પ્રશાંત દયાળ (શતરંજ-55, નવજીવન ન્યૂઝ): જેવી ખાડો ખોદવાની શરૂઆત થઈ તેની સાથે ફોરેન્સિક ઑફિસર ગોવિંદ પટેલે ખાડો ખોદી રહેલા પોલીસવાળાને ટોકતાં કહ્યું, “ધીમે ખોદજો અને કંઈ દેખાય તો રોકાઈ જજો.” બધાની નજર ખોદાઈ રહેલા ખાડા તરફ હતી. પંતની ગાડીમાં તેમનો જે કમાન્ડો હતો, તે થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યો. તેના હાથમાં મિનરલ પાણીની ચાર-પાંચ બૉટલો હતી. લગભગ અડધો કલાક સુધી ખોદ્યું હશે, ત્યાં મહેન્દ્રસિંહે જ બૂમ પાડી : “ઊભા રહો.” તેણે હાથનો ઇશારો કરતા કહ્યું, “જુઓ, રૂપાના પંજાબી ડ્રેસનું કાપડ દેખાય છે.” તરત પોલીસવાળા રોકાઈ ગયા. એક ચીંથરા જેવું ગુલાબી રંગનું કાપડ દેખાતું હતું. પંતે મહેન્દ્રસિંહ સામે જોતાં, તેણે પોતાની વાત સાચી છે, તેનું પ્રમાણ આપવા કહ્યું : “સાહેબ, તે દિવસે રૂપાએ ગુલાબી રંગનું પંજાબી પહેર્યું હતું, મને બરાબર યાદ છે.” ફોરેન્સિક ઑફિસર પટેલે સૂચના આપી : “હવે પાવડા-કોદાળીનો ઉપયોગ કરતા નહીં. હવે હાથેથી માટી કાઢો.”
પંતે ખાડો ખોદતા હતા તેમને સૂચના આપી : “પહલે પાની પી લો… બાદ મેં આગે કામ કરના.” તેમણે પાણી પીધા પછી કામ શરૂ થયું. ખુદ મહેન્દ્રસિંહ પણ હાથેથી માટી કાઢવાના કામમાં જોડાઈ ગયો. સાથે જે બે માણસોને પંચ તરીકે લાવ્યા હતા તેમને મન તો કૌતુક હતું. તેઓ અગાઉ પણ પોલીસના પંચમાં રહ્યા હતા, પણ લાશ બહાર કાઢવાના હોય તેવા પંચમાં તેઓ પહેલી વખત આવ્યા હતા. ધીરે ધીરે માટી નીકળવા લાગી હતી. માટી સાથે કાપડના ટુકડા પણ બહાર આવી રહ્યા હતા, જેનો પરમાર એક તરફ ઢગલો કરતા હતા. ત્યારે હાડકાં દેખાવાની શરૂઆત થઈ. પટેલે સૂચના આપી કે “હાડકાંને અડ્યા અને હલાવ્યા વગર આજુબાજુની માટી ખસેડો.” આ આખી કામગીરી એક કલાક ચાલી. હવે ખાડામાં માત્ર એક હાડપિંજર હતું. ખાડો લગભગ ચાર-સાડા ચાર ફૂટનો હતો. ફોરેન્સિક અધિકારી પટેલે તરત પોતાની બૅગમાં રહેલો કૅમેરો બહાર કાઢ્યો અને હાડપિંજરના ફોટા લેવાની શરૂઆત કરી.
ફોટોગ્રાફ લેવાઈ ગયા પછી, તેમણે હાડપિંજર બહાર કાઢવાનું કહ્યું. જોકે શરીર ઉપર ક્યાંય માંસ અને ચામડી નહીં હોવાને કારણે હાડપિંજરને અડતાં જ જાણે કોઈ પઝલની ગેમની જેમ ગોઠવેલાં હોય તેમ હાડકાં છૂટાં થઈ ગયાં. એક પછી એક હાડકાં બહાર કાઢ્યાં. પટેલ એક એક હાડકાને હાથમાં લઈ તપાસી રહ્યા હતા. પછી તેમણે હાથના ભાગનું હાડકું લઈ, પંતને એક બાજુ ઉપર બોલાવ્યા અને કહ્યું, “સર, યહ ભી ઇનતા બતા સકતા હૈ કિ યે કોઈ ઔરત કી હડ્ડી હી હૈ, ક્યોંકિ મેલ ઔર ફીમેલ કી હડ્ડી મેં અંતર હોતા હૈ. જિસ પ્રકાર કા ઇસકા બોર્ન હૈ. યહ રૂપા હો સકતી હૈ. ફિર ભી હમેં ઇસે સાયન્ટિફિકલી પ્રૂવ કરના હોગા. ઇસકે લિયે રૂપા કે પરિવાર મેં સે કિસીકા ઔર ઇસ હડ્ડિયોં કા ડીએનએ ટેસ્ટ કરવાના પડેગા. અગર દોનોં ડીએનએ મૅચ હોતે હૈં તો યહ રૂપા હોંગી યે હમ કહ સકતે હૈં.” પછી હસતાં હસતાં પટેલે કહ્યું, “હમારા કામ હડ્ડિયોં કો ચહેરા દેના હૈ.” વિવેક પંત આખી વાત સમજી ગયા. તેમણે તરત પરમારને સાઇડમાં બોલાવી કહ્યું, “રૂપા કે પરિવાર કે બારે મેં જાન લો કિ… વહ કહાં કી હૈ, ઉસકે બ્લડ રિલેશન મેં કૌન કૌન હૈ.”
પરમારે કહ્યું, “નહીં સર, અભી તો મેરે પાસ જાનકારી નહીં હૈ. લેકિન નિઝામ કા ભાઈ નૂરુ જાનતા હોગા. ઉસસે બાત કર લૂંગા, કોઈ ચિંતા કી બાત નહીં.” આ વાત ચાલી રહી હતી ત્યારે જ વડોદરાની લોકલ ટેલિવિઝન ચૅનલના બે પત્રકારો કૅમેરામેન સાથે ત્યાં આવી પહોંચ્યા. બધા જ ચમકી ગયા. પંતે પરમાર સામે જોયું. પરમાર તરત પેલા પત્રકારો આવી રહ્યા હતા, તે તરફ ગયા અને તેમને રોકી રાખતાં કહ્યું, “પ્લીઝ, હમણાં અહીંયાંથી ચાલ્યા જાવ, કામ ચાલુ છે.” પણ પત્રકારોએ તેમના સવાલ શરૂ કર્યા “સાહેબ, અહીંયાં કેમ આવ્યા છો? કઈ તપાસ છે? શું મળ્યું?” વગેરે… પરમાર તેમના જવાબ ટાળી રહ્યા હતા, ત્યારે એક કૅમેરામેન ખાડાની બાજુમાં પડેલા હાડપિંજરને કૅમેરામાં કંડારી રહ્યો હતો, અચાનક પરમારનું ધ્યાન તેની તરફ જતાં, તેને રીતસર ધક્કો મારી ત્યાંથી હડસેલ્યો અને ગુસ્સો કરતાં કહ્યું, “તમે અમારા ઇન્વેસ્ટિગેશનમાં તકલીફ ઊભી કરી રહ્યા છો. મારે તમારી સામે પગલાં ભરવાં પડશે. પ્લીઝ જતા રહો.” પત્રકારો અને કૅમેરામેન ત્યાંથી રવાના થયા. જોકે તેમને અહીંયાં શું ચાલી રહ્યું છે, તેની કેવી રીતે ખબર પડી તે કહેવું મુશ્કેલ હતું. પત્રકારો પણ હોશિયાર હતા. ખરેખર શું થઈ રહ્યું છે, તેનો અંદાજ ન હતો, પણ તે જ્યારે હાઇવે ઉપર આવ્યા ત્યારે તેમણે પોલીસકારના ડ્રાઇવરને કયા કયા અધિકારી આવ્યા છે? તેમનાં નામ પૂછી લીધાં હતા. જેના કારણે તેમને એટલો તો અંદાજ આવી ગયો હતો કે સીઆઇડી ક્રાઇમની તપાસ છે અને હાલમાં તેઓ બહુચર્ચિત નિઝામ ઍન્કાઉન્ટરની તપાસ કરી રહ્યા છે.
સ્થળ ઉપર પંચનામાની શરૂઆત થઈ હતી. પંચોએ જે કંઈ જોયું તે નિવેદન સ્વરૂપે નોંધાઈ રહ્યું હતું. પુરાવા અલગ અલગ પ્લાસ્ટિક બૅગમાં પૅક કરી તેની ઉપર નંબરિંગ કરવામાં આવી રહ્યું હતું. કારણ કે તે બધા જ નમૂના હવે ફોરેન્સિક લૅબમાં જવાના હતા ત્યારે જ વિવેક પંતના મોબાઇલ ફોન ઉપર આદેશનો ફોન આવ્યો : “સર, વાસદ મેં કુછ મિલા હે?” પંત કંઈ જવાબ આપે તે પહેલાં જ તેણે કહ્યું, “ટીવી પે ક્વેશ્ચન માર્ક સાથે સ્ક્રોલ ચલા રહા હૈ કિ રૂપા કે કંકાલ મિલે.” પંત ડિસ્ટર્બ થઈ ગયા, કારણ કે વાત વહેલી લીક થઈ ગઈ હતી. પણ હવે કોઈ રસ્તો ન હતો. તેમણે આદેશને કહ્યું, “હા, બાત સચ હૈ, લેકિન ઇસકા ક્રેડિટ તુમ્હે જાતા હૈ. તુમ્હારે કારણ યહ મિલા. મૈં બાદ મેં બાત કરતા હૂં.” તેમ કહી તેમણે ફોન મૂક્યો અને પરમાર અને પટેલને કહ્યું કે, “ટીવી ઉપર સમાચાર શરૂ થયા છે.”
પંત વિચાર કરતા જ હતા કે, હવે તેમણે પોતાના સિનિયરના ધ્યાન ઉપર પણ આ વાત મૂકવી જોઈ, ત્યારે જ ડીજીપી રામકિશોર ચૌબેનો ફોન આવ્યો : “સર.” ચૌબે ભડક્યા. તેમણે કહ્યું, “અબ તૂમ ક્યા ઇન્વેસ્ટિગેશન કર રહે હો વો હમેં ટીવી દેખને કે બાદ પતા ચલેગા.” “સર સર, એક્સ્ટ્રીમલી સૉરી, મેં આપકો બતાનેવાલા થા, તભી યહાં લોકલ ચૅનલવાલે આ ગયે થે.” પણ ચૌબે તેમની વાત સાંભળવા તૈયાર ન હતા. તેમણે આદેશાત્મક ભાષામાં કહ્યું, “તુમ ગાંધીનગર પહોંચો, જરૂરી બાત કરની હૈ.” વિવેક પંત હસ્યા, તેમણે મનમાં કહ્યું, “તમારાથી થાય તે કરી લો.” પરમારને જરૂરી સૂચના આપી અને પટેલને ફરી મળીશું તેવું કહી ત્યાંથી રવાના થયા.
બે દિવસ પહેલાં જ રામકિશોર ચૌબે અને મંત્રી અમર ઠાકોર વચ્ચે મિટિંગ થઈ હતી, જેમાં મંત્રીએ વિવેક સામે ખાસી નારાજગી વ્યક્ત કરી તેમનું સુપરવિઝન બદલી નાખવાનું કહ્યું હતું. આમ તો આઇપીએસ અધિકારીની બદલી ગૃહ વિભાગ જ કરતું હોય છે, પણ ચૌબેને એક અન્ય અધિકારીનું નામ આપવાનું હતું, જે તેમના કહ્યામાં હોય. તેમાં એક દિવસ વધુ થઈ ગયો અને પંત રૂપા સુધી પહોંચી ગયા હતા. કારમાં બેઠા પછી વિવેક પંતે આદેશને ફોન કર્યો અને રૂપાની હત્યા કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે કોણે અને તેને ક્યાં દફનાવી હતી તે બધી વાતો અતથી ઇતિ સુધી કહી હતી. આદેશ પાસે જેટલી વિગતો હતી, એટલી વિગતો અમદાવાદના કોઈ પત્રકારો પાસે ન હતી અને નહોતી પહોંચવાની તેની આદેશને ખબર હતી.
રૂપાની પણ હત્યા કરી દેવામાં આવી હતી અને બાદમાં તેને વાસદ પાસે દફનાવી દેવામાં આવી હતી તે સમાચાર હવે ઑફિશિયલ બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચાલવા લાગ્યા હતા. મંત્રી અમર ઠાકોર, ડીસીપી જે. કે. વછરાજાની અને ઇન્દ્રસિંહ જાડેજાના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. તેમને એ પણ ખબર પડી ગઈ હતી કે, એટીએસમાં ફરજ બજાવતો મહેન્દ્રસિંહ સાક્ષી બની ગયો છે. ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત તેને વારંવાર ફોન લગાડતો હતો, પણ તેનો ફોન બંધ આવતો હતો. મહેન્દ્રસિંહે કંટ્રોલરૂમમાં ફોન કરી પોતે બીમાર છે તેવું કારણ આપી લાંબી રજા ઉપર જવાનો નિર્ણય કરી લીધો હતો. હવે સરકારી દફતર ઉપર નિઝામ અને રૂપા બંનેની હત્યાઓ સામેલ થઈ હતી.
વાસદથી આવી ડીઆઇજી વિવેક પંત સીધા, ડીજીપી રામકિશોર ચૌબેની ચેમ્બરમાં દાખલ થયા. ચૌબેના ચહેરા ઉપર ગુસ્સો હતો. છતાં તેમણે ગુસ્સો બતાડવાને બદલે કહ્યું, “કિતને લંબે વક્ત કે બાદ આઇબી સે બહાર નિકલે થે, લેકિન અપની આદતોં સે બાજ નહીં આયે.” પંત કંઈ બોલ્યા નહીં. ચૌબેએ તેમની સામે એક ખાખી કવર મૂકતાં કહ્યું, “વિવેક, તુમ્હારા ટ્રાન્સફર પોલીસ ઍકેડેમી મેં હુઆ હૈ.”
(ક્રમશ:)








