પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-56): Nadaan Series: લીગલ ઑફિસમાં નોકરી લાગ્યા પછી ગોપાલનો શિડ્યૂલ એકદમ ટાઇટ થઈ ગયો હતો. સલીમ તો ક્યારેક તેની મસ્તી કરતાં કહેતો કે, “ગોપાલ, તું તો હવે મોટો સાહેબ થઈ ગયો છે. મોટા મોટા વકિલો અને જજ સાહેબ સિવાય, નાના માણસો સાથે તું તો વાત પણ કરતો નથી.”
સલીમની એવી ફરિયાદ પણ હતી કે, એક જ જેલમાં રહેતા હોવા છતાં ગોપાલ સાથે તેની હવે માંડ દસેક દિવસે વાત થતી હતી. આમ પણ, લીગલ ઑફિસમાં કામ મળ્યા પછી ગોપાલ વ્યસ્ત રહેતો હતો. વધુમાં હવે તો તેણે બુક રેકોર્ડિંગનું કામ પણ શરૂ કર્યું હતું. જેને કારણે બપોરે લીગલ ઑફિસમાં રિસેસ હોય ત્યારે એ ગાંધીયાર્ડમાં જઈને બુક રેકોર્ડિંગનું કામ કરતો હતો. વિરાંગેં તેને એક જ અઠવાડિયામાં બધું શીખવાડી દીધું હતું. ઘણી વખત તો એવું થતું કે, વિરાંગ પણ ન આવ્યો હોય અને ગોપાલે આવીને પોતાનું કામ શરૂ કરી દીધું હોય.
ગોપાલને ગાંધીયાર્ડનું પણ આકર્ષણ હતું. ખબર નહીં કેમ, પણ તેને ગાંધીયાર્ડમાં આવ્યા પછી કંઈક સારી અનુભૂતિ થતી હતી, કદાચ તે શબ્દો એ સમજાવી શકતો નહોતો; પણ તે જ્યારે જ્યારે ગાંધીયાર્ડમાં આવે, ત્યારે ગાંધીખોલી સામે આંખો બંધ કરીને થોડીક ક્ષણો અચૂક ઊભો રહેતો. પછી જ પોતાનું કામ શરૂ કરતો હતો.
ગોપાલ બુક રેકોર્ડિંગમાં આવ્યો એ પહેલાં તેને વાંચવાનું જરા પણ ગમતું નહોતું. ગોપાલ મનમાં વિચારતો કે, જો આટલું તેણે સ્કૂલમાં વાંચ્યું હોત, તો આજે પોતે કલેક્ટર હોત! વિરાંગ તેને લેખક અશ્વિની ભટ્ટની ‘આખેટ’ નામની નવલકથા રેકોર્ડ કરવા આપી ગયો હતો. ગોપાલ ઓ નવલકથાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. એ વખતે તેને લાગી રહ્યું હતું કે, જાણે તે વાંચતો નથી, કોઈ પિક્ચર જોઈ રહ્યો છે! અશ્વીની ભટ્ટની નવલકથાનું રેકોર્ડિંગ કરતાં કરતાં ગોપાલને લાગ્યું કે, તેનું જીવન પણ કોઈ નવકથાનાં પાત્ર કરતાં ઉતરતું નથી! કારણ, તેની જિંદગી પણ કોઈ નવલકથાના પ્રવાહની જેમ જ બદલાઈ રહી હતી.
ગોપાલને તરત મમ્મીને યાદ આવી ગઈ. તે વિચારમાં પડી ગયો કે, મમ્મી મુલાકાતમાં આવી ત્યારે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન ભલે કરતી હતા, પણ ખરેખર તે સ્વસ્થ નહોતી. તેનાં મનમાં કંઈક તો ચાલી જ રહ્યું હતું. કદાચ તે કહી શકી નથી. ગોપાલ યાદ કરી રહ્યો હતો કે, મમ્મી ક્યારે ડિસ્ટર્બ લાગી? તરત તેને યાદ આવ્યું કે, નિશીની વાત નીકળી કે, તરત જ મમ્મીનો ચહેરો પડી ગયો હતો. પણ નિશી પોતાના પપ્પાના ઘરે ગઈ, એમાં મમ્મીને આટલું માઠું લગાડવાની ક્યાં જરૂર હતી? ગોપાલને કંઈ સમજાઈ રહ્યું નહોતું. ગોપાલને વિચાર આવ્યો કે, મારે નિશીને જ ફોન કરવો જોઈએ.
એ સાંજે તે બેરેક પર પહોંચ્યો. તેને કંઈક સળગવાની વાસ આવી રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને શેની વાસ આવી રહી છે; તે જાણવાનો પ્રયત્ન કર્યો. વિરાંગે તેને જોયો. વિરાંગને લાગ્યું કે, ગોપાલ કંઈક ગરબડ કરશે. તેણે મોઢા પર આંગળી મૂકીને ગોપાલને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. ગોપાલને આશ્ચર્ય થયું. તે તો માત્ર ઊંડો શ્વાસ જ લઈ રહ્યો હતો. તેમાં વિરાંગ તેને કેમ ચૂપ રહેવાનો ઇશારો કરી રહ્યો છે! વિરાંગ સમજી ગયો કે, અક્કલનો બારદાન ગોપાલ કંઈ સમજશે નહીં. વિરાંગ તેની પાસે આવ્યો અને હાથ પકડીને ખૂણામાં લઈ ગયો અને કહ્યું, “ચૂપ રહેજે. હાંડી ચાલી રહી છે.”
ગોપાલ વિચાર કરવા લાગ્યો, હાંડી ચાલી રહી છે? તેણે ગેટ ઉપર જોયું. બંધી તો થઈ ગઈ હતી; પણ ઑફિસ બેરેક હોવાને કારણે સિપાહી એક પછી એક આવી રહેલા કેદી માટે બહારનું લોક ખોલવા બેસી રહ્યો હતો. ગોપાલને વિચાર આવ્યો કે, સિપાહી બહાર બેઠો છે અને બેરેકમાં હાંડી ચાલી રહી છે! ગોપાલે ધીમા અવાજે પૂછ્યું, “ક્યાં છે હાંડી?”
વિરાંગે તેનો હાથ દબાવ્યો અને ખૂણામાં બાથરૂમ તરફ લઈ ગયો. ગોપાલે જોયું તો એક કેદી ઉભડક પગે બેઠો હતો. તેણે ત્રણ ઈંટ ગોઠવીને ચૂલો બનાવ્યો હતો. બળતણમાં બેરેકની બહાર રહેલા લીમડાની સૂકી ડાળીઓ લીધી હતી. આગ તો સળગાવી હતી, પણ આગ મોટી ન થાય એ માટે ધીરે ધીરે ડાળીઓ નાખી રહ્યો હતો. ચૂલાની ઉપર ઍલ્યુમિનિઅમનું એક ટમલર હતું. તેની ફરતે ભીની માટીનું લીપણ હતું અને ટમલરમાં દાળ ઉકળી રહી હતી. બાજુમાં નાની બાટલીમાં તેલ હતું. એક ડીશમાં મરચું અને બીજો મસાલો હતો.
ગોપાલ આ જોઈને થોડો ડરી ગયો. તેણે પાછળ ફરીને પાછું ગેટ પર રહેલા સિપાહી તરફ જોયું. વિરાંગે તેનો હાથ પકડીને કહ્યું, “પાછળ જોયા કરીશ તો પકડાઈ જઈશ. ચાલ, તારા બિસ્તર ઉપર જતો રહે. હમણાં દાળ લઈને આવું છું.”
ગોપાલ પોતાના બિસ્તર પર બેસી ગયો. દાળની સુગંધ તેના બિસ્તર સુધી આવી રહી હતી. ઑફિસ બેરેકની બાજુમાં જ જેલનું રસોડું હતું. જેમાં રોજ કેદીઓ માટે રસોઈ થતી હતી. જેથી સિપાહીને અંદાજ આવવો મુશ્કેલ હતો કે, આ સુગંધ બેરેકમાંથી આવી રહી છે કે રસોડામાંથી!
થોડીવારમાં વિરાંગ દાળનો ડબ્બો લઈને આવ્યો. ગોપાલ અને વિરાંગ સાથે જમવા બેઠા ગોપાલે એક ચમચી દાળ ખાધી અને કહ્યું, “વાહ! અરે ભાઈ, આ તો ચંદ્રવિલાસને પણ ટક્કર મારે એવી દાળ બનાવી છે.”
વિરાંગના ચહેરા પર ખુશી હતી. આમ પણ, ખુશીનો નિયમ એવો છે કે, ભેગું કરનારને નહીં; આપનારને જ ઉપરવાળો ખુશી આપે છે. ગોપાલ ચુપચાપ જમી રહ્યો હતો. વિરાંગે જમતાં જમતાં કહ્યું, “અઠવાડિયામાં બે–ત્રણ વખત હાંડી થાય છે.”
ગોપાલે તેની સામે જોયું ને તરત પાછી સિપાહી તરફ તેની નજર જતી રહી. વિરાંગે કહ્યું, “જો, પકડાઈ જઈએ તો ખટલો પણ થાય.”
જમતાં જમતાં ‘ખટલો’ શબ્દ સાંભળીને ગોપાલના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. વિરાંગ હસી પડ્યો. તેણે કહ્યું, “હમણાં નહીં જમે તો પણ ખટલો થશે.”
ગોપાલનું હૃદય સતત ફફડી રહ્યું હતું. તેનો કોઈ અજાણ્યો ડર લાગી રહ્યો હતો. તેને કઈ બાબતની ચિંતા થઈ રહી છે; એની તેને પોતાને પણ ખબર નહોતી. પણ તેનું મન સતત તેને એવું કહી રહ્યું હતું કે, તેની સાથે કંઈક ખોટું થવાનું છે. ગોપાલ જ્યારે પણ યાર્ડમાંથી બહાર નીકળે ત્યારે મેલડી માતાના દર્શન અચૂક કરી લેતો હતો. એ માતાજીને કહેતો હતો કે, મા હવે તું જ સંભાળી લેજે.
ગોપાલે નિશીનાં ઘરે પણ એકવાર ફોન કર્યો હતો. ફોન તેના પપ્પાએ જ ઉપાડ્યો હતો. તેના પપ્પા સાથે વાત થઈ તો એમણે કહ્યું હતું કે, નિશી બહાર ગઈ છે. ગોપાલ રજા પરથી પાછો આવ્યો તેને એક મહિનો થઈ ગયો હતો. હજી સુધી નિશી તેને મળવા આવી નહોતી. તે મુલાકતમાં જ્યારે પણ મમ્મીને નિશી વિશે પૂછતો, ત્યારે તે પણ વાતને ટાળી દેતી હતી.
બીજા દિવસે સવારે ગોપાલ લીગલ ઑફિસમાં જવાની તૈયારી જ કરતો હતો. એવામાં મુલાકાતરૂમમાં નોકરી કરતો એક કેદી આવ્યો. એણે કહ્યું, “ગોપાલ, તારી મુલાકાત આવી છે.”
ગોપાલ એકદમ ખુશ થઈ ગયો. તેણે પૂછ્યું, “કોણ આવ્યું છે?”
ગોપાલનો પ્રશ્ન સાંભળીને બેરેકમાં હતા એ બધા હસી પડ્યા. સંદેશો આપવા આવેલા કેદીએ પાછું વળીને કહ્યું, “તારી બાયડી આવી છે.”
(ક્રમશ:)
PART 55 : ગોપાલે મમ્મીને નીશી કયાં છે તેવું પુછ્યું અને મમ્મીની આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796