પ્રશાંત દાયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદમાં ડેપ્યુટી કમીશનર ટ્રાફિક તરીકે IPS અધિકારી સફીન હસનને મુક્યા પછી તેમણે સ્ટંટ કરતા યુવાનો સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં બાઈક અને સ્કુટર પર સ્ટંટ કરતા વાહન ચાલકોને પકડવા સફીન હસને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. આવાજ બે વાહન ચાલકોને અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી વાહન ચાલક અને વાહન માલિક સામે ગુનો નોંધ્યો છે. સફીન હસને જણાવ્યું છે કે, મોટર વ્હીકલ એક્ટમાં થયેલા સુધારા પછી હવે વાહન માલિકને આ પ્રકારના કિસ્સામાં 3 વર્ષની સજા થઈ શકે છે.
DCP સફીન હસનએ એક નાગરીક દ્વારા સ્ટંટ કરતાં બાઈક ચાલકના બે વીડિયો મોકલવામાં આવ્યા હતા. જેમાં યુવકો જાહેર રસ્તા પર સ્ટંટ કરતાં હોવાનું બહાર આવ્યું હતું. સફીન હસનને પોતાના સ્ટાફને આ મામલે તપાસ કરવાનો આદેશ આપતા આ વાહન રખીયાલમાં રહેતા અબ્દુલ વાહીબ કુરેશીનું હોવાનું જાણવા મળ્યું હતું. તેમને આ સ્ટંટ કરતાં વીડિયો બતાવતા તેમણે જણાવ્યું હતું કે, આ સ્ટંટ કરતો યુવક સાબાના અંસારી ઉંમર 18 વર્ષ અને અયાન અંસારી ઉંમર 19 વર્ષના હતા. આ યુવકોની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું કે, આ સ્ટંટ બે મહિના પહેલા કર્યો હતા. શહેરના વટવા રિવરફ્રન્ટ અને ખોખરા બ્રિજ પર સ્ટંટ કરી તેઓ સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માગતા હતા.
ટ્રાફિક પોલીસે આ કેસમાં વાહન માલિક અને આ બંને યુવકો સામે મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ગુનો નોંધી વાહન કબ્જે કરી તેમને આરટીઓનો મેમો આપ્યો છે. DCP સફીન હસનએ જણાવ્યું કે,મોટર વ્હીકલ એક્ટની કલમ 199Aમાં થયેલા સુધારા પ્રમાણે હવે વાહન માલિકને 3 વર્ષની સજા થઈ શકે છે અને જે સગીર વયનો વાહન ચાલક છે તેની ઉંમરના 25 વર્ષ સુધી કોઈ પણ વાહન લાઈસન્સ મેળવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.