નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ જાણે સામાન્ય બની ગઈ હોય અને કાયદાનો ડર લોકોમાંથી છૂમંતર થઈ ગયો હોય તેવી સ્થિતી ઊભી થઈ છે. સુરતના પુણા ખાતે એક સામાન્ય ઘટનાએ હત્યા સુધી મામલો પહોંચાડી દીધો છે. જેમાં સફરજન ખરીદવા મામલે એક વ્યક્તિની હત્યા થઈ છે.
સુરતના પુણા વિસ્તારમાં આઈ માતા નજીક અજાણ્યા વ્યક્તિઓ બોલેરો કાર લઈને આવીને લાશને રોડ પર મુકી દીધી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. જાણે કે લાશ નહીં કોઈ પોટલું મુકવા આવ્યા હોય તેમ હિન્દી ફિલ્મોની જેમ લાશ નાખી જતા રહ્યા હતા. આ ઘટનાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે. આ ઉપરાંત જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરી તો તેમાં એક પિતા પુત્રની સંડોવણી સામે આવી. પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસને જાણકારી મળી કે યુવકે સફરજન ખરીદ્યા અને પછી પૈસા ન આપ્યા, તે મામલામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં સફરજન વેચનારના કિશોર બાળકે ગ્રાહકના માથામાં ગુસ્સે થઈ લાકડાનો ફટકો મારી દીધો. ગંભીર ઈજાને પગલે ગ્રાહકનું મોત થયું હતું.
આ ઘટનામાં એક ચંદુભાઈ નામના વ્યક્તિની ધરપકડ થઈ છે. આ ઉપરાંત તેમના દિકરા કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતક વ્યક્તિ મહિપાલ આહીરને ગંભીર ઈજા થતા વેપારીના પુત્ર અને આજુબાજુના લોકોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે લોહી વધુ નિકળી ગયું હતું અને ક્રિમિનલ કેસ હતો જેથી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડી દીધી. જેને કારણે સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાનું કહ્યું તો પિતા બોલેરો કારમાં આવ્યા અને તેમણે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જોકે સિવિલ લઈ જતા પહેલા તેમને વિચાર આવ્યો કે આપણે ફસાઈ જઈશું. ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડી દીધી અને હવે આ લોકો પણ તેને રસ્તામાં પુણા વિસ્તારના આઈમાતા સર્કલ પાસે મુકીને જતા રહ્યા. જેને કારણે આ વ્યક્તિને સમયસર સારવાર મળી શકી ન હતી. લાકડાના ગંભીર ફટકાથી જે લોહી વહી ગયું તેમાં યુવકનું મોત થઈ ગયું અને ઘટના હત્યામાં પરિણમી હતી. બંને પુત્રો અને પિતાને પોલીસે પકડ્યા હતા. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.








