તળાજા, ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાંથી એક શ્વાસ અટકાવી દેનારો અને ચિંતાજનક વીડિયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક સિંહની અત્યંત નજીક જઈ વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જેના પરિણામે સિંહ તેના પર હુમલો કરવા દોડે છે. સદભાગ્યે, ત્યાં હાજર અન્ય લોકોની બુમરાણના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, તળાજા વિસ્તારમાં એક સિંહ પોતાના મારણ પાસે બેઠો હતો. આ દ્રશ્ય જોઈને એક ઉત્સાહી યુવક પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારવા સિંહ અને તેના મારણની નજીક પહોંચી ગયો. સિંહને આ અણગમતી હરકત પસંદ ન પડી અને તે તુરંત જ યુવક તરફ ધસી આવ્યો. ચોંકાવનારી વાત એ છે કે, સિંહને પોતાની સામે ધસી આવતો જોઈને પણ આ યુવકે વીડિયોગ્રાફી બંધ ન કરી અને ઊંધા પગે ભાગવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ તેણે વીડિયો બંધ ના કર્યો.
આ આખો ઘટનાક્રમ ત્યાં હાજર અન્ય કોઈ વ્યક્તિએ પોતાના ફોનમાં કેદ કરી લીધો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સિંહ યુવકની પાછળ દોડે છે, પરંતુ આજુબાજુમાં ઉભેલા લોકોએ જોરથી બૂમો પાડવાનું શરૂ કરતા સિંહ પોતાના પગ ધીમા પાડી રોકાઈ જાય છે. એક ક્ષણ માટે લાગતું હતું કે સિંહ આ યુવક પર હુમલો કરી બેસશે, પરંતુ નસીબજોગે તેમ થયું નહીં અને યુવકનો જીવ બચી ગયો.
આ ઘટના બાદ તંત્ર દ્વારા આવા અતિસાહસિક કૃત્યો કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વન્યજીવોની નજીક જઈ તેમને ખલેલ પહોંચાડવી એ ગંભીર ગુનો છે અને તેનાથી માનવજીવન તેમજ વન્યજીવન બંને માટે જોખમ ઊભું થાય છે. વાયરલ થઈ રહેલી વિગતોમાં એવો પણ આક્ષેપ છે કે આ વ્યક્તિ દ્વારા સિંહની પજવણી કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે આ માલધારી હશે જેના પશુંનું મારણ કરવામાં આવ્યું હોઈ શકે છે, છતાં પોતાનો જીવ જોખમાય તેટલું જોખમ કેમ લેવું તે એક પ્રશ્ન છે. જોકે આ અંગેની સ્પષ્ટતા કોઈ નક્કર તપાસ બાદ જ સામે આવશે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વન્યજીવો સાથે છેડછાડ કરવી જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે હવે ગુજરાતના સિંહ પણ માણસ પર હુમલો કરતા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે.








