નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. મોટા મોટા શહેરોમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ રસ્તા ઉપર વરસાદના કારણે ખાડા અને ભૂવા પડી ગયા છે. જેના કારણે અવર જવર કરતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ સુરતમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે પાછળથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા જેવા શહેરોમાં પણ શરૂ કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આગેવાનો અને કાર્યકરો સાથે સુરતના રિંગરોડ વિસ્તારમાં ઉધના દરવાજા પાસે એપલ હોસ્પિટલ નજીકના રોડ પરના ખાડાઓનું સમારકામ કર્યું હતું અને જણાવ્યુ હતું કે, “સત્તાધારી ભાજપ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે અને તેમને જનતાની સમસ્યાઓ દેખાતી નથી, તેથી જ આમ આદમી પાર્ટીએ આ કરવાની ફરજ પડી છે.”
આ ઉપરાંત અમદાવાદમાં લોકસભાના પૂર્વ પ્રભારી એચ.ડી.પટેલ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ જે.જે. મેવાડાની આગેવાની હેઠળ શુકન ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક, નિકોલ સુધી ખાડા ભરવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. જોકે રોડનું સમારકામ કરવું એ કોઈ અપરાધ છે કે જેના કારણે પોલીસે AAPના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવી પડે તે ચોક્કસ પોલીસને પૂછવું પડે.
વડોદરા, ભાવનગર અને રાજકોટમાં પણ AAP દ્વારા રોડ સમારકામની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરામાં પ્રદેશ સંયુકત મંત્રી વિરેન રામી, વડોદરા લોકસભા પ્રભારી મયંક શર્મા અને વડોદરા જિલ્લા પ્રભારી પ્રતિમા પટેલની આગેવાનીમાં ગેંડા સર્કલથી પંડ્યા બ્રિજ સુધીના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશ મકવાણા, ભાવનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાની આગેવાની હેઠળ, લીલા સર્કલ, B.A.D.A વિકાસ પથ અને રાજકોટમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન કમાણીની આગેવાની હેઠળ રામાપીર ચોક (150 ફૂટ રીંગ રોડ) સાથે અન્ય જિલ્લાઓમાં પણ ખાડાઓ પુરવાનું અને રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી કરી છે.








