીસ ચોપડે નોંધાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા શખસને સારવાર કરાવવાના બહાને વયોવૃદ્ધ વ્યક્તિને ટાર્ગેટ કરીને અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આંતરીને 1 લાખ રોકડા અને 70 હજારનો ચેક લખાવી લેનારા બે શખસો સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. અમદાવાદની વાડજ પોલીસની ટીમે (Team Vadaj Police) દિવસોની મહેનત તેમજ બેંકમાં વૉચ ગોઠવી આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી બે મુખ્ય આરોપીઓ ઘરફોડ અને લૂંટના કેસમાં અગાઉ પોલીસ ચોપડે ચઢી ચૂક્યાં છે.
84 વર્ષીય દાદાને કેવી રીતે લૂંટયા ?
અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં આવેલી વાસુપૂજ્ય સોસાયટીમાં રહેતા અને સિધ્ધી ગ્રુપ ઑફ કંપનીઝના ડિરેક્ટર અનિલભાઈ કોઠારી (ઉ.84) ગત 11 માર્ચ રોજ ઉસ્માનપુરા ઑફિસ ખાતે કાર લઈને જઈ રહ્યાં હતા. સવારે અગિયારેક વાગે અનિલભાઈની કારને સ્કુટર પર આવેલા એક શખસે રોકી હતી. ત્રીસેક વર્ષના આશરાના અજાણ્યા શખસે ‘દાદા તમારી કારથી મારા સ્કુટરને ટક્કર વાગેલ છે અને મારી પાછળ બેસેલ મારા શેઠને સ્કુટર પરથી પડી જવાથી ખભાના ભાગે ઇજા થયેલ છે. અને તેમને વાગવાથી કે ખૂબ ગુસ્સામાં છે, તમારે મારી સાથે આવવું પડશે’. આમ કહીને વયોવૃદ્ધ અનિલભાઈ કોઠારીને બે શખસોએ સારવારના બહાને દિલ્લી દરવાજા પાસે હાડવૈદના ત્યાં લઈ ગયા હતા. હાડવૈદના ત્યાં અનિલભાઈને બહાર ઉભા રાખી પરત આવેલા શખસોએ ઈજા મોટી છે તેમ કહી ફોન પર કોઈની સાથે વાત કરી અસારવા સિવિલ હૉસ્પિટલ (Asarwa Civil Hospital) ખાતે ડૉ. રાજેન્દ્ર પટેલને મળવાનું કહી ત્યાં લઈ ગયા હતા. અનિલભાઈ કોઠારી સાથે એક શખસ ઉભો રહ્યો હતો અને ઈજાનું નાટક કરનારો શખસ પરત આવીને ડૉક્ટરે ઑપરેશન સારવારનો ખર્ચ 1.70 લાખ કહ્યો છે તો તેમ રોકડા રૂપિયા હાલને હાલ આપી દો તેમ કહી ડરાવવા ધમકાવવા લાગ્યા હતા. ઈજાનું નાટક કરતો શખસ સિવિલ હૉસ્પિટલ ખાતે રોકાઈ ગયો હતો અને અન્ય શખસ અનિલભાઈની સાથે નહેરૂનગર ખાતે આવેલી બેંક ઑફ ઇન્ડીયા ગયો હતો. જ્યાં અનિલભાઈએ ચેકથી 1 લાખ રૂપિયા રોકડા ઉપાડી તેમજ 70 હજારનો સેલ્ફનો ચેક લખી આપ્યો હતો. અનિલભાઈ કોઠારી છેતાર્યા હોવાની જાણ થતાં તેમણે બીજા દિવસે વાડજ પોલીસ સ્ટેશન (Vadaj Police Station) ખાતે સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે ઘટના સ્થળ તેમજ અન્ય સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ખાતરી કરી ફરિયાદ નોંધી હતી.
પોલીસે અજાણ્યા શખસોને શોધવા શું કર્યું ?
સિનિયર સિટિઝનને ડરાવી લૂંટી લેવાની ઘટનામાં સામેલ આરોપીઓને પકડવા માટે વાડજ પોલીસના કૉન્સ્ટેબલ વિપુલકુમાર બળદેવભાઈ તથા બળવંતભાઈ રમેશભાઈએ બેંક ઑફ ઇન્ડિયા ખાતે 13 માર્ચના રોજ સવારે વૉચ ગોઠવી દીધી હતી. બેંક મેનેજર પાસે ગ્રાહક બનીને બેસેલા કૉન્સ્ટેબલ વિપુલકુમારે અગાઉથી ચેક નંબર સહિતની વિગતો બેંક સ્ટાફને આપી સમગ્ર ઘટનાથી વાકેફ કરી દીધા હતા. એક શખસ જ્યારે બેંકમાં ચેક વટાવવા આવ્યો ત્યારે ઇશારો થતાં પોલીસ ત્રાટકી હતી અને તેને દબોચી લીધો હતો. જો કે, પકડાયેલો શખસ જય રાવળ (રહે. ચોકસીની ચાલી, ગોમતીપુર) ઘટનાના સીસીટીવી ફૂટેજમાં દેખાતા બે શખસો સિવાયનો વ્યક્તિ હતો. આથી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, મને ચેક વટાવવા પેટે પાંચેક હજાર રૂપિયા આપવાનું કહીને મોકલવામાં આવ્યો છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર મહેશ ઠાકોર ઉર્ફે હનુમાન (રહે. અફઝલખાનના ટેકરાવાળી ચાલી, સારંગપુર) અને દિપક ઠાકોર (રહે. તેલિયા મીલની ચાલી, પ્રેમ દરવાજા) ને શંકા જતાં તેમણે મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. વાડજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. જે. દેસાઈ અને કૉન્સ્ટેબલ વિપુલકુમાર, બળવંતભાઈ અને કેતનભાઈ હરેશભાઈએ ફરાર મુખ્ય આરોપીઓને દિવસોની મહેનત બાદ ઝડપી લઈ 1 લાખની રોકડ કબજે કરી છે.








