નવજીવન ન્યૂઝ. રાજકોટ: જન્માષ્ટમી નજીક આવે એટલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હર્ષોલ્લાસનો માહોલ હોય છે. રાજકોટમાં પરંપરા મુજબ એક ખાસ પ્રકારના લોક મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે છેલ્લા બે વર્ષથી મહામારીના લીધે થઈ શક્યું ન હતું. આ વર્ષે આ લોક મેળાનું ઉદ્ઘાટન કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના છે, પરંતુ ભારે વરસાદના કારણે અહીંયા અસમંજસ એ વાતનું છે કે મુખ્યમંત્રી લોક મેળાનું ઉદ્ઘાટન કરશે કે પછી એક વોટરપાર્કનું ઉદ્ઘાટન કરશે? કારણ કે રાજકોટમાં મેળાના ઉદ્ઘાટનની આગલી રાતે ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે, મેળાની જગ્યા ઉપર વોટરપાર્ક જેવી જ સ્થિતિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે લોક મેળા દરમિયાન વરસાદી માહોલના કારણે મેળાની જગ્યાએ પાણી ભરી જાય છે જેના કારણે કીચડ થાય છે. લોક મેળામાં સ્ટોલના નામે તંત્ર દ્વારા લાખો રૂપિયા એકઠા કરવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડુ. દર વર્ષે લોકો મેળામાં સ્ટોલ ઉભા કરવા માટે એક મોટી રકમ તંત્રને ચૂકવવામાં આવે છે. તેમ છતાં જયારે પણ વરસાદ આવે છે ત્યારે આ વેપારીઓને હાલાકીનો સામાનો કરવો પડે છે. વર્ષોની આ પરિસ્થિતિ છતાં તંત્રને કોઈ ફર્ક પડતો નથી.
આ વર્ષે લોક મેળાનું ઉદ્ઘાટન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના છે, પરંતુ લોક મેળાના ઉદ્ઘાટનની આગલી રાતની પરિસ્થિતિ એવી છે કે મેળો છે કે વોટરપાર્ક એ જાણવુ મુશ્કેલ બન્યું છે. જયારે CM મેળાનું ઉદ્ઘાટન કરવાના હોય તો તંત્ર દ્વારા સાવચેતી રાખીને જે વ્યવસ્થા કરવી જોઈએ તેનો અભાવ સ્થળ પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે જોવું રહ્યું કે આજેના દિવસે તંત્ર દ્વારા મેળાને લઈને કોઈ સકારાત્મક કામગીરી કરવામાં આવે છે કે આ વર્ષે પણ વેપારીઓએ દર વર્ષની જેમ જ વરસાદની સમસ્યાનો સામાનો કરવો પડશે.








