નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પઠાણ મુવીમાં દિપીકાનું બેશરમ રંગ આપણા દેશના કેટલાક ચોક્કસ નાગરિકોને ઠેસ પહોંચાડી રહી છે. જેના કારણે કલાકારો અને સાધુ સંતોએ મામલો હાથ પર લેવો પડ્યો છે. ત્યારે ઝારખંડમાં એક યુવકને ફિલ્મના વિરોધ માટે ઘોડાગાડીમાં માઈક સાથે શહેરમાં ફરવું પડ્યું, બીજી તરફ જુનાગઢના મહંત ઈન્દ્રભારતી એ પણ મોરચો સંભાળી વિરોધના સુર વ્યક્ત કર્યા છે. યુવક ઘોડાગાડીમાં માઈક પર બોલતો જણાય છે કે, અવાજ દુર સુધી જવો જોઈએ, બહિષ્કાર બહિષ્કાર પઠાણ ફિલ્મનો બહિષ્કાર… પણ ઈન્દ્રભારતી બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે જો ફિલ્મ રિલિઝ થશે તો અમે શિવરાત્રિના મેળાનો બહિષ્કાર કરશું. પણ સાથે જ આપણે વાત કરવી છે કે કેવી રીતે દેશની બેંકોને રૂપિયા 9 લાખ કરોડ કરતા વધારેનું બુચ મારવામાં બુચ મારું ગેંગ સફળ રહી છે. છતાં પણ આરબીઆઈ આ બુચ મારું ગેંગના નામ જાહેર કરવાથી લાજ કાઢે છે. પણ આ મામલે આપણને કોઈ ઠેસ નહીં પહોંચે કારણ કે તેમને દેશને બુચ મારી સફેદ ચૂનો ચોપડ્યો છે નહીં કે કેસરી ચૂનો.
તો પહેલા જોઈએ ઝારખંડના યુવકને કે જે ઘોડાગાડી લઈ પઠાણ ફિલ્મના વિરોધમાં રત છે અને, અવાજ દૂર સુધી લઈ જવા પ્રયાસ કરી ઉપકાર કરી રહ્યો છે. યુવક આ પ્રયાસ પઠાણ મુવીમાં દિપીકા પાદૂકોણની કેસરી રંગની બિકીનીને ભગવો માની રહ્યો છે. જેના કારણે તે આ ફિલ્મને રિલિઝ થતી અટકાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. ભારતમાં બેરોજગારી નથી તેવું નેતાઓ કહે ત્યારે યુવાનોના આવુ ક્ષુલ્લક મુદ્દાઓ પર વિરોધ જોઈને નેતાના દાવા ઉઘાડા પડી જાય છે.
હવે વાત કરીએ જુનાગઢના મહંત ઈન્દ્રભારતીની કે જેમણે શિવરાત્રીના મેળાનો જ બહિષ્કાર કરવાની અપિલ કરી દીધી દિપીકાની બીકીનાના કેસરી રંગને લીધે. મહંત ઈન્દ્રભારતીનું માનવું છે કે ભગવાનો ઉપયોગ અશ્લિલ ફિલ્મ માટે થયું છે. તેમજ આવી ફિલ્મ બનાવનારાઓને કોઈ પણ કહેવાવાળું નથી. સાથે જ નમ્ર અપિલ કરી હતી કે આવી ફિલ્મો ભારતના કોઈ થિયટેરમાં રીલિઝ થવી ન કરવામાં આવે.
આપણે જોઈ રહ્યાં છીએ કે દેશના કેટલાક યુવાનો, કલાકારો, મહંતો અને સાંસદો અને મંત્રીઓ પણ દિપીકાની બીકીનીના રંગ બદલવા રાત દિવસ એક કરી રહ્યાં છે. ત્યારે આટલી મહેનત દેશના બુચ મારુંઓના નામ જાહેર કરવામાં કરે તો લોકો સમક્ષ નામ જાહેર થાય કે આખરે દેશને લૂંટનારા આ બદમાશો કોણ છે. આપણે ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા અને દેશના રાજકીય પક્ષને કોણ દાન આપે છે તેની માહિતી આપવાની બંધ કરી. અને હવે આપણે દેશના બુચમારું લોકોના નામ જાહેર કરવામાં પણ લાજ કાઢતા થયા છીએ. સારું છે બુચમારું અને રાજકીય પક્ષને ભંડોળ આપતા લોકોના ના નામ આપણે જાહેર કરીશું તો આપણી ભાવનાને ઠેસ પહોંચી શકે છે.
રાજ્યસભામાં CPIMના સાંસદ ડો. જોન બ્રિટાસે છેલ્લા પાંચ વર્ષમાં બેંકોએ કેટલી લોન રાઈટ ઓફ કરી તેવા પુછેલા સવાલના જવાબ આવતા આ માહિતી સામે આવી હતી. જેમાં આરબીઆઈને ટાંકીને જણાવ્યું છે કે, વર્ષ 2017-18 થી વર્ષ 2021-22 સુધીના પાંચ વર્ષમાં જ રૂપિયા 10 લાખ કરોડ કરતા વધારેની લોનની રકમ બેંકોએ રાઈટ ઓફ કરી છે. જ્યારે તેની રિકવરી માત્ર રૂપિયા 1 લાખ કરોડ કરતા વધારેની થઈ છે. ટૂંકમાં રૂપિયા 9 લાખ 7 હજાર કરોડ કરતા વધારેનું બુચ વાગી ગયું છે.
પણ રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવાયું છે કે, RBI એક્ટ 1934ની કલમ 45 E ની જોગવાઈ મુજબ ઋણદારોના નામ મુજબની યાદી જાહેર કરી શકાય નહીં. મતલબ સીધો છે કે બુચમારુંના નામ જાહેર કરવામાં આપણને શરમ આવે છે. આપણને ત્યારે શરમ નથી આવતી જ્યારે નાના-ખેડૂતો કે વેપારઓની મામૂલી રકમની લોન માટે પણ જાહેરમાં ઢોલ પીટાવીએ છે. પણ શરમ આવે છે જ્યારે મોટા તુર્રમખાન જેવા બુચમારુના નામ જાહેર કરવા પડે. પણ આપણી ભાવનાને ઠેસ નથી પહોંચતી કે દેશને કોરી ખાતા અને રાજનેતાઓને ધરવતા બુચમારુંના નામ કેમ જાહેર નથી થતા… બસ આપણને તો ક્યારેક ચડ્ડીનો ક્યારેક બિકીનીનો રંગ જ ઠેસ પહોંચાડે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796