નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તીસ્તા સેતલવાડે અંગે મોટા ખુલાસા કર્યા છે. સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડે 2002માં ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસ પાસેથી ફંડ મેળવ્યું હતું. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ભાજપની સરકારને અસ્થિર કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી.
SITએ જણાવ્યું હતું કે, સેતલવાડ 2002ના રમખાણ પછી તરત જ ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું એક મોટું કાવતરું ઘડી રહી હતી. આ માટે તેને હરીફ રાજકીય પક્ષના મોટા નેતાનો આર્થિક સહયોગ પણ મળ્યો હતો. ગુજરાતમાં ભાજપની સરકારને અસ્થિર કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.
ગુજરાતમાં વર્ષ 2002માં ભયાનક રમખાણો થયા હતા. ત્યારે વિપક્ષમાં કોંગ્રેસ મુખ્ય પાર્ટી હતી. સેતલવાડની જામીન અરજી સામે વાંધો ઉઠાવતા આજે શહેરની સિવિલ સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં SITએ આ વાત કહી હતી કે, આરોપીઓએ રાજકીય હેતુઓથી મોટું ષડયંત્ર રચ્યું હતું. ભાજપ સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે મોટા કાવતરામાં સામેલ હતી. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો પોલીસે વિરોધ કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SITનો જવાબ રેકોર્ડ પર લઈ જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે.
ગુજરાત પોલીસની SITએ બુધવારે 2002ના કોમી રમખાણો સંબંધિત કેસમાં કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર બાદ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરી હતી. SITએ તેના સોગંદનામામાં કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ બે સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે સેતલવાડ દ્વારા અન્ય આરોપી વ્યક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તે સમયના રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષના રાજકીય સલાહકાર અહેમદ પટેલના કહેવાથી ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ અહેમદ પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી અને પ્રથમ વખત તેમને પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા.
પોલીસે કોર્ટને જણાવ્યું કે બે દિવસ પછી શાહીબાગના સરકારી સર્કિટ હાઉસમાં પટેલ અને સેતલવાડ વચ્ચેની બેઠકમાં સાક્ષી નવી પટેલની સૂચના પર સેતલવાડને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી. આ બેઠકોમાં ઘણા રાજકીય નેતાઓની હાજરી હોવાની પણ પુષ્ટિ થાય છે.








