પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-31) : ગોપાલના ઘરે નિશી અને મમ્મી-પપ્પાની સ્થિતિ વધુ ખરાબ હતી. જેલમાં રહેલા ગોપાલને તો કોઈના મેહેણા સાંભળવા પડતાં નહોતાં. ગોપાલના પપ્પા દુકાને જાય, ત્યારે કોઈ અમસ્તુ જ તેમની સામે જોતું હોય; તો પણ પપ્પાને એવું લાગતું કે, ગોપાલ જેલમાં ગયો છે તેના કારણે આ લોકો તેમની સામે જોઈ રહ્યા છે. ટૂંકમાં તેમને લોકોની નજર પીડા આપવા લાગી હતી. ગોપાલના પપ્પાને હવે દરેક નજર શંકાશીલ લાગતી હતી. તેમને લાગી રહ્યું હતું કે, પાલનપુર છોડીને પાછા અમદાવાદ જતાં રહીએ. પણ મમ્મી એમને સમજાવતી હતી કે, ગોપાલ અહીંયા છે તો આપણે અમદાવાદ જઈને શું કરીશું?
ગોપાલના પપ્પાએ તો ધંધાના કામ સિવાય બહાર જવાનું જ છોડી દીધું હતું. કોઈપણ સામાજિક પ્રસંગમાં તે આવવાની ના પાડી દેતા હતા. ગોપાલની મમ્મી સમજાવતી હતી કે, આમ સંબંધો કાપી નાખીએ તે બરાબર નથી. પણ પપ્પાનું મન તે માનવા જ તૈયાર નહોતું.
અમદાવાદમાં એક સંબંધીને ત્યાં લગ્ન હતાં. ટપાલમાં આમંત્રણ આવ્યું હતું અને તેમનો ફોન પણ આવ્યો હતો. ગોપાલની મમ્મીએ કહ્યું, “આપણે ત્રણેય લગ્નમાં જઈ આવીએ.”
પપ્પાએ કહ્યું, “મારે ધંધાનું કામ છે. આવી શકાશે નહીં. તમે અને નિશીને જઈ આવો.”
મમ્મીએ ગુસ્સે થતાં પૂછ્યું, “શું કામ છે?”
પપ્પાએ મમ્મી સામે જોયા વગર જ કહ્યું, “એક ઉઘરાણી લેવા જવાની છે.”
મમ્મીએ ગુસ્સામાં જ કહ્યું, “ખોટું ન બોલો. તે દિવસે રવિવાર છે. સાચુ બોલોને… તમારે કેમ આવવું નથી? તમને કોઈ ગોપાલ વિશે પૂછશે, તેની શરમ આવે છે એટલે આવતા નથી.”
પપ્પાનો પણ પારો છટક્યો. તેમણે કહ્યું, “હા, હા મને શરમ આવે છે. તારા દિકરાએ પરાક્રમ કર્યું છે, તો શરમ તો આવેને?”
બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંનેને શાંત પાડતાં નિશીએ કહ્યું, “જુઓ, આમ ગુસ્સે થવાનો અર્થ નથી. મમ્મી, પપ્પાને નથી આવવું તો કઈ વાંધો નહીં. ખરેખર એમને કંઈ કામ હશે. આપણે બંને અમદાવાદ જઈશું.”
ગોપાલની કોઈપણ વાત નીકળે એટલે મમ્મી રડી પડતી હતી. નિશીને ખબર હતી કે, ગોપાલની ગેરહાજરીમાં પોતે જ તેમનો ગોપાલ છે.
નિશી અને મમ્મી લગ્નમાં હાજરી આપવા અમદાવાદ ગયાં. પ્રસંગમાં આમ તો બધા જ, પણ ખાસ કરીને મહિલાઓ, તેમની સામે કંઈક જુદી જ નજરે જોઈ રહી છે. એવું નિશીના ધ્યાનમાં આવ્યું. નિશી કંઈ બોલી નહીં.
ગોપાલની મમ્મી કોઈ મહિલા સાથે વાત કરવા જાય, તે દરેક મહિલા “હમણાં આવું” એટલું કહીને જતી રહેતી. મમ્મીને પણ લોકોનો વ્યવહાર સમજાઈ રહ્યો હતો. તેણે નિશીને કહ્યું, “લગ્નની દોડધામમાં તો આવું થાય. કંઈ વાંધો નહીં. માઠું નહીં લગાડવાનું.”
નિશી જાણતી હતી કે, મમ્મી ભલે કહી રહી હોય કે, માઠું નહીં લગાડવાનું; પણ મમ્મીને માઠું લાગી રહ્યું હતું. નિશી અને મમ્મીએ જમવાની ડિશ લીધી. તેઓ એકલાં ખૂણામાં જમી રહ્યાં હતાં. એવામાં બે મહિલા જમતાં જમતાં એમની પાસે આવી. પહેલાં મહિલાઓએ મમ્મી સાથે જ વાત કરી. નિશી એમને ઓળખતી નહોતી. મમ્મીએ ઓળખાણ કરાવતાં કહ્યું, “આ મારી નિશી. મારી વહુ છે.”
પેલી મહિલાએ નિશીને ઉપરથી નીચે સુધી જોઈ અને કહ્યું, બિચારીની જિંદગી ખરાબ થઈ ગઈ.”
મમ્મીએ નિશી સામે જોયું. નિશીને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મમ્મીએ એને ઇશારામાં જ કહ્યું, “ચૂપ રહેજે.”
મમ્મીએ વાત બદલવા માટે નિશીને આગંતુક મહિલાની ઓળખાણ આપતાં કહ્યું, “આ મીનાબહેન છે. ગોપાલના પપ્પાના ફોઈનાં દીકરી છે. મારાં નણંદ થાય છે.”
પણ મીનાબહેન પાછાં મૂળ મુદ્દા પર આવી ગયાં. “ભાભી, મેં સાંભળ્યું કે, ગોપાલ જેલમાં છે! મારો તો જીવ બળી ગયો. મૂઆને મારા ભાઈનો વિચાર જ ન આવ્યો!”
નિશીને લાગ્યું કે, ડિશ પછાડીને ત્યાંથી નીકળી જાય. ગોપાલની મમ્મીએ કહ્યું, “ના બહેન. છોકરાનો તો કોઈ વાંક નથી.”
મીનાબહેને તરત કહ્યું, “છોકરાને મા–બાપનો વિચાર ન આવે તો કંઈ નહીં, (નિશી તરફ ઇશારો કરતાં ઉમેર્યું) આ ફૂલ જેવી છોકરીનો વિચાર તો કરવો જોઈતો હતો!”
ગોપાલની મમ્મીએ નશીને પૂછ્યું, “બેટા, જમવાનું પુરું થયું?”
“હા.” નિશીએ માત્ર ટૂંકો અને મુદ્દાસરનો જ જવાબ આપ્યો.
“ચાલો બહેન, અમારે એસટી પકડાવાની છે.” મીનાબહેનને આટલું કહીને મમ્મી અને નિશી ત્યાંથી નીકળી ગયાં. ડિશ મૂકી, ચાંદલો લખાવી તરત બસ પકડવાં એસ.ટી. સ્ટેન્ડ આવી ગયાં.
મમ્મી બસમાં ગુમસુમ હતી. નિશીને સમજાતું હતું કે, મમ્મીને બહુ ખરાબ લાગ્યું છે. ખરેખર તો નિશીને પણ માઠું લાગ્યું હતું, પણ હમણાં નિશીને પોતાના કરતાં મમ્મીની ચિંતા વધારે હતી. આખા રસ્તે મમ્મી કંઈ બોલી નહીં. ઘરે આવીને એ ખુરશીમાં બેસી ગઈ. નિશી તેનાં માટે પાણી લઈ આવી. નિશીએ જોયું, તો મમ્મી રડી રહી હતી. નિશીએ પાણી ગ્લાસ બાજુ પર મૂક્યો અને નીચે બેસીને મમ્મીનો હાથ પકડતાં કહ્યું, “મમ્મી, રડશો નહીં. લોકો તો બોલ્યા કરે. આપણે એમનું સાંભળવાનું નહીં.”
આટલું બોલતાં બોલતાં નિશી પોતે પણ રડવા લાગી. મમ્મીએ નિશીનું માથું પોતાના ખોળામાં લીધુ. બંને એકબીજાને બથ ભરીને ખૂબ રડ્યાં. મમ્મીએ નિશીને કહ્યું, “હવે મારો ગોપુ ન આવે ત્યાં સુધી આપણે ક્યાંય જવાનું નહીં.”
ત્યાં જ અચાનક ડોરબેલ વાગી. નિશીએ ફટાફટ આંખો લૂછી. મમ્મીએ પણ પાલવથી આંખો લૂછી. કદાચ પપ્પા આવ્યા હશે એમ વિચારતી નિશી ઝડપથી ઊભી થઈ અને દરવાજો ખોલ્યો. સામે એક યુવાન ઊભો હતો. નિશીએ તેને પહેલી વખત તેને જોયો હતો. નિશીના ચહેરા પર પ્રશ્નાર્થ હતો. કદાચ તેવી જ સ્થિતિ પેલા યુવાનની પણ હતી.
તેણે ખચકાતાં સ્વરે નિશીને પૂછ્યું, “ગોપાલ છે?”
નિશી જવાબ આપે એ પહેલાં મમ્મીએ અંદરથી પૂછ્યું, “કોણ છે બેટા?”
પેલા યુવાને પણ મમ્મીનો અવાજ સાંભળ્યો. તેણે કહ્યું, “રાકેશ.”
નિશીએ પાછળ વળીને કહ્યું, “મમ્મી, કોઈ રાકેશભાઈ છે.”
મમ્મી એકદમ ઊભાં થયાં અને કહ્યું, “અરે, આવને રાકેશ.”
પેલો યુવાન અંદર આવ્યો. મમ્મીએ તેને બેસાડયો. નિશી પાણી લેવા ગઈ. તે પાણી આપી રહી હતી ત્યારે મમ્મીએ નિશીને પાછ્યું, “તું આને ઓળખતી નથી?”
નિશીના ચહેરા પર ના હતી. મમ્મીએ કહ્યું, “અરે, ગોપુનો ભાઈબંદ છે. મહેસાણા રહે છે.”
રાકેશે કહ્યું, “આ નિશી છેને? મને ઓળખ્યો નહીં?”
નિશીએ માથું હલાવી ના પાડી. રાકેશે કહ્યું, “આપણે મળ્યાં છીએ, પણ તમે મને ભૂલી ગયાં.”
મમ્મીએ નશીને કહ્યું, “ચા મૂક બેટા.”
નિશી રસોડામાં ગઈ. રાકેશની નજર અહીં–તહીં ફરી રહી હતી. તેણે થોડીવાર પછી પૂછ્યું, “ગોપાલનો ફોન કેમ બંધ આવે છે? ઘણા દિવસથી તેને ફોન કરું છું.”
મમ્મી કંઈ બોલી નહીં. મમ્મીએ રસોડા તરફ નજર કરી. મમ્મીને મુંઝવણ હતી કે, શું કહું? સાચું કહું કે ખોટું? પણ ખોટું કેટલા દિવસ ચાલશે? મમ્મી વિચારમાં હતી ત્યાં નિશી ચાના બે કપ લઈને બહાર આવી. એક રાકેશને આપ્યો અને એક મમ્મીને. ત્રણેય વચ્ચે કોઈ સંવાદ નહોતો. નિશીએ રાકેશનો સવાલ સાંભળ્યો હતો. તેને ખબર હતી કે, જવાબ આપવો એ મમ્મી માટે મુશ્કેલ સ્થિતિ છે.
નિશી હાથના બંને પંજા ચોળતાં કહ્યું, “રાકેશભાઈ, કદાચ તમને ખબર નથી, પણ ગોપાલ ત્રણ મહિનાથી જેલમાં છે.”
“ગોપાલ જેલમાં છે.” આ વાક્ય સાંભળતા જ રાકેશના મોંએ માંડેલો ચાનો કપ હોઠથી દૂર થઈ ગયો. એણે અડધો કપ ટીપાઈ પર મૂકી દીધો. તેણે નિશી સામે જોયું અને પછી મમ્મી સામે. મમ્મીનો ચહેરો પડી ગયો હતો. નિશીએ રાકેશને પહેલેથી અત્યાર સુધીની તમામ વાત કહી. રાકેશ ચુપચાપ સાંભળતો રહ્યો. તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતો. તેને સમજાતું જ નહોતું કે, શું જવાબ આપે?
રાકેશને પોતાને ગોપાલની પર પણ ગુસ્સો આવી રહ્યો હતો. એક વર્ષ પહેલાં રાકેશ પાસે ગોપાલ આવ્યો હતો. પૈસાની જરૂર છે તેમ કહી રૂપિયા લઈ ગયો હતો. છ મહિનામાં પાછા આપીશ તેવું પણ કહ્યું હતું. પણ પછી ગોપાલનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો. રાકેશ ફોન કરતો ત્યારે એનો ફોન સ્વિચઓફ આવતો હતો. રાકેશ માની રહ્યો હતો કે, ગોપાલને પૈસા આપવા નથી એટલે ફોન બદલી નાખ્યો છે અથવા નંબર બ્લોક કરી દીધો છે. એટલે તે સીધો જ ગોપાલના ઘરે પહોંચ્યો હતો. પણ અહીંયા તો મામલો કંઈક જુદો જ હતો.
માણસ અને મિત્ર તરીકે રાકેશને પણ ગોપાલ ગમતો હતો. પરંતુ તેણે જે કામ કર્યું અને જેના કારણે તેને જેલમાં જવું પડ્યું, તે સાંભળીને તેને ગોપાલ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. આ કરતાં પહેલાં ગોપાલને પોતાના મા-બાપ કે નિશી અંગે પણ એક વખતેય વિચાર નહીં આવ્યો હોય!
નિશીની વાત પૂરી થઈ. રાકેશ સ્તબ્ધ બનીને શાંત બેસી રહ્યો. મમ્મીની પાપણો પણ ભરાઈ આવી. રાકેશ ઊભો થયો અને મમ્મીની આંખો સાફ કરતાં કહ્યું, “રડશો નહીં. હું પણ તમારો ગોપાલ જ છું. હું આવતો રહીશ.”
જતી વખતે તેણે નિશીને પોતાનો નંબર આપ્યો અને કહ્યું, “નિશી, કોઈપણ કામ હોય તો મને ફોન કરજે. હું આવી જઈશ.”
(ક્રમશઃ)
PART 30 : નીશી પપ્પાની વાતને કારણે ગોપાલનું મગજ બહેર મારી ગયુ હતું
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








