Thursday, October 2, 2025
HomeGeneral29 વર્ષ પછી સુરત શહેર પોલીસના મૂળભૂત માળખામાં થશે આટલા ફેરફાર

29 વર્ષ પછી સુરત શહેર પોલીસના મૂળભૂત માળખામાં થશે આટલા ફેરફાર

- Advertisement -

હરેશ ભટ્ટ(નવજીવન ન્યૂઝ. સુરત): સુરત શહેર પોલીસના મૂળભૂત માળખામાં 29 વર્ષ પછી ફેરફાર થવા જઈ રહ્યા છે. 1993થી જે માળખું કાર્યરત હતું તેમાં હવે ફેરફાર કરી નવું માળખું કાર્યરત રહે તે માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. આ મામલે નિવૃત્ત ડીવાય.એસ.પી. જી.વી. દેસાઇનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે 1992નાં તોફાનો પૂર્વે શહેરમાં 9 પોલીસ સ્ટેશન હતાં. બે નાયબ પોલીસ કમિશનર હતા. તોફાનો બાદ તાત્કાલિક અસરથી 9માંથી 13 પોલીસ મથકો કરવામાં આવ્યાં. બે ડીસીપીમાંથી ચાર ડીસીપી કરવામાં આવ્યા. ત્યારથી અત્યાર સુધી મૂળભૂત માળખામાં ચાર ડીસીપી જ ચાલ્યા આવતા હતા.



સુરત શહેર પોલીસનું માળખું વર્ષો પછી હવે નવું થવા જઈ રહ્યું છે. જેમાં ઝોન પ્રમાણે ચાર ઝોન હતા તે વધીને છ ઝોન થશે. જ્યારે મદદનીશ પોલીસ કમિશનરના એચ ડિવિઝન સુધીના કાર્યકાળને એલ ડિવિઝન સુધી લંબાવવામાં આવશે. એટલે કે અત્યારે જે વ્યવસ્થા છે તેમાં બે ડીસીપી અને ચાર મદદનીશ પોલીસ કમિશનરનો ઉમેરો થશે. આ બધું એટલા માટે કરવામાં આવ્યું છે કે સુરતમાં સાત નવાં પોલીસ મથકો મંજૂર થયાં છે તે કાર્યરત થાય પછી આ બધી વ્યવસ્થાની જરૂર પડશે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ સાતેય મંજૂર થયેલાં પોલીસ મથકો કાર્યરત કરવાનાં હજુ કોઈ ઠેકાણાં જ નથી. આમ છતાં સરકારે નવા બે નાયબ પોલીસ કમિશનરની નિમણૂક કરી આ વ્યવસ્થા ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે તેવા અણસાર આપી દીધા છે.

સુરત પોલીસની વાત કરીએ તો 1992ના તોફાનો પછી સુરત પોલીસનું મહેકમ મોટી માત્રામાં વધ્યું. એટલે કે 1993ના વર્ષમાં એક સાથે એક હજારથી વધુ પોલીસ કર્મચારી સુરતને ફાળવવામાં આવ્યા હતા. ત્યારથી શહેર પોલીસની વ્યવસ્થા મુજબ 17 પોલીસ મથક વચ્ચે ચાર ઝોનમાં ચાર નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારી ફરજ બજાવતા હતા. જ્યારે સાત મદદનીશ પોલીસ કમિશનર ફરજ બજાવતા હતા. જેમાં થોડા સમય પહેલા તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્માએ મદદનીશ પોલીસ કમિશનરનું એક ડિવિઝન એચ ડિવિઝન શરૂ કર્યું હતું એટલે આઠ મદદનીશ પોલીસ કમિશનર થયાં. જ્યારે 17 પોલીસ મથક હતાં તે વખતે જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થા આજે પોલીસ મથકની સંખ્યા લગભગ બમણી એટલે કે 35 થવા જઈ રહી છે ત્યારે પણ એની એ જ છે. જેને ધ્યાને લઈ સરકારે નાયબ પોલીસ કમિશનરની બે નવી જગ્યા ઊભી કરી જેમાં નિમણૂક પણ આપી દીધી છે. જેમાં સુરત ગ્રામ્યમાં એસપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડા અને સુસરાનો સમાવેશ થાય છે. જે બન્ને હાલ રિઝર્વમાં છે.



હવે મૂળ વાત કરીએ તો સાત નવાં પોલીસ મથકો વેસુ, અલથાણ, પાલ, ઉત્રાણ, સારોલી, ભેસ્તાન અને લસકાણાનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસ મથકો કાર્યરત થાય પછી ડીસીપીના ચારમાંથી છ ઝોન કાર્યરત થશે. એ સાથે જ મદદનીશ પોલીસ કમિશનરની સંખ્યા પણ આઠમાંથી બાર થશે. નવી વ્યવસ્થાની સ્થિતિ તરફ દૃષ્ટિપાત કરીએ તો ડીસીપી ઝોન-1ના માર્ગદર્શન તળે કુલ છ પોલીસ મથકો કાર્યરત રહેશે. જેમાં વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, સારોલી અને લસકાણાનો સમાવેશ થાય છે. જેમાંથી પહેલાં ત્રણ પોલીસ મથકો એસીપી એ ડિવિઝન અને બાકીનાં ત્રણ એસીપી બી ડિવિઝનના સુપરવિઝન તળે કાર્યરત રહેશે. આ રીતે ડીસીપી ઝોન-2માં લિંબાયત, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથક કાર્યરત રહેશે. જેમાં પહેલા ત્રણ પોલીસ મથકો માટે એસીપી સી ડિવિઝન અને બાકીનાં ત્રણ પોલીસ મથકો માટે ડી ડિવિઝનનું સુપર વિઝન રહેશે. ડીસીપી ઝોન-3માં ઉધના, ભેસ્તાન, અઠવા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકનો સમાવેશ થાય છે. જેમાંથી પહેલાં બે પોલીસ મથક માટે એસીપી ઈ અને બાકીનાં ત્રણ માટે એસીપી એફ ડિવિઝન કામ કરશે. ડીસીપી ઝોન 4માં મહિધરપુરા, સલાબતપુરા, લાલગેટ, ચોકબજાર, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકનો સમાવેશ થાય છે. જેમાં એસીપી જી અને એચ ડિવિઝનનું સુપરવિઝન પ્રાપ્ત થશે. નવા કાર્યરત થનારા ઝોન 5માં અમરોલી, જહાંગીરપુરા, ઉત્રાણ, રાંદેર અડાજણ અને પાલ પોલીસ મથક કાર્યરત રહેશે. જેના માટે એસીપી આઈ અને જે કાર્યરત રહેશે. તો નવા કાર્યરત થનારા ડીસીપી ઝોન 6માં ડુમસ, વેસુ, અલથાણ, ઇચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ મથકનો સમાવેશ થાય છે. જેના માટે એસીપી કે અને એલ કાર્યરત રહેશે. આ રીતે હશે સુરત શહેર પોલીસનું નવું માળખું.

- Advertisement -

તાકીદ પછી પણ પરિણામ શૂન્ય
પોલીસ મહાનિરિક્ષક વહીવટ બ્રજેશકુમાર ઝાએ ગઈ તા. 3-2-2022ના રોજ સુરતના પોલીસ કમિશનરને પત્ર લખી નવાં મંજૂર થયેલાં પોલીસ મથકો તાત્કાલીક અસરથી કાર્યરત કરવાની તાકીદ કરી હતી. આ તાકીદને પણ બે મહિના પૂરા થયા આમ છતાં હજુ સુધી નવાં પોલીસ મથકો શરૂ કરવાનાં કોઇ ઠેકાણાં દેખાતાં નથી.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular