નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં કેન્દ્ર સરકારના તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટનો આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના પણ આદિવાસી વિસ્તારના લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, જેના અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને રેલી કાઢી હતી. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વિસ્તારોને આવરી લેતી પાર-તાપી-નર્મદા નદી લિંક પ્રોજેક્ટ હેઠળના બંધો બાંધવાની દરખાસ્ત સામે રેલી કાઢી હતી અને સ્થાનિક મામલતદારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. આજે આદિવાસી સમાજના લોકોને સમર્થન આપવા માટે જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ પહોંચ્યા હતા.
ઇન્ડિયા વોટર રિસોર્સિસ ઇન્ફર્મેશન સિસ્ટમ મુજબ, પાર-તાપી-નર્મદા નદી લિંક પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના સરપ્લસ વિસ્તારોમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત કરે છે, જેમાં ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાત જળાશયો(ડેમ) બનાવવા સહિતની કામગીરી કરવામાં આવી છે. જેમથી 6 ડેમ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જીલ્લામાં બનશે જ્યારે એક ડેમ મહારાષ્ટ્રના નાસિકમાં બનશે. જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજના લોકો આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
આજે આ આદિવાસી સમાજના લોકોને સમર્થન આપવા માટે ગુજરાતનાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વલસાડ પહોંચ્યા હતા. તેમણે આ રેલીને સંબોધન આપતા જણાવ્યુ હતું કે, “આ સરકારને આદિવાસી સમાજને 5મી અનુસૂચિનો લાભ નથી આપવો, પેશાનો કાયદો તો લાગુ નથી કરવો, જંગલ જમીનના કાયદા નીચે 50,000 લોકોને જમીન નથી આપવી પણ ડેમના નામે 50,000 લોકોના જીવન ઉપર બુલડોઝર ફેરવવા માગે છે. અમે આનો વિરોધમાં તમારી સાથે છીયે. આખા ગુજરાતમાં જેટલા પણ દલિત સમાજના આગેવાનો છે તે બધા જ તમારી સાથે છે. ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓએ નક્કી નહીં કરે કે ડેમ બનશે કે નહીં, આદિવાસી સમાજ નક્કી કરશે કે ડેમ જોઈએ છે કે નહીં અને ગુજરાતની આદિવાસી જનતાએ કહી દીધું છે કે ડેમ તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. હું આપ સૌને મારૂ સમર્થન આપું છું.”
![]() |
![]() |
![]() |