કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં ગુરુવારના રોજ ‘એર ઇન્ડિયા -171’ વિમાન તૂટી પડ્યું અને વિમાની સેવા પર સવાલ ઊભા થવા લાગ્યા. વિશ્વભરમાં એક દિવસમાં અઢી લાખની આસપાસ મુસાફર વિમાનો ઊડે છે; પરંતુ આ એક ઘટનાથી પૂરા એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં સુરક્ષા પર પ્રશ્ન ઊભા થયા છે. વિશેષ કરીને મુસાફર વિમાન નિર્માણમાં પ્રતિષ્ઠિત બોઇંગ કંપની પર અવારનવાર સવાલ ખડા કરનારા વ્હિસલ બ્લોઅર સેમ સલેહપોરની વાત હવે કોઈ અવગણશે નહીં, કારણ કે અમદાવાદમાં ક્રેશ થયેલું વિમાન પણ બોઇંગ કંપનીનું હતું. સેમ સલેહપોર એક સમય સુધી બોઇંગ કંપનીમાં એન્જિયર રહ્યા હતા, પરંતુ તેમને લાગ્યું કે કંપની સુરક્ષા સાથે ચેડાં કરી રહી છે ત્યારે તેમણે અવાજ ઉઠાવ્યો અને કંપનીએ તેમને પાણીચું પકડાવી દીધું. સેમ સલેહપોર જ્યારે વિમાનની સુરક્ષા વિશે જ્યારે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમની પાસે પૂરતા પુરાવા છે. તેઓ સૌપ્રથમ ‘અલાસ્કા એરલાઇન્સ ફ્લાઇટ 1282’નું ઉદાહરણ ટાંકે છે. આ ફ્લાઇટ અમેરિકામાં ઓરેગાનના પોર્ટલેન્ડ એરપોર્ટથી કેલિફોર્નિયાના ઓન્ટેરિયો એરપોર્ટ પર જવાની હતી. 5 જાન્યુઆરી 2024ના રોજ આ ફ્લાઇટે જ્યારે ઉડાન ભરી ત્યારે તેમાં યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ મળીને 177 લોકો હતા. વિમાને ટેક ઓફ કર્યાના થોડા જ મિનિટોમાં વિમાનનો દરવાજો એકાએક ખુલી ગયો. વિમાનની ગતિ ઊંચાઈએ આઠસો કિલોમીટરની સુધી પહોંચે છે. આવા કિસ્સામાં જ્યારે વિમાનનો કોઈ દરવાજો ખુલી જાય ત્યારે ઝડપથી હવા અંદર આવે અને તેનાથી પ્લેન ક્રેશ થઈ જાય તેવી સ્થિતિ નિર્માય છે. જોકે આ વિમાનના પાઇલોટે સતર્કતા દાખવી અને થોડા જ સમયમાં વિમાનને ફરી લેન્ડ કરાવ્યું. આ પૂરી ઘટનામાં ત્રણ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સેમ સલેહપોર સિવાય બોઇંગના પૂર્વ મેનેજર એદ પિઅર્સને પણ બોઇંગ કંપનીમાં જે રીતે ગુનાહિત રીતે બધું ઢાંકપિછોડા કરવામાં આવે છે – તે અંગે અનેક નિવેદનો આપ્યા છે. બોઇંગથી નારાજ અનેક લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે કંપનીમાં વિમાનના જે પાર્ટ્સને જોડવાનું કામ કરવામાં આવે છે; તેમાં પૂરતું ધ્યાન રાખવામાં આવતું નથી. તે કારણે જ પાર્ટ્સ ઝડપથી નકામા થઈ જવાની શક્યતા ઊભી થાય છે અને વિમાન જેવા કિસ્સામાં નાની અમથી ભૂલ પણ અમદાવાદમાં થયો એવો મોટો અકસ્માત સર્જી શકે છે.

બોઇંગના કિસ્સામાં માત્ર વ્હિસલ બ્લોઅર્સ જ સવાલ કરે છે તેવું નથી, બલકે અમેરિકાના ‘ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન’[એફએએ] દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો અને આ રિપોર્ટના આધારે તપાસ સમિતિ ‘સેનેટ કોમર્સ કમિટિ’ દ્વારા બોઇંગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. અમેરિકામાં આ રીતે વિવિધ એજન્સીઓના રડારમાં બોઇંગ કંપની આવી ચૂકી છે. બોઇંગના અકસ્માતને લઈને પહેલાં તો કંપનીએ તપાસમાં સહાય આપવા માટેની ખાતરી આપી હતી. પરંતુ તેમાં અમેરિકાની એક અન્ય એજન્સી ‘નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ’ દ્વારા પણ તપાસ થઈ ત્યારે બોઇંગ કંપનીએ કેટલાંક દસ્તાવેજ આપવાની ધરાર ના કહી દીધી હતી. દસ્તાવેજ ન મળ્યા ત્યારે આટલી મોટી કંપનીએ જે બહાનું કર્યું તે હાસ્યાસ્પદ લાગે છે. તેમનું કહેવું હતું કે, ‘અમને દસ્તાવેજ મળ્યા નથી.’ બોઇંગના એક પૂર્વ કર્મચારીએ કંપનીના આવા બહાનાઓને ખોટા ગણાવ્યા હતા. આ કર્મચારી મુજબ તેમણે જાતે જ અગાઉ દસ્તાવેજોની નકલ અમેરિકાની તપાસ એજન્સી ‘ફેડરલ બ્યૂરો એજન્સી’ને સોંપ્યા હતા. ગુનાહિત કૃત્ય છુપાવવાની કંપનીની પહેલાંથી ફીતરત રહી છે. આ રીતે અનેક ખામીઓ બોઇંગની તેના જ પૂર્વ કર્મચારીઓ અથવા તો નિષ્ણાંતો જોઈ રહ્યા છે.

એવિએશન ઇન્ડસ્ટ્રીમાં રહેલાં જોખમ અને તેમાં અકસ્માત થવાની શક્યતા કેટલી બધી છે તે વિશે એક પુસ્તક લખાયું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ ડેન્જર ઑફ ઓટોમેશન ઇન એરલાઇન્સ : એક્સિડન્સ્ટસ વેઇટિંગ ટુ હેપન’. પુસ્તકમાં શરૂઆતમાં જ લખે છે કે, પાઇલોટ જ્યારે વિમાનને ઉડાવવાની ટ્રેઇનિંગ લે છે ત્યારે મહદંશે તેઓ એક એન્જિન ધરાવતા વિમાનોને ઉડાડે છે. બીજું કે તેઓ સારાં વાતાવરણમાં વિમાન ઉડાડવાની ટ્રેઇનિંગ લે છે. એવું વિશેષ કરીને જોવામાં આવે છે કે જ્યારે નવાસવા પાઇલોટ પ્લેન ઉડાડે ત્યારે હવા વધુ ગતિથી ન ફુંકાતી હોય અને દૂર સુધી સ્પષ્ટ જોઈ શકાતું હોય. આ માહોલમાં એક વખત વિમાન ઉડાડવાની ટ્રેઇનિંગ લઈ લીધા પછીની ટ્રેઇનિંગ વાદળમાં અને ખરાબ વાતાવરણમાં લેવાની હોય છે. આ રીતે જો તેઓ સફળ રહે તો ટ્રેઇનિંગ લેનારા પાઇલોટને બે એન્જિન ધરાવતા વિમાન પર ટ્રેઇનિંગ મેળવે છે. ધીરે ધીરે પાઇલટ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરતો જાય છે અને જ્યારે વિમાન ઉડાડવાની લઈને પૂરેપૂરી તેને શ્રદ્ધા બેસે છે ત્યાર પછી વ્યવસાયિક મંજૂરી આપવામાં આવે છે. જોકે પુસ્તકના લેખક જેક જે. હર્ષ્ચ મુજબ વિમાનચાલકનો જુસ્સો હરહંમેશ એક બાબતે ટકી રહેવો જોઈએ તેવું જણાવે છે – અને તે છે : ‘ધેઅર પેશન ફોર ફ્લાઇંગ’.
આ પુસ્તકમાં પાઇલોટના પડકાર અંગે જે લખ્યું છે તે મુજબ આધુનિક વિમાનીસેવામાં સૌથી અગત્યની બાબત યોગ્ય સમયે યોગ્ય બટન દબાવવાનું છે. આમાં ભૂલ થાય તો પૂરા વિમાનની સેવા અસ્તવ્યસ્ત થઈ જાય. હવે જ્યારે પાઇલોટનું કામ આટલું જ રહી જાય છે ત્યારે પણ પડકાર ઉભા થાય છે. કારણ કે હવે વિમાન વધુ ને વધુ ઓટોમોડ પર ચાલી રહ્યા છે. અહીંયા તે પડકારને લેખક એ રીતે દર્શાવે છે કે જ્યારે વિમાન ઓટોમોડ પર ચાલતું થાય ત્યારે સ્ક્રીનને ટચ કર્યા વિના કે પછી કોઈ બટન દબાવ્યા વિના કલાકો સુધી કોકપિટમાં પાઇલોટનો સમય વિતાવે છે. આ રીતે જ્યારે સમય વહેતો હોય ત્યારે પાઇલોટની સેન્સ નબળી પડે છે. આવાં કિસ્સામાં કટોકટીના સમયે કેવી રીતે વર્તવું તે ઝડપથી કોઈને ખ્યાલ આવતો નથી.
બોઇંગ કંપની સુરક્ષામાં કેવી ઘાલમેલ કરે છે તેને લઈને ‘નેટફ્લિક્સ’ પર તો ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે. ફિલ્મનું નામ છે : ‘ડાઉનફોલ – ધ કેસ અન્ગેઇસ્ટ બોઇંગ’. આ ફિલ્મમાં અનેક લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે અને તેમાં પણ બોઇંગ સામેના ઉઠતા પ્રશ્નો પર આશ્ચર્ય થાય કે વિશ્વની આટલી પ્રતિષ્ઠિત કંપનીમાં કેમ આટલી મોટી ઘાલમેલ થતી હશે. અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું તેનું એક કારણ એન્જિન ફેઇલ થયું હતું – તેમ નિષ્ણાતો માને છે અને બીજું કારણ જ્યારે આવાં કિસ્સામાં પ્લેન ટેક ઓફ કરતું હોય ત્યારે પાઇલોટ પાસે કોઈ વિકલ્પ બચતો નથી. મહદંશે વિમાનમાં થતા ગમખ્વાર અકસ્માત ટેક-ઓફ કે લેન્ડિંગ દરમિયાન થાય છે. જ્યારે વિમાનનું ટેક-ઓફ અથવા લેન્ડિંગ થતું હોય ત્યારે તે ખૂબ ઓછી ઊંચાઈએ ઉડતું હોય છે. અમદાવાદમાં પણ એર ઇન્ડિયા 171 હજુ તો ટેક ઓફ કર્યા બાદ માત્ર 657 ફીટ પર જ હતું. આ દરમિયાન વિમાનમાં કશુંય ખોટકાય તો પાઇલોટ પાસે કોઈ સમય બચતો નથી.
અહીં વિમાન સંબંધિત મૂકાયેલા સુરક્ષાના મુદ્દા સૌ કોઈ સમજી શકે તે છે, પરંતુ એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં અનેક બાબતો ખૂબ ટેકનિકલ છે અથવા તો જટિલ છે – તે સમજવી મુશ્કેલ છે. એવિએશન ઇન્ડસ્ટ્રીઝનો અન્ય ટ્રાન્સપોર્ટેશનના મુકાબલે સેફટીનો રેકોર્ડ સારો છે, પરંતુ જ્યારે એવિએશનમાં કોઈ અકસ્માત થાય છે તો તેમાં બચવાની શક્યતા નહીવત્ હોય છે. વિશ્વભરમાં એવિએશન ઇન્ડસ્ટ્રીઝની સમજ વિકસે અને તેની ટેક્નિકલ બાબતો સમજી શકાય તે અર્થે વિવિધ સંગઠનો બન્યા છે. તેમ છતાં બોઇંગ જેવી એક કંપની પોતાની મનમાની ચલાવે છે અને આવાં સંગઠનોને પણ ગાંઠતી નથી. અમદાવાદ વિમાન ક્રેશમાં આવનારાં દિવસોમાં હજુ એવા મુદ્દા આપણી સમક્ષ આવશે, જેનાથી ખ્યાલ આવશે કે આ ગંભીર દુર્ઘટનામાં કોણ ખરેખર જવાબદાર છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








