Saturday, November 1, 2025
HomeGujaratઆપણે દિકરીઓને આ બે અધિકાર આપતા નથી અને આપવા માગતા પણ નથી

આપણે દિકરીઓને આ બે અધિકાર આપતા નથી અને આપવા માગતા પણ નથી

- Advertisement -

હમણાં થોડા દિવસ પહેલા સુરતની પાયલ નામની દિકરી તેના મિત્ર આકાશ સાથે ઘરેથી ભાગી નિકળી, પોતાનો પરિવાર પોતાને શોધે નહીં તે માટે તેણે પોતાનું અપહરણ થયુ છે તેવો માહોલ ઉભો કર્યો, આ આખી ઘટનામાં આપણા માટે દોષીતના પાંજરામાં પાયલ અને આકાશ ઉભા છે. પાયલના વ્યવહારને કારણે પાયલના માતા પિતાની આબરૂ ગઈ તેવુ તેના માતા પિતા ખુદ માનતા હશે, મેં અગાઉ પણ કહ્યુ ભગવાન રામના યુગથી કાયમ આબરૂનું પ્રમાણપત્ર દિકરીઓએ લેવાનું હોય છે.દિકરીનું એક કૃત્ય કઈ રીતે પોતાના માતા પિતાની આબરૂ લઈ શકે તે સમજાતુ નથી, પાયલ પોતાના મિત્ર આકાશને પ્રેમ કરે છે, પણ પાયલના પરિવારને તેનો પ્રેમ માત્રને માત્ર એટલા માટે મંજુર નથી કારણ આકાશની જ્ઞાતિ અલગ છે. પાયલ પોતાની જીંદગીની આગળની સફર આકાશના સંગાથમાં પસાર કરવા માગતી એટલે તેણે આકાશનો હાથ પકડી પિતાનું ઘર છોડયુ હતું, પાયલને પ્રેમ થયો અને તેણે તરત ઘર છોડયુ તેવુ પણ ન્હોતુ, તેણે પોતાના માતા પિતાને મહિનાઓ સુધી સમજાવ્યા પણ માતા પિતા ટસનામસ થયા નહીં એટલે પાયલે એક નિર્ણય લેવાનો હતો અને તેણે નિર્ણય લીધો.




પાયલે ઘર છોડયુ ત્યારે તેના ખુદના માતા પિતા અને સગા સંબંધીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા તેવુ તેઓ માનવા લાગ્યા, આપણે રાધા કૃષ્ણના પ્રેમની દુહાઈ આપીએ છીએ પણ જો આપણા પરિવારમાં કોઈ પ્રેમ કરે તો આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ આવુ પાયલના ઘરમાં બન્યુ હતું, પરંતુ આપણે પાયલ અને પાયલ જેવી દિકરીઓના પક્ષે કયારેય વિચાર કરતા નથી, જે માતા પિતાએ પાયલને જન્મ આપ્યો, મોટી કરી, પાયલને સારામાં સારૂ શિક્ષણ મળે તેના માટે મહેનત કરી તે માતા પિતાનો સાથ છોડતા પાયલને કેટલી તકલીફ પડી હશે તેની આપણને કલ્પના જ નથી, પાયલની વેદના સમજવા માટે દરેક માણસ યુવાન સ્ત્રી થવુ પડે અને પ્રેમ કરવો પડે તો એક ઘર છોડતી દિકરીની મનોદશા સમજાય તેમ છે. આપણી જીંદગી વિરોધાભાસથી ભરેલી હોય છે, દિકરાની માતા પિતા દિકરીને ઉત્તમ શિક્ષણ મળે તેવા તમામ પ્રયાસ કરે છે, કારણ આવનાર સમય દિકરી પોતાના પગ ઉપર ઉભી રહે અને દિકરીના શિક્ષણ અને કાર્યને કારણે માતા પિતાનું માથુ ગૌરવથી ઉંચુ થાય પણ જે દિકરીને આપણે ભણાવીને સારા નરસાનો ભેદ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ તે જ દિકરી જયારે પોતાના જીવનનો મહત્વ પોતાની ઈચ્છા લે છે ત્યારે માતા પિતાને મંજુર હોતુ નથી અને દિકરી પોતાના નિર્ણય માટે ઘર છોડે ત્યારે તેમની આબરૂ ગઈ તેવુ તેઓ માને છે આમ દિકરી ગમે એટલુ ભણેલી હોય પણ આપણે તેને પોતાની મરજીથી જીવન સાથી પસંદ કરવાની મંજુરી આપતા નથી

- Advertisement -

પાયલ સીએનો અભ્યાસ કરતી હતી, ત્યારે તે પોતાનો નિર્ણય લઈ શકે એટલી માનસીક પરિપકવ છે, પણ તેના માતા પિતા હજી પણ નાની સમજે છે અહિયા એક પાયલની વાત નથી, લગભગ પ્રેમ કરનાર તમામ પાયલોની આવી જ સ્થિતિ છે, સંભવ છે કે દસ પાયલમાંથી બે પાયલની સફર સફળ થાય નહીં તેનો અર્થ એવો પણ નથી કોઈ પાયલે પ્રેમ કરવો નહીં અને કોઈ પ્રેમ કરનાર સાથે લગ્ન કરવા નહીં, દરેક માતા પિતા પોતાની દિકરીને સુખી જોવા જ માગતા હોય છે, પણ દિકરીને જેની સાથે સુખ મળે છે તેની જ્ઞાતિ અલગ હોવાને કારણે આપણને દિકરીનું સુખ મંજુર હોતુ નથી, ખરેખર પાયલ અને આકાશ જેવી ઘટના આપણા દેશમાં હજારો બને છે, ખરેખર તો આ અંગે માતા પિતાએ વિચાર કરવાની જરૂર છે, દિકરી જેને પ્રેમ કરે છે, તેની જ્ઞાતિ અને ધર્મ કયો છે તેમાં પડયા વગર દિકરી જેને પ્રેમ કરે છે, તેનું શિક્ષણ, તેનામાં રહેલી માણસાઈની તપાસ કરવાની જરૂર છે પણ આપણે તેવી બાબતોને પ્રાધાન્ય આપતા જ નથી, અને જ્ઞાતિ જેવી ક્ષુલ્લક બાબતોમાં પડી દિકરી સાથે બાયો ચઢાવી લઈએ છીએ.




આવી જ બીજી બાબત છે દિકરીની મિલ્કતમાં દિકરીનો પણ સરખો હિસ્સો છે તેવી કાયદાકીય જોગવાઈ હોવા છતાં આપણે માટે તો દિકરી સાસરે જવાની છે તે બાબત એટલી જડતાથી ઘર કરી ગઈ છે કે દિકરીને પણ પિતાની મિલ્કતમાં હિસ્સો આપવો જ જોઈએ તેવુ આપણે સ્વીકારવા તૈયાર નથી, મોટા ભાગના કિસ્સામાં પિતા દિકરીને હિસ્સો આપવા અંગે વિચારતો નથી, પણ સાથે દિકરી પણ માને છે કે પિતાની સંપત્તી ઉપર તેનો નહીં તેના ભાઈનો અધિકાર છે. આમ આ મુદ્દે પિતા અને દિકરી એક સરખુ વિચારે છે. આપણે વિચાર કરવો જોઈએ માની લો કે એક પિતાને બે અથવા ત્રણ દિકરા હોય તો પિતા તમામ દિકરાઓ વચ્ચે પોતાની સંપત્તીનું વિભાજન કરે છે, પણ જો એક દિકરો અને એક દિકરી હોય તો પિતાના મનમાં કયારેય વિચાર આવતો નથી દિકરા-દિકરી વચ્ચે સંપત્તીનું સરખુ વિભાજન કરવાનું છે, એક પિતાએ જયારે માને છે કે દિકરો-દિકરી બંન્ને સરખા છે તો તેમની સંપત્તીનો પણ સરખો હિસ્સો બંન્ને વચ્ચે વિભાજીત થવો જોઈએ, પરંતુ સંપત્તીના વિભાજન વખતે પિતા ઘરનો ભુવો નારીયળ ઘર ભણી ફેંકે તેમ પિતા બોલ્યા વગર પોતાની દિકરીને સંપત્તીમાં બે દખલ કરે છે કારણ એક પિતાને મંજુર નથી તેની સંપત્તી સાસરે જનારી દિકરીના ભાગે આવે

એક પિતા આવુ વિચારે છે તેની પાછળ ઘર કરી ગયેલી માન્યતા પણ જવાબદાર છે, આ માન્યતા એવી છે કે વૃધ્ધા અવસ્થામાં દિકરો અમારી સંભાળ રાખશે એટલે સંપત્તી દિકરાને મળવી જોઈએ પણ મારી પાસે અસંખ્ય ઉદાહરણ છે સાસરે ગયેલી દિકરીને ખબર પડે કે પોતાના માતા પિતાને ભાઈ સંભાળતો નથી ત્યારે દિકરીની સમસ્યા એવી હોય છે કે તે પોતાના માતા પિતાને સાસરે લઈ જઈ શકતી નથી એટલે આંખમાં આંસુ સાથે માતા પિતાને વૃધ્ધાશ્રમ મુકી જાય છે અને ત્યાં પણ નિયમિત સંભાળ લેવા દિકરી જ આવે છે કોઈ પણ વૃધ્ધાશ્રમાં દિકરાઓ આવતા નથી આમ દિકરીને સંપત્તી મળે તેવો અધિકાર પણ આપતા નથી, પચ્ચીસ વર્ષ પહેલા મારા એરેન્જ મેરેજ થયા પણ મારી બે શરત હતી, જેમાં પહેલી કોર્ટ મેરેજ કરવાના અને બીજી શરત હતી, મારી પત્નીને પહેરેલા કપડે મોકલવાની કોઈ દાગીના સામાન આપવાનો નહીં. આજે હું એક દિકરા અને દિકરીનો પિતા છુ, એટલે મેં મારી દિકરીને આ બંન્ને અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે, દિકરીને પોતાનો સાથી પસંદ કરવાનો સંપુર્ણ અધિકાર છે, પછી તે કોઈ પણ જ્ઞાતિ ધર્મનો હોય તે ગૌણ બાબત છે, અને હજી થોડા દિવસો પહેલા જ મેં મારી પાસે જે કઈ છે તેનું દિકરા વચ્ચે વિભાજન કરી દિકરીને તેનો અધિકાર આપ્યો છે. સાથે દિકરાને જઈ કઈ આપ્યુ તેનો અર્થ એવો પણ નથી કે વૃધ્ધા અવસ્થામાં અમે તેની જવાબદારી છીએ. પિતા થવાનો અર્થ માત્ર જન્મ આપવા અને ઉછેર કરવો નથી, તેમને જીવવાની મોકળાશ પણ આપવી જોઈએ.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular