નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મહાનગર પાલીકા ઢોર પકડવા અંગે સઘન ઝુંબેશ હાથ ધરી રહી છે. જોકે તંત્રની સઘન કામગીરીના કારણે ઢોર માલીકો દ્વારા હુમલો કરવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં વહેલી સવારે ઢોર પાર્ટીના બે કર્મચારી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. બંને ઈજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં વહેલી સવારે ઢોર પાર્ટીના કર્મીઓનો કાફલો ભાવનગર રોડ પર મનપાના ઢોર ડબ્બા નજીક આવેલા અમુલ સર્કલ પાસે હતા. ત્યારે રસ્તા પર સ્પીડ બ્રેકર આવતા કર્મીઓના કાફલાની સ્પીડ ધીમી થતાં બે અજાણી વ્યક્તિ નંબર વગરની બાઈક પર આવ્યા હતા અને ઢોર પાર્ટીના બે કર્મી પર કોઈક કેમિકલનું સ્પ્રે છાંટીને ફરાર થઈ ગયા હતા. ટ્રોલ વાહન ચલાવનાર મેરુભાઈ કરણભાઈ ચાવડા અને બાજુમાં બેઠેલા ઘીરુ નારણભાઈ દોશાણિયા મોઢા અને હાથના ભાગે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે આ કયા પ્રકારનો સ્પ્રે હતો તે હજી જાણી શકાયું નથી.
આ બનાવના પગલે હાલ શહેરની ઢોર પાર્ટીમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉપરાંત તેમને સુરક્ષા આપવા મ્યુ.કમિશ્નરને માંગ કરવામાં આવી છે, અને આ બનાવ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસની અંદર જ ઢોર પાર્ટીના કર્મીઓ પર ચાર વાર ધાતક હુમલો કરવામાં આવ્યો છે.








