પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-55): Nadaan Series: સાંજે ગોપાલ બેરેકમાં આવ્યો. રોજના ક્રમ પ્રમાણે વિરાંગ પણ સમયસર આવી ગયો હતો. તેણે જમી લીધું હતું. વિરાંગે તેને જોતાં જ કહ્યું, “ફ્રેશ થઈ જા. આપણે વાત કરીએ.”
ગોપાલે હાથ પગ મોઢું ધોયાં. પોતાનું જમવાનું લીધું અને વિરાંગને ઇશારો કરીને પાસે બોલાવ્યો. ગોપાલે પૂછ્યું, “જમ્યો?”
વિરાંગે હસતાં હસતાં કહ્યું, “હું તો હવો ચોવિયાર કરું છું. સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનું.”
ગોપાલે જમવાનું શરૂ કર્યું. વિરાંગે કહ્યું, “મેં તને કહ્યું હતુંને કે, તારા અવાજમાં દમ છે. આજે અંધજન મંડળના સાહેબ આવ્યા હતા. તારું રેકોર્ડિંગ સાંભળતાં જ તેમણે મને પૂછ્યું હતું કે, આ છોકરો કયાં છે? એ તને મળવા માગતા હતા, પણ તું નોકરી પર હતો. સાહેબે કહ્યું છે કે, આવતીકાલથી જ કામ શરૂ કરી દેજે.”
ગોપાલ હાથમાં કોળિયો લઈને સાંભળતો જ રહ્યો. વિરાંગે તેની સામે જોતાં કહ્યું, “જમવાનું ચાલું રાખ ભાઈ.”
આજે ગોપાલને જેલનું જમવાનું પણ સ્વાદિષ્ટ લાગી રહ્યું હતું. વિરાંગે કહ્યું, “આવતીકાલે બપોરે તારી ઑફિસમાં રિસેસ પડે ત્યારે બે-ત્રણ કલાક ગાંધીયાર્ડમાં આવી જજે. હું તને રેકોર્ડિંગ શીખવાડી દઈશ. તને એક કલાક રેકોર્ડિંગના 60 રૂપિયા મળશે.”
ગોપાલ મનમાં અનેક વિચારો અથડાવા લાગ્યા કે, કેટલા કલાક રેકોર્ડિંગ થશે? કેટલા રૂપિયા મળશે? મહિને કેટલા થશે? ઘરે કેટલા મોકલી શકીશ? વગેરે. વિરાંગે તેની સામે જોતાં કહ્યું, “ઓ શેખચલ્લી, દિવસમાં દોઢ–બે કલાક કરતાં વધુ રેકોર્ડિંગ થાય નહીં.”
ગોપાલ રાતે તો તરત સૂઈ ગયો, ખબર નહીં કેમ, આજે તેને વહેલી ઊંઘ આવી ગઈ. તેને ઘરનો પણ કોઈ વિચાર આવ્યો નહીં. કદાચ હવે તે જેલના માહોલથી ટેવાઈ ગયો હતો.
બીજા દિવસે સવારે બંધી ખુલી એટલે તે મોઢું ધોઈને ચાની રાહ જોતો હતો. ચા આવી ત્યારે ચાની પેડલરિક્ષા પાસે ચા લેવા ઊભા રહેલા કેદીઓ પેડલરિક્ષાવાળા સાથે કંઈક વાત કરી રહ્યા હતા. શરૂઆતમાં તો ગોપાલે એ તરફ ધ્યાન આપ્યું નહીં, પણ તેના કાને ‘બાબલા બેરેક’ શબ્દ સંભળાયો. તરત તેણે પેડલરિક્ષા લઈને આવેલા કેદીને પૂછ્યું, “શું થયું બાબલા બેરેકમાં?”
કેદીએ ચા ભરતાં ભરતાં કહ્યું, “કોઈ મિયાંભાઈ બાબલામાં બેભાન પડ્યો હતો. તેને દવાખાને લઈ ગયા છે.”
ગોપાલે પૂછ્યું, “મિયાંભાઈ? શું નામ છે તેનું?”
ચા લઈને આવેલા કેદીએ કહ્યું, “અરે ભાઈ, ત્રણ હજાર કેદીમાં બધાના નામ થોડા યાદ રહે? પણ કોઈ પાકો કેદી છે. હજી બે-ત્રણ મહિના જ થયા છે.”
ગોપાલનું હૃદય ઝડપથી દોડવા લાગ્યું. તેના મગજમાં નકારાત્મક વિચાર આવવા લાગ્યા. તેણે ચાની વાટકી પાળી પર મૂકી અને બંધી અમલદારને બૂમ પાડીને કહ્યું, “માસ્તર… હું આવું છું.”
આટલું કહીને એણે દોટ મૂકી. દોડતો દોડતો તે યાર્ડની બહાર નીકળ્યો અને બાબલા બેરેક તરફ ગયો. ત્યાં તેને સામે જ સલીમ આવતો દેખાયો. ગોપાલ એકદમ રોકાઈ ગયો. સલીમ પણ વિચારમાં પડ્યો કે, ગોપાલ તેને જોઈને કેમ રોકાઈ ગયો? સલીમ ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. ગોપાલે પહેલાં તેની સામે જોયું. પછી તેના ચહેરાને, તેના હાથ અને પગને સ્પર્શ કર્યો. ગોપાલ એકદમ તેને ભેટી પડ્યો. આંખમાં આંસુ સાથે પૂછ્યું, “ભાઈ, તું ઠીક તો છેને?”
સલીમ કંઈ જ સમજયો નહીં. તેણે ગોપાલને છાનો રાખતાં પૂછ્યું, “ભાઈ શું થયું? વાત તો કર. આમ રડે છે કેમ?”
ગોપાલ બાજુમાં રહેલા ઓટલા પર બેસી ગયો. એ રીસતર ધ્રૂજી રહ્યો હતો અને તેની આંખમાં આંસુ હતા. સલીમને હેમખેમ જોઈને ગોપાલના જીવમાં જીવ આવ્યો. પેલા ચા આપવા આવેલા કેદીએ ગોપાલને કહ્યું હતું કે, બાબલા બેરેકમાં કોઈ મિયાંભાઈ બેભાન થઈ ગયો છે. એ સાંભળીને જ ગોપાલને ફાળ પડી હતા. ગોપાલે માની લીધું હતું કે, એ સલીમની જ વાત કરે છે. ગોપાલને આવો વિચાર આવ્યો એટલે તે ડરી ગયો હતો. તેને મનમાં થયું હતું કે, જો સલીમને કંઈ થઈ જશે તો? તો તો પોતે એકલો પડી જશે! પણ સલીમે એને સંભાળી લીધો અને તેની ઑફિસ બેરેક સુધી મૂકવા પણ સાથે આવ્યો.
ગોપાલ અને સલીમ ભલે અલગ અલગ બેરેકમાં રહેતા હતા, પણ ગોપાલનો જીવ હજી પણ સલીમમાં હતો. ઘણી વખત તેને થતું કે, સલીમને પોતાની બેરેકમાં જગ્યા મળી જાય તો સારું, પણ સલીમ માનતો જ નહોતો. તે કહેતો કે, “ભાઈ, તારી ઑફિસ બેરેકમાં આપણને ન ફાવે. આપણે તો સાવ મુફલીસ માણસ છીએ.”
ગોપાલ તૈયાર થઈને ઓફિસે જવા નીકળતો હતો. મુલાકાતરૂમમાંથી સંદેશો આવ્યો કે, તેની મુલાકાત આવી છે. ગોપાલ રજા પર જઈને પાછો આવ્યો, ત્યારપછી તેની આ પહેલી મુલાકાત હતી. ગોપાલને સારું લાગ્યું. તેણે વિચાર્યું કે, કદાચ નિશી જ આવી હશે. કારણ, પંદર દિવસ થઈ ગયા હતા, તેણે નિશીને જોઈ નહોતી. તેનો ફોન કરવાનો વારો હતો, ત્યારે તેણે ઘરે ફોન કર્યો હતો. પણ મમ્મીએ કહ્યું હતું કે, નિશી બહાર ગઈ છે એટલે વાત થઈ શકી નહોતી.
ગોપાલ મુલાકાતરૂમમાં દાખલ થયો. તેણે બારીક જાળીમાંથી પેલી તરફ ઊભી રહેલી મમ્મીને જોઈ. તે મમ્મીની આસપાસ પાસ જોવા લાગ્યો. એની નજર નિશીને શોધી રહી હતી, પણ તેને નિશી દેખાઈ નહીં. ગોપાલ જાળી પાસે આવીને ઊભો રહ્યો. મમ્મી તરત જાળી પાસે આવી. તેની આંખોમાં પણ ગોપાલને જોતાં જ ચમક આવી ગઈ. તેણે તરત પૂછ્યું, “કેમ છે ગોપુ?”
મમ્મી ખુશ હોય ત્યારે તે ગોપાલને ‘ગોપુ’ કહેતી હતી. મમ્મીને થતું હતું કે, એ તેના ગોપુના માથેર હાથ ફેરવીને વ્હાલ કરે, પણ વચ્ચે રહેલી જાળી તેમનાં પ્રેમને આડે આવતી હતી. ગોપાલે પૂછ્યું, “હું તો મજામાં છું. તું કેમ છે મમ્મી?”
“સારું છે બેટા.”
આ સંવાદ વચ્ચે પણ ગોપાલની નજર આસપાસ ફરી રહી હતી. તેણે તરત પૂછ્યું, “મમ્મી, નિશી કયાં છે?”
મમ્મી એકદમ શાંત થઈ ગઈ. એનો ચહેરો પણ પડી ગયો. તેણે કહ્યું, “બેટા એ નથી આવી.”
ગોપાલે પૂછ્યું, “એની તબિયત તો સારી છેને?”
મમ્મીએ કહ્યું, “હા બેટા, તબિયત તો સારી છે.”
તો પછી એ કેમ નથી આવી? આવો પ્રશ્ન ગોપાલના ચહેરા ઉપર હતો. જે મમ્મીએ વાંચી લીધો અને કહ્યું, “બેટા, એ એના પપ્પાના ઘરે ગઈ છે.”
ગોપાલને તરત યાદ આવ્યું કે, નિશીએ તેને પપ્પાના ઘરે જવા માટે પૂછ્યું હતું. ગોપાલે કહ્યું, “હા મમ્મી, તે દિવસે અમે ફરવાં ગયાં ત્યારે તેણે મને પૂછ્યું હતું. ત્યારે મેં જ તેને કહ્યું હતું કે, તારા પપ્પાના ઘરે જવામાં મને શું પુછવાનું?”
ગોપાલના જવાબ પછી પણ મમ્મીનો ચહેરો હજી ગંભીર જ હતો. ગોપાલને લાગી રહ્યું હતું કે, નિશી પોતાના પપ્પાના ઘરે ગઈ છે, મામલો માત્ર એટલો જ નથી. બીજી કોઈ વાત પણ છે. કદાચ મમ્મી ખુલીને કહેતી નથી. ગોપાલે આસપાસ જોયું અને મમ્મીની આંખોમાં જોઈને પૂછ્યું, “મમ્મી શું વાત છે?”
મમ્મીની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. મમ્મીને તરત ખ્યાલ આવ્યો કે, એ જેલના મુલાકાતરૂમમાં છે. તેણે તરત સાડીનો પાલવ આગળ કર્યો અને આંસુ લૂંછ્યા. ધીરે રહીને ગોપાલને કહ્યું, “કોઈ વાત નથી બેટા. તું ચિંતા કરીશ નહીં. બધુ જ બરાબર છે. આ તો નિશી પપ્પાના ઘરે ગઈ, એટલે મને એની યાદ આવી. બાકી બીજું કંઈ નથી.”
ગોપાલ કંઈ જ બોલ્યો નહીં, પણ એનું મન એવું કહી રહ્યું હતું કે, વાત કંઈક જુદી જ છે અને મમ્મી કારણ કંઈક જુદું આપી રહી છે. હવે સાચી વાત જાણવાનો એક જ રસ્તો હતો. રાકેશ. પણ રાકેશ જેલ પર આવવા તૈયાર નહોતો. ગોપાલ પણ વ્યથિત થઈ ગયો. શું કરવું એની ખબર પડતી નહોતી. એવામાં સિપાહીએ બૂમ પાડી, “ચાલો… મુલાકાતનો સમય પૂરો થયો છે.”
(ક્રમશ:)
PART 54 : મુસ્તાકને અંદાજ આવી ગયો કે પોલીસ તેની ગેઈમ કરશે, તે રહીમ સાથે પાકિસ્તાન ભાગી ગયો
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796