કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ચિત્તાને ભારતમાં સ્થળાંતરીત કરવા માટે લાવ્યાને હજુ તો વર્ષ પૂરું નથી થયું અને એક પછી એક નવ ચિત્તાના મૃત્યુ (Cheetah Death) થઈ ચૂક્યા છે! ચિત્તાને સ્થળાંતરિત કરવાના પ્રોજેક્ટ પર અગાઉથી જ ઘણાં સવાલો હતા, પરંતુ કોઈ પણ હિસાબે ચિત્તા ભારતમાં આવવા જોઈએ તેવું કેન્દ્ર સરકારનું ફરમાન આવ્યા બાદ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ. સપ્ટેમ્બર, 2022માં જ આફ્રિકાના નામિબિયા (Namibia) દેશમાંથી આઠ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક (Kuno National Park) લાવવામાં આવ્યા. 17 સપ્ટેમ્બરના રોજ જ્યારે આઠમાંથી બે ચિત્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)દ્વારા કુનોના સંરક્ષિત વિસ્તારમાં છોડ્યા ત્યારે દેશભરનું મીડિયા કુનોમાં એકઠું થયું હતું. પરંતુ હવે જ્યારે ચિત્તા ઉપરાઉપરી મરી રહ્યા છે ત્યારે તેની દરકરાર જૂજ મીડિયા કરી રહ્યું છે. તે અંગે જે અહેવાલ પણ આવી રહ્યા છે તેમાં મહદંશે કોઈ સ્પષ્ટ વાત નથી.

ચિત્તાના મૃત્યુ વિશે ‘ધ સ્ક્રોલ’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’અને ‘બીબીસી’ દ્વારા વિસ્તૃત અહેવાલ તૈયાર થયા છે. તેમાં કુનોમાં જે કંઈ અત્યારે થઈ રહ્યું છે તેનો અંદાજ આવે છે. ‘ધ સ્ક્રોલ’ પોર્ટલના રિપોર્ટ મુજબ આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી જ્યારે 12 ચિત્તા લાવવામાં આવ્યા ત્યારે તેમાંથી દક્ષા નામની માદા ચિત્તાને પ્રથમ ત્રીસ દિવસ સુધી સંરક્ષિત વિસ્તારમાં મૂકવામાં આવી હતી. સંરક્ષિત વિસ્તારમાં તે અહીંના વાતાવરણમાં અનુકૂળ થાય પછી તેને કુનોના મોટાં સંરક્ષિત જંગલમાં છોડવામાં આવી. આ રીતે અન્ય ચિત્તાને પણ અલગ-અલગ સંરક્ષિત વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. 30 એપ્રિલના રોજ આપણા દેશના અને દક્ષિણ આફ્રિકાના જંગલના અધિકારીએ એક બેઠક કરી અને તેમાં એવું નક્કી કર્યું કે દક્ષા નામની માદા ચિત્તાને અન્ય સંરક્ષિત વિસ્તારમાં આવેલા બે નર ચિત્તા સાથે છોડવામાં આવે. જંગલના અધિકારીને એવી આશા હતી કે, આ રીતે તેમની વચ્ચે સમાગમ થશે. છ મેના રોજ માદા ચિત્તા દક્ષા અને અન્ય બે નર ચિત્તાને અલગ કરતાં સંરક્ષિત વિસ્તારના દરવાજાને ખોલી દેવામાં આવ્યો. ત્રણ દિવસ પછી જંગલના સ્ટાફે નિરીક્ષણ દરમિયાન જોયું કે દક્ષા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને માત્ર બે કલાકમાં જ તેનું મૃત્યુ થયું. આ પછી પર્યાવરણ અને જંગલ મંત્રાલય દ્વારા નિવેદન આવ્યું કે, દક્ષાનું અન્ય નર ચિત્તા સાથે સમાગમ દરમિયાન થયેલી હિંસક ઝડપમાં મૃત્યુ થયું છે.

જંગલના સ્ટાફે ત્યાર બાદ એવી દલીલ કરી કે, દક્ષાના મોત સાથે તેમની કોઈ લેવાદેવા નથી અને તેઓ એક દલીલ કરતાં રહ્યા કે સમાગમ દરમિયાન નર-માદા ચિત્તા વચ્ચે આ રીતે સંઘર્ષ સામાન્ય છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, અન્ય એક માદા ચિત્તા જેનું નામ સિયાયા છે, તેને સમાગમ દરમિયાન આવી કોઈ ઇજા થઈ ન હતી. કુનો સાથે સંકળાયેલા અધિકારીઓના આ ઉત્તર હતા, પરંતુ જ્યારે પ્રાણીઓના નિષ્ણાતોને તેનાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે, માદા ચિત્તાને સંરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવે અને જો તેને સમાગમ અર્થે ઓછાં વિકલ્પ મળે તો તેની હિંસક થવાની શક્યતા છે. કારણ કે તેને સંરક્ષિત વિસ્તારમાંથી બહાર જવા મળતું નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી સંરક્ષિત વિસ્તારમાં ચિત્તાઓનું સમાગમ ટાળવું જોઈએ. આ વાત કુનોના સ્ટાફને ખબર હોવી જોઈતી હતી.

દક્ષા પછી એક જ મહિનામાં અન્ય બે ચિત્તાઓનું મૃત્યુ થયું પરંતુ હજુય તેના કારણોની તપાસ થઈ રહી છે. જોકે આ બેમાંથી એક સેશા નામની માદા ચિત્તાના મૃત્યુનું કારણ મધ્ય પ્રદેશના જંગલ ખાતાએ મૂત્રપિંડની બીમારી દર્શાવી છે. એક વાત એવી પણ પ્રકાશમાં આવી છે કે, જ્યારે સેશા નામિબિયામાં હતી ત્યારે જ તેને કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. આ અંગે બાયોલોજિસ્ટ ડૉ. રવિ ચેલ્લમનું કહેવું છે કે, “જો આપણી પાસે સેશાની બિમારીની વિગત અગાઉથી જ ઉપલબ્ધ હતી તો તેને પ્રતિકૂળ વાતાવરણમાં આટલાં સફર કરીને લાવવાની જરૂર કેમ હતી? અને નામિબિયાએ કેમ આ માહિતી ભારત સરકારને ન આપી? તેનાં મૃત્યુની જવાબદારી કોણ લેશે?” કુનોના ઉચ્ચ અધિકારી સેશાના મૃત્યુ વિશે કશુંય કહેવા તૈયાર નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે, “કુનોમાં આવ્યા બાદ જ ચિત્તાની જવાબદારી અમારી બને છે.”

આ રીતે ત્રીજો ચિત્તા ઉદય એક અઠવાડિયા પછી જ મૃત્યુ પામ્યો, કારણ આપવામાં આવ્યું હૃદય સંબંધિત બીમારી. જોકે પોર્સ્ટ મોર્ટમમાં ઉદય ચિત્તાનું મૃત્યુનું કારણ હેમરેજ આપવામાં આવ્યું. હજુ તો ઉદયના મૃત્યુથી કુનોનું વાતાવરણ શાંત પડ્યું ન હતું, ત્યાં ચાર ચિત્તાના બચ્ચામાંથી ત્રણનું સંરક્ષિત વિસ્તારમાં જ મૃત્યુ થયું. સિનિયર અધિકારીઓએ તેનું કારણ વધુ પડતી ગરમીનું આપ્યું હતું. આ અંગે તપાસ થતાં કુનોના અધિકારીઓએ એમ કહીને આખી વાત ઉડાડી દીધી કે ચિત્તાના બચ્ચાનો જીવતાં રહેવાનો દર માત્ર પાંચ ટકા હોય છે. પરંતુ ડૉ. રવિ ચેલ્લમે આ સંબંધિત એક અભ્યાસને ટાંક્યો અને કહ્યું કે, જ્યારે ચિત્તાના બચ્ચા સંરક્ષિત વિસ્તારમાં હોય છે ત્યારે થયેલા અભ્યાસ મુજબ તેમનો જીવતાં રહેવાનો દર સિત્તેર ટકાની આસપાસ હોય છે.
ચિત્તાના મૃત્યુ થઈ રહ્યાં છે તે ઉપરાંત પણ કુનોમાં અન્ય પ્રશ્નો છે. જેમ કે બે નર ચિત્તા જંગલની મર્યાદા ઓળંગીને બહાર નીકળી ગયા હતા અને તેમને બેભાન કરીને તેમની હદમાં પાછા લાવવામાં આવ્યા. અન્ય બે ચિત્તાઓ પોતાના વિસ્તાર માટે હિંસક રીતે ઝડપ કરી અને ઇજાગ્રસ્ત થયા. અત્યારે તેઓ સારવાર હેઠળ છે. ચિત્તાના સ્થળાંતરને લઈને સરકારને અનેક પ્રશ્નો પરેશાન કરી રહ્યા છે. નિષ્ણાતો તરફથી એવી વાત પણ રજૂ થઈ રહી છે કે, ચિત્તાઓના સ્થળાંતર માટે કુનોમાં તૈયારી પૂરતી ન હતી, જે કારણે પણ મૃત્યુ થઈ રહ્યા છે. કુનોના જંગલવાસીઓ પણ ચિત્તાના આવવાથી મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સ્થાનિકો જંગલમાં પહેલાં આસાનીથી જઈ આવી શકતા, પરંતુ ચિત્તાઓના આવવાથી તેમનાં જંગલ પર જવા-આવવા પર નિયંત્રણો મૂકી દેવાયા છે. આ ઉપરાંત કુનોનો સ્ટાફ હજુ સ્થળાંતર બાબતે પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. સ્થળાંતરના જોખમો તેમની સામે રોજેરોજ આવી રહ્યા છે. આફ્રિકામાં જુદી-જુદી જગ્યાએ આવાં પંદર સ્થળાંતરના પ્રયાસ થઈ ચૂક્યા છે, જે નિષ્ફળ રહ્યા છે.
‘ધ સ્ક્રોલ’માં ચિત્તા વિશેનો લાંબો અહેવાલ લખનાર વૈષ્ણવી રાઠોરે જાતે કુનો જઈને બધી જ તપાસ કરી છે. તેમણે અહેવાલમાં લખ્યું છે કે, જૂન મહિનામાં જ્યારે હું કુનોના જંગલમાં સફર કરી રહી હતી ત્યારે મારી સાથેના ફોરેસ્ટ ગાર્ડને ચિત્તાના લોકેશન વિશે સતત અપટેડ મળી રહ્યા હતા. આ ગાર્ડે વૈષ્ણવીને કહ્યું કે તેઓ રોજના 1000 હેક્ટરના વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે, ચિત્તા આવ્યા પહેલાં પણ આ જ પ્રકારનું પેટ્રોલિંગ થતું હતું. પરંતુ હવે બધું જ ધ્યાન ચિત્તા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીંના ડેપ્યુટી રેન્જ ઓફિસરે વૈષ્ણવીને જણાવ્યું કે, જ્યારેથી ચિત્તાનો પ્રોજેક્ટ અમલી બન્યો છે ત્યારથી તેઓ માત્ર એક વાર ઘરે જઈ શક્યા છે અને તે પણ એક દિવસ માટે. ચિત્તા આવવાથી કામનું ભારણ ખૂબ વધ્યું છે.
ચિત્તા અહીં આવ્યા બાદ જંગલ ખાતાએ દરેક ચિત્તા માટે ચાર-ચાર સભ્યોની માટે બે ટીમ બનાવી છે. એક ટીમ દિવસના બાર કલાક કામ કરે છે, બીજી પછીના બાર કલાક. આ ટીમમાં એક ડ્રાઇવર છે, એક ડોક્ટર છે અને અન્ય એક નજીકના ગ્રામવાસીને રાખવામાં આવ્યા છે, જેઓ ચિત્તાના લોકેશનને જાણી શકે. આ ટીમ કામ દરમિયાન જરાસરખી પણ નિરાંત લઈ નથી શકતી. આવી એક ઘટના એપ્રિલમાં બની હતી જ્યારે ઓબન નામનો એક નર ચિત્તો શિકાર માટે કુનોની મર્યાદા ઓળંગીને બહાર જતો રહ્યો હતો. વીસ કિલોમીટર દૂર ગયા પછી તે એક ખેતરમાં રોકાયો અને પછી તે વધુ ત્રીસ કિલોમીટર આગળ વધ્યો. અહીંયા તેણે એક શિકાર કર્યો અને આઠ કલાક સુધી તેણે નિંદર લીધી. આ દરમિયાન કુનોની ટીમ સતત તેની પાછળ રહી. અને જ્યારે તેણે આરામ ફરમાવ્યો ત્યારે પણ તેના પર નિરીક્ષણ રાખ્યું. ત્રણ દિવસ સુધી જંગલના વિસ્તારમાં બહાર રહેલા ઓબનને છેલ્લે બેભાન કરીને જંગલના હદમાં લાવવામાં આવ્યો.
કુનોમાં સ્થળાંતરીત કરવામાં આવેલા દરેક ચિત્તાની આવી રોજેરોજની કહાનીઓ છે. પરંતુ હવે માત્ર કુનોમાં મૃત્યુ પામી રહેલા ચિત્તાના ન્યૂઝ જ ટેલિવિઝન પર ફ્લેશ થાય છે, તેના કારણોની ચર્ચા થતી નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796