Friday, September 22, 2023
HomeBusinessનવેમ્બર સોયાબીન વાયદો ઇન્સ્યુરન્સ લેવલે: ભાવ ૧૫ મહિનાના તળિયે

નવેમ્બર સોયાબીન વાયદો ઇન્સ્યુરન્સ લેવલે: ભાવ ૧૫ મહિનાના તળિયે

- Advertisement -

કોમોડિટી ફંડોએ તેમના તેજીના પોટલા છોડી નાખ્યા: હવે ફંડો મંદીધ્યાને ખેલ પાડવાનું શરૂ કરશે
૨૦૨૩/૨૪ની સોયાબીન મોસમના વૈશ્વિક વરતારા બજારમાં ભયનું વાતાવરણ પેદા કરે તેવા
૨૦૨૩/૨૪માં બ્રાઝિલનું સોયા ઉત્પાદન ૧૫૨૦ લાખ ટનથી વધીને ૧૫૯૦ લાખ ટન આવશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોયાબીનની (Soybean) આગેવાનીમાં શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (સીબીઓટી) પર ગત સપ્તાહે તમામ કૃષિ કોમોડીટી વાયદા ઘટયા હતા. જુલાઇ વાયદો ડિસેંમ્બર ૨૦૨૧ પછીની નીચી સપાટીએ ૧૨.૮૮ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો હતો. મોટાભાગના કોમોડિટી ફંડોએ તેમના તેજીના પોટલા છોડી નાખ્યા છે. વાવણીની મોસમ તથા ઉત્પાદન અને ઉત્પાદકતાના અહેવાલો ઉત્સાહપ્રેરક આવી રહ્યા છે, તે જોતાં આગામી દિવસોમાં ફંડો મંદીધ્યાને ખેલ પાડવાનું શરૂ કરે તેવી શક્યતા પણ નકારાતી નથી. ચાર્ટની દ્રષ્ટિએ જોઈએ તો પણ બજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં છે અને નવેમ્બર વાયદો તો ઇન્સ્યુરન્સ (વીમા કવરેજ ભાવ) લેવલે પહોંચી ગયો છે.

પાછું વળીને જોઈએ તો વારંવાર બદલાતી ફાયનાન્સિયલ સ્થિતિ, બેન્કોની નાણાકીય સ્થિતિ અને મંદીના ભણકારા, હજુ સુધી ભયની ઘંટડી વગાડી રહ્યા છે. ૨૦૨૩/૨૪ની સોયાબીન મોસમના આવતા વરતારા બજારમાં ભયનું વાતાવરણ પેદા કરે તેવા છે. આર્જેન્ટિના જ્યારે અપેક્ષા કરતાં ઓછું યીલ્ડ (ઊપજ) દાખવે છે, ત્યારે વિશ્વના સૌથી મોટા સોયાબીન ઉત્પાદક દેશ બ્રાઝિલ મબલખ પાક લણશે, એવી ધારણા વચ્ચે આખા દક્ષિણ અમેરિકાની ૨૦૨૨/૨૩ની મોસમમાં સોયાબીન પાક ગતવર્ષ કરતાં ૬ ટકા વધીને આવે તેવી સંભાવના દાખવે છે.

- Advertisement -

ગ્લોબલ એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન નેટવર્કનો અહેવાલ કહે છે કે ૨૦૨૨/૨૩માં બ્રાઝિલનું સોયા વાવેતર ૪૩૫ લાખ હેકટરમાં થયું હતું, તે આગામી વર્ષે ૪૫૨ લાખ હેકટરમાં અંદાજિત છે. જેથી ૨૦૨૩/૨૪માં ઉત્પાદન ૧૫૨૦ લાખ ટનથી વધીને ૧૫૯૦ લાખ ટન આવશે. એક નોંધ મુજબ બ્રાઝિલનું પાંચ વર્ષનું સંયુક્ત સરેરાશ ઉત્પાદન ૨૦ ટકા અથવા ૭૧ લાખ ટન વધશે. અમેરિકન કૃષિ મંત્રાલયે આર્જેન્ટિનાનો પાક વધુ પડતો આશવાદી ૨૭૦ લાખ ટન અંદાજ્યો છે.

યૂએસડીએનું અનુમાન છે કે અમેરિકામાં પણ ૪.૫૧ અબજ બુશેલ, વિક્રમ સોયાપાક આવશે. અનાજ બજારના વેપારીઓ જાણે છે કે સોયાબીન અને મકાઈનાં આ વર્ષે પાક મબલખ આવશે. જે બજારમાં બે ધારી તલવારનું કામ કરશે, કારણ કે નવા પાક માથે, પુરાંત સ્ટોકનું જોખમ પણ ખૂબ મોટું છે. જે ભાવને નીચે જવામાં મદદ કરશે. ૨૦૨૩/૨૪માં એક તરફ ધરખમ પાક આવશે, બીજી તરફ વર્ષાન્ત પુરાંત સોયાબીન ૩૩૫૦ લાખ બુશેલ મુકાય છે. ઉઘડતી મોસમમાં ગતવર્ષની પુરાંત ૫૫ ટકા વધુ ૧૧૯૦ લાખ બુશેલ અંદાજાય છે. મબલખ સોયાપાક અને અન્ય આંતરપ્રવાહ જોતાં ભાવની વાર્ષિક સરેરાશ ૧૪.૨૦ ડોલર પ્રતિ બુશેલથી ૨.૧૦ ડોલર નીચી ૧૨.૧૦ ડોલર મૂકવામાં આવી છે.

એપ્રિલમાં ચીનની બ્રાઝિલથી સોયાબીન આયાત, એપ્રિલ ૨૦૨૨ કરતાં ૧૬ ટકા ઘટી હતી, આમ પણ લણણીનું કામ ધીમું હોવાથી દક્ષિણ અમેરિકન દેશોમાંથી સપ્લાય ખૂબ ઘટી ગઈ છે. વિશ્વના સૌથી મોટા આયાતકાર દેશ ચીનના કસ્ટમ્સ ડેટા કહે છે કે એપ્રિલમાં સૌથી મોટા નિકાસકાર બ્રાઝિલથી સોયાબીનની આયાત, ગતવર્ષના ૬૩ લાખ ટન સામે ૫૩ લાખ ટન કરી હતી. વર્ષના આરંભે બ્રાઝિલમાં ભાવ જ્યારે ખૂબ નીચા હતા, ત્યારે ચીનના આયાતકારોએ મોટા સોદા કરીને ખૂબ લાભ લીધો હતો.

ટ્રેડરોનું કહેવું છે કે ચીનના સત્તાવાળાઓએ આયાતી શિપમેન્ટનું ઇન્સ્પેક્શન કડક બનાવી દેતા, ગયા મહિનાથી આયાતમાં વધુ ઘટાડો થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં બ્રાઝિલથી સોયા આયાત, ગતવર્ષના સમાંગાળા કરતાં ૨૮ ટકા ઓછી છે. પ્રથમ ચાર મહિનામાં આયાત ૯૨.૧ લાખ ટન થઈ હતી, ગતવર્ષે આ ગાળામાં ૧૨૭ લાખ ટન હતી. અલબત્ત, વર્ષાનું વર્ષ એપ્રિલમાં અમેરિકાથી આયાત ૧૫૦ લાખ ટનથી ૧૧ ટકા વધીને ૧૮૨.૪ લાખ ટન થઈ હતી.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular