ટાઈટલઃ યુદ્ધક્ષેત્રે જેન્ડર બાયસને પડકારતી મહિલા ફોટોજર્નાલિસ્ટ
ઈન્ટ્રોઃ પ્રથમ વિશ્વયુદ્ધને એક સદી વીતી ચૂકી છે. અત્યંત ભયાનક ગણાતાં આ વિશ્વયુદ્ધમાં અનેક એવી ઘટનાઓ બની હતી કે, જેણે જે-તે બાબત તરફ જોવાનો લોકોનો દ્રષ્ટીકોણ જ બદલી નાંખ્યો હતો. આવી જ એક ઘટના સ્ત્રીઓના સ્થાનને લઈને પણ હતી. 20મી સદીના પ્રારંભના કાળથી ઉગ્ર બનેલી સ્ત્રી સ્વાતંત્ર્યવાદની ચળવળનો પ્રભાવ યુદ્ધભૂમિ પર પણ જોવા મળ્યો હતો. અનેક યુરોપીય દેશોએ મહિલોની ટુકડીને મેદાનમાં ઘવાયેલાં સૈનિકોની સારવાર માટે ઉતારી હતી, તો ક્યાંક વળી લાખોની સંખ્યામાં મહિલાઓ શસ્ત્રો બનાવવામાં લાગી ચૂકી હતી. આ બધાં વચ્ચે યુદ્ધભૂમિ પર જઈને બોમ્બમારા વચ્ચે યુદ્ધની ઘટનાઓને કેમેરામાં કંડારતી પત્રકાર-ફોટાગ્રાફર મહિલાઓએ આખી દુનિયાની શાબાશી મેળવી હતી. 8, માર્ચે ‘મહિલા દિન’ નજીકમાં જ છે, ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ અને અને એ પછીના યુદ્ધો વખતે જોખમો ઝીલીને યુદ્ધભૂમિની ભયાનકતાને દુનિયા સામે ઉઘાડી કરનાર જિંદાદીલ મહિલા ફોટોજર્નાલિસ્ટના સાહસને બિરદાવીએ…
નારીવાદના ઈતિહાસમાં 8મી માર્ચનું વિશેષ મહત્વ છે. કામની શરતો અને વેતનને માટે થઈને ન્યૂ યોર્કમાં આ જ દિવસે પચાસ હજાર મહિલાઓ સરઘસ કાઢ્યું. સ્ત્રીઓ દ્વારા સામૂહિક સ્તરે થયેલી આ પ્રથમ ચળવળને બિરદાવવા માટે થઈને આ દિવસને મહિલા દિન તરીકે ઉજવવાનું ઠેરવ્યું હતું. છેક સોળમી સદીની આસપાસ શરુ થયેલી નારીવાદની ચળવળ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની જેણે નારી સ્વાતંત્ર્યને પૃષ્ટી આપવાનું કામ કર્યું. આવી જ એક ઘટના પ્રથમ વિશ્વયુદ્ધ પણ મનાય છે. વિશ્વયુદ્ધ દરમિયાનની અને તેના પછીની અસરોએ સ્ત્રીના અસ્તિત્વના સ્વતંત્ર સ્વીકારવામાં ઘણો મોટો ફળો આપ્યો. જેમકે યુદ્ધ દરમિયાન ઘવાયેલાં સૈનિકો માટે કિમ્બરલી ક્લાર્ક કંપની અઢળક કોટન ઉત્પન્ન કરતી હતી, પરંતુ યુદ્ધની પૂર્ણ થઈ ગયા બાદ આ કંપનીએ વધેલાં કોટનને કોટેક્ષ એવું નામ આપીને સ્ત્રીઓને માસિક ધર્મમાં ઉપયોગમાં લેવાતા સેનેટરી નેપ્કિન તરીકે બજારમાં મૂક્યાં અને એ સાથે માસિક ધર્મવખતે નિષ્ક્રિય બની જતી સ્ત્રીઓના જીવનમાં ક્રાંતિ આવી. આ ગાળામાં ગર્ભનિરોધક ગોળીઓથી માંડીને ગર્ભપાતની મંજૂરી સુધીની અનેક મહત્વની ઘટનાઓએ સ્ત્રીઓના જીવનને ધરમૂળથી બદલી નાંખ્યું. આ સ્વતંત્રતા ઉપરાંત સ્ત્રીઓને વિશેષ ઓળખ અપાવવાનું કાર્ય પણ વિશ્વયુદ્ધ દરમિયાન થયું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેનપાવરની મોટાપાયે જરુરીયાત ઊભી થતાં અનેક યુરોપીય દેશોએ સ્ત્રીઓને શસ્ત્રોના ઉત્પાદનમાં જોતરી, યુદ્ધભૂમિ પર લાખોની સંખ્યામાં ઘવાયેલાં સૈનિકોની સારવાર માટે નર્સ-ડાક્ટરની તોતિંગ જરુરીયાત સર્જાઈ અને આ ખોટ પુરુ કરવાનું કાર્ય પણ સ્ત્રીઓએ બખૂબી કર્યું. આ ગાળામાં યુદ્ધભૂમિ પર ચાલી રહેલાં નરસંહાર અને જુલ્મોને પ્રજા સામે લાવવાનું કાર્ય પણ ખૂબ વ્યાપક પાયે કરવું અનિવાર્ય હતું. મોટાભાગના દેશોએ અનેક પુરૂષ પત્રકારો અને ફોટોગ્રાફરોને યુદ્ધના ડોક્યુમિટેશન માટે મોકલ્યા. સતત બોમ્બમારા અને હવાઈ હુમાલાઓ વચ્ચે જઈને રીપોર્ટીંગ કરવું ખૂબ જોખમી હોવાથી પ્રથમ તબક્કે સ્ત્રી ફોટોગ્રાફર્સને યુદ્ધભૂમિ પર પ્રવેશ નહીં આપવાનું સૈન્યએ નક્કી કર્યું હતું. પરંતુ ક્રિસ્ટીના બ્રૂમ જેવી મહિલા ફોટોગ્રાફરે મક્કમતા સાથે યુદ્ધભૂમિ પર જવાની બ્રિટન સરકારે પાસે પરવાનગી માગી અને છેવટે સરકારે મહિલા ફોટોગ્રાફર્સ અને પત્રકારોને પણ યુદ્ધભૂમિ પર જવા લીલી ઝંડી આપવી પડી.
પોતાની જાતે જ ફોટોગ્રાફી શિખેલી બ્રિટનની પહેલી મહિલા પત્રકાર ક્રિસ્ટીના બ્રૂમે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અનેક એવા ફોટોગ્રાફસ્ લીધા હતા, જે યુદ્ધની ભયાનકતાની સાથે-સાથે યુદ્ધમાં આહત થયેલાં લોકોની સ્થિતિને પણ વાચા આપતા હતાં. ક્રિસ્ટીનાનો પોતાના પરીવાર સાથે આનંદની મુદ્દામાં રહેલાં સૈનિકોનો ફોટો યાદગાર મનાય છે. કારણ કે એ પછીના થોડા સમયમાં જ તે યુદ્ધભૂમિમાં શહીદ થયો હતો. એવી જ રીતે લંડનમાં યુ.એસ આર્મીના સૈનિકોનો રાઈફલોના ખડકલા સાથેનો ફોટો પણ ક્રિસ્ટીનાની ફોટો સેન્સને છતી કરે છે. 2000થી પણ વધુ ફોટોગ્રાફ્સ પાડનાર ક્રિસ્ટીનાએ ભારતીય સૈનિકોના પણ અનેક ફોટોગ્રાફ્સ લીધા છે. આજે ક્રિસ્ટીનાની ગેલરીમાં આ તમામ ફોટોગ્રાફ્સ સચવાયેલાં છે અને તેની સમયાંતર હરાજી પણ થતી રહે છે.
મહિલા ફોટોગ્રાફર તરીકે પ્રથમ પુલીત્ઝર પ્રાઈઝ મેળવનાર માર્ગ્યુરીટ હિગ્નિસે તો બીજા વિશ્વયુદ્ધના મોરચે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવી હતી. એક સમયે વિશ્વનો સૌથી જોખમી વોર ઝોન ગણાતા વિયેતનામ અને કોરીયાના યુદ્ધ ક્ષેત્રેની અનેક તસ્વીરો હિગ્નિસે પોતાના કેમેરામાં કેદ કરી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમિરકન લશ્કર સાથે સતત યુદ્ધ મોરેચે રહીને હિગ્નિન્સે તેના સાહસનો પરીચય પૂરા અમેરીકામાં આપ્યો હતો. રશિયામાં બર્લિન ખાતે થયેલાં બોમ્બમારાની તબાહીની પણ જીવંત તસ્વીરોને હિગ્નિસે બેખોફ થઈને ઝીલી છે. 1950માં જાપાન-કોરીયામાં ફાટી નીકળેલા યુદ્ધની ભયાનકતાની તસ્વીર માટે હિગ્નિન્સે પુલિત્ઝર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું હતું. 60ના દાયકા દરમિયાન તે ભારત પણ આવી હતી અને જવાહરલાલ નેહરુનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો.
જે-તે ઐતિહાસિક ઘટનાના અદભૂત ફોટોગ્રાફ્સ આપવા માટે જાણીતા લાઈફ મેગેઝિને પણ તેના અનેક મહિલા ફોટોગ્રાફર્સને યુદ્ધના મોરચે અહેવાલ અને ફોટોગ્રાફી માટે મોકલ્યા છે. લાઈફ મેગેઝીનના પ્રથમ અંકથી જ તેની સાથે જોડાયેલ અને લાઈફની પ્રથમ મહિલા ફોટોગ્રાફર તરીકનું સન્માન મેળવનાર માર્ગારેટ બ્રુક વ્હાઈટની ફોટોગ્રાફીના ક્ષેત્રે અનેક સિદ્ધીઓ નોંધાયેલી છે. સોવિયટ ઈન્ડસ્ટ્રીની ફોટોગ્રાફી કરનાર તે પ્રથમ ફોટોગ્રાફર છે. ઉપરાંત તે પહેલી મહિલા ફોટોગ્રાફર છે, જેને ચાલુ યુદ્ધ ક્ષેત્રે ફોટોગ્રાફી કરવાની પરવાનગી મળી હતી. યહુદી પિતા અને આઈરીશ માતાની સંતાન માર્ગારેટ શરૂઆતના તબક્કે સ્થાપત્યોની જ વધું ફોટોગ્રાફી કરતી હતી. તેણે શસ્ત્રો બનાવતી કંપનીનું પણ ફોટોશૂટ કર્યુ. તેના જીવનમાં પડકારભર્યુ આવેલું આ સૌથી પહેલું કામ હતું. એ પછી માર્ગારેટની ખ્યાતિ ફેલાતી ગઈ અને 1936થી માર્ગારેટે લાઈફ મેગેઝીન માટે ફોટોગ્રાફી કરવાનું આરંભ્યું.
બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળતા માર્ગારેટે 1941માં સક્રિય યુદ્ધ મોરચે ઝંપલાવ્યું. દુશ્મન રાષ્ટ્રો ગણાતા જર્મની અને રશિયાના દરેક શહેરની તેને મૂલાકાત લીધી. હિટલર દ્વારા યહુદીઓની ગેસ ચેમ્બરમાં ગુંગળાવીને થઈ રહેલી હત્યાના ફોટોગ્રાફ્સ દ્વારા તેણે દુનિયા સામે હિટલરોના ક્રૂર ચહેરો ઉઘાડો કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં લોકોની વાહવાહી મેળવીને માર્ગારેટ હજુ તો વતન પરત ફરી હતી એના થોડા જ સમયમાં તેના માથે ભારતનો પ્રોજેક્ટ થોપાયો. ગાંધીજીની ખૂબ જાણીતી ચરખા પાસેની અને એવી જ રીતે મહોમ્મદ અલી ઝીણાની આરામ ખુરશી પાસેની ફેમસ તસ્વીરો પણ માર્ગારેટે જ ખેંચી હતી. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે થયેલાં રમખાણો અને કત્લેઆમની પણ માર્ગારેટ અનેક તસ્વીરો ઝડપી હતી. આજે પણ જો તમે લાઈફ મેગેઝીન પર જઈને ભારત-પાકિસ્તાન પાર્ટિશન સર્ચ કરો અને હિંસાચારની જે તસ્વીરો દર્શાવાય છે, તેમાની અનેક તસ્વીરો માર્ગારેટની કેમેરામાં ઝડપાયેલી છે. 2006માં ખુશવંત સિંઘની નવલકથા ટ્રેઈન ટુ પાકિસ્તાનનું રીલોન્ચિગ થયું એમાં માર્ગારેટની ભાગલા સમયની 66થી વધુ તસ્વીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
માર્ગારેટની માફક જ અમેરીકાની મિલર લી પણ તેના વોર ફોટોગ્રાફ્સ માટે જાણીતી બની હતી. બહુ જ નાની ઉંમરમાં ફેશન મોડેલ તરીકે નામના મેળવનાર લીએ તેની ત્રીસીમાં પહોંચતા સુધીમાં તો કેમેરો હાથમાં લઈ લીધો હતો અને ફેશન ફોટોગ્રાફ્રર તરીકે નામના મેળવવા માંડી હતી. જો કે થોડા જ સમયમાં બીજા વિશ્વયુદ્ધના મંડાણ થતાં જ નવી-નવી પરણેલી મિલરે યુદ્ધક્ષેત્રે જવાનું ઠેરવ્યું. મિત્રો અને પરીવારની અનેક મનાઈ છતાં મિલર પોતાની વાતમાં મક્કમ રહી અને તેણે યુદ્ધક્ષેત્રે પોતાના પ્રિય શસ્ત્ર કેમેરા સાથે ઝંપાલવી દીધું. નાઝીઓની ગેસ ચેમ્બરમાં થઈ રહેલા નરસંહારને મિલરે આબાદ રીતે પોતાના કેમેરામાં ઝડપ્યા હતાં. કહેવાય છે કે મિલરની તસ્વીરો આજે પણ વિશ્વયુદ્ધના દસ્તાવેજોની શ્રેષ્ઠ તસ્વીરોમાં સ્થાન પામે છે. મિલરે હિટલરના એપાર્ટમેન્ટના બાથટબમાં સ્નાન કરતી પડાવેલી તસ્વીર પણ કલાની રીતે ઉત્તમ મનાય છે. જો કે આજીવન સતત હિંસા, લોહી અને શબોની વચ્ચે ફોટોગ્રાફી કરનાર મિલરને પાછલા જીવનમાં સખત ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો. કહેવાય છે કે આ ડિપ્રેશન યુદ્ધની ભયાનકતાને કારણે આવ્યું હતું.
બોમ્બમારા અને ગોળીઓના વરસાદ વચ્ચે થતી આવી વોર ફોટોગ્રાફી ઘણીવાર એટલી જોખમી સાબિત થાય છે કે ફોટોગ્રાફરે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. અમેરીકાની ડિકી ચેપલ પહેલી મહિલા ફોટોગ્રાફર હતી, જેણે યુદ્ધક્ષેત્રના હુમલામાં જીવ ગુમાવ્યો હતો. વિયેતનામ યુદ્ધની અને યુદ્ધના કારણે આહત થયેલી પ્રજાની અનેક તસ્વીરો ડિકી નેશનલ જીયોગ્રાફી મેગેઝીન માટે ઝડપી હતી. ડિકીની વિયેતનામની યુદ્ધભૂમિમાંથી એક પછી એક બહાર આવી રહેલી તસ્વીરો અને સ્ટોરીઓએ અમેરીકન પ્રજા અને સરકારને ધ્રુજાવીને રાખી દીધી હતી. 1965માં નવેમ્બર મહિનામાં દક્ષિણ વિયતનામમાં ડિકી જે બોટ પર સવાર થઈને ફોટોગ્રાફી કરી રહી હતી તેના પર આતંકીઓનો હુમલો થતાં ડિકીએ જાન ગુમાવ્યો પડ્યો હતો. ડિકીના આ સાહસને બિરદાવતા યુ.એસ મરીન બોર્ડે તેને ડિસ્ટીગ્યુનિશ સર્વિસ એવોર્ડ એનાયત કર્યો હતો.
આ તો થઈ વિશ્વયુદ્ધોમાં સાહસ બતાવનાર સ્ત્રી ફોટોગ્રાફર્સની વાત, પરંતુ આ અગાઉ પણ અનેક વખત સ્ત્રીઓ બે દેશો વચ્ચેના યુદ્ધોમાં સાહસો બતાવ્યા હોય તેવા અનેક દાખલા ઓગણીસમી સદીના અંતમાં જોવા મળ્યા છે. માત્ર 27 વર્ષે જ યુદ્ધક્ષેત્રની ફોટોગ્રાફી કરતી વખતે જીવ ગુમવનારા જર્મનીની ગ્રેડા તારોએ અનેક યુદ્ધ ક્ષેત્રે તેના કેમેરાની કમાલ દેખાડી હતી. વિશ્વના સૌથી જોખમી દેશો ગણતા અફઘાનિસ્તાન, કંમ્બોડિયા, કોસાવો, લેબનોન, ઈરાક જેવા અનેક દેશોમાં હિંસક કટોકટી દરમિયાન ફ્રાન્સની ક્રિસ્ટીના સ્પેનગ્લરે વિશ્વ સામે હિંસાની નગ્ન તસ્વીરો છતી કરી હતી.
આપણે ત્યાં વર્ષ 1999માં કારગિલ યુદ્ધ વખતે એનડીટીવીની મહિલા પત્રકાર બરખા દત્તે યુદ્ધભૂમિ પર જઈને યુદ્ધની તમામ ઘટનાઓનું જીવંત રીપોર્ટીંગ કર્યું હતું. બરખાના એ સાહસને દેશભરમાંથી નજવામાં આવ્યું હતું. અનેક પડકારો, જીવનું સતત ઝંબુળાતું જોખમ, શબોના ખડકલા તથા વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ બાથ ભીડવાની હિંમત અને ક્ષમતા મહિલા પત્રકારો- ફોટોગ્રાફર્સ દરેક સમયે બતાવતા રહ્યાં છે. સામાન્ય રીતે આપણને કદાચ આ વાંચતી વેળાએ યુદ્ધભૂમિ પર પ્રવર્તતા જોખમોનો ખ્યાલ ન આવે, પરંતુ જ્યારે પત્રકારોના રક્ષણ માટે બનેલી આંતરરાષ્ટ્રીય કમિટીના આંકડો જોઈએ તો ખ્યાલ આવે કે હાથમાં કેમેરો લઈને યુદ્ધક્ષેત્રે નીકળવું એટલે મૃત્યુને પડકાર આપવાથી કમ નથી હોતું. આ આંકડાઓ મુજબ 1992થી લઈ અત્યાર સુધી યુદ્ધક્ષેત્રનું રીપોર્ટીંગ કરતાં પત્રકારો-ફોટોગ્રાફ્રસમાંથી 154 જેટલાં પત્રકારોએ જીવ ગુમાવવો પડ્યો છે. અને આનાથી ડબલના આંકડામાં પત્રકારોનું દુશ્મન દેશોએ અપહરણ કરીને ટોર્ચર કર્યાં છે. આવા સમયે પરીવારને પોષતી, નાજુક અને નમણી કહેવાતી સ્ત્રીઓ માટે યુદ્ધક્ષેત્રે કેટલું જોખમી હશે તે કલ્પી શકાય છે.