નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં 60 અલગ-અલગ સ્થળો પર NIAના દરોડા ચાલુ છે. ગેંગસ્ટર સાથે આતંકવાદી કનેક્શનનો કેસ ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગેંગ દેશ-વિદેશમાં તેમજ ભારતની જેલોમાં સક્રિય છે. તાજેતરમાં NIAના ટોચના અધિકારીઓએ આ મામલે હરિયાણા અને પંજાબ પોલીસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગોલ્ડી બ્રાર સહિત અનેક ગુંડાઓ વિદેશથી સક્રિય છે.
NIAની ટીમ હરિયાણાના યમુનાનગરમાં ગેંગસ્ટર કાલા રાણાના ઘરે પણ પહોંચી છે. રાણાના ઘરની બહાર ભારે પોલીસ દળ તૈનાત છે અને તેના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. મજીઠા રોડ પર ગેંગસ્ટર શુભમના ઘરે પણ NIA દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAની ટીમ તેના ઘરની તપાસ કરી રહી છે. બીજી તરફ પંજાબના મુક્તસરમાં ગોલ્ડી બ્રારના ઘર અને ગુરદાસપુરમાં જગ્ગુ ભગવાનપુરિયાના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બંને સિદ્ધુ મૂઝવાલા કેસમાં આરોપી છે.
છેલ્લા બે મહિનામાં કેન્દ્રએ પંજાબમાં ગેંગ વોર અંગે પંજાબ પોલીસને અનેક એલર્ટ મોકલ્યા છે. ઘણા આતંકવાદી કેસોની તપાસમાં ગેંગસ્ટરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે. ઘણા ગુંડાઓ જેલના સળિયા પાછળ પણ કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હી પોલીસે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા કેટલાય ગેંગસ્ટરો સામે UAPA લાગુ કર્યું હતું.








