નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર અને LG વચ્ચેની લડાઈ વધી રહી છે. કેજરીવાલ સરકારનો આરોપ છે કે દિલ્હી સરકારના કાર્યક્રમમાં PM મોદીના પોસ્ટર જબરદસ્તીથી લગાવવામાં આવી રહ્યા છે. એ પણ કહ્યું કે દિલ્હી પોલીસે કાર્યક્રમ પહેલા PM મોદીના પોસ્ટર લગાવ્યા અને કહ્યું કે જો આ ફોટો હટાવશે તો કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારનો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ હતો, જેમાં CM કેજરીવાલ અને LG બંને આવવાના હતા.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું, ‘અમે ઝઘડો નથી ઈચ્છતા, સરકારી કાર્યક્રમને રાજકીય બનાવી દેવામાં આવ્યો હતો. તેથી જ હું અને CM બંને નથી જઈ રહ્યા. દિલ્હી સરકારના સત્તાવાર કાર્યક્રમમાં શનિવારે રાત્રે પોલીસ મોકલવામાં આવી હતી. આ પોલીસને PMOના નિર્દેશ પર મોકલવામાં આવી છે. પોલીસે સ્ટેજનો કબજો લીધો હતો અને કાર્યક્રમના બેનરની જગ્યાએ PM મોદીના ફોટાવાળું બેનર લગાવી દીધું હતું અને કહ્યું હતું કે જો તેને હટાવી દેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હીમાં 11 જુલાઈથી વન મહોત્સવ ચાલી રહ્યો હતો, જે અંતર્ગત દિલ્હીમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું. આજે વન મહોત્સવનું સમાપન હતું. આ પ્રસંગે આસોલા ભાટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને LG-CM હાજરી આપવાના હતા.
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કેજરીવાલ સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ઘણા મુદ્દાઓ પર આમને-સામને આવી ચુક્યા છે. તાજેતરમાં, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેજરીવાલ સરકારની 2021-22ની આબકારી નીતિ સંબંધિત નિયમોના કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓ અંગે CBI તપાસની ભલામણ કરી છે. ઉપરાજ્યપાલે મુખ્ય સચિવના અહેવાલના આધારે CBI તપાસની ભલામણ કરી હતી. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી સરકારના આબકારી વિભાગના પ્રભારી મંત્રી છે. આના પર, અરવિંદ કેજરીવાલે સિસોદિયાનો બચાવ કર્યો અને દાવો કર્યો કે તેમની “બનાવટી” કેસમાં ધરપકડ થઈ શકે છે.








