નવજીવન ન્યૂઝ, આણંદ : આણંદ તાલુકાના ખેરડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં સ્નાન કરવા ગયેલા વિદ્યાર્થીઓ પૈકી બેના ડૂબી જવાથી મોત થયા છે. આણંદ ઉમરેઠ પંથકમાંથી પસાર થતી મહી નદી (Mahi River) ના અનેક કિલોમીટરના પટ્ટા રેતી માફિયાઓએ ખોદી નાંખતા ઉંડા ખાડા પડ્યા છે.
આણંદ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતાં આઠેક વિદ્યાર્થીઓ રવિવારની રજામાં આણંદના ખેરડા ગામે આવેલી મહી નદીના પટ્ટ પર ફરવા ગયા હતા. સ્નાન કરવા માટે કેટલાંક વિદ્યાર્થીઓ બપોરે નદીના પાણીમાં ઉતર્યા હતા. સ્નાન કરી રહેલાં વિદ્યાર્થીઓ પૈકી બે જણા પાણીમાં આગળ વધતા તેઓ ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. નદીમાં ડૂબી રહેલા યુવકોએ બૂમો પાડતા સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી બે કલાકની જહેમત બાદ હિતેશ ચૌધરી (ઉ.21 રહે. વાવ થરાદ) સાગર માળી (ઉ.21 રહે. ડીસા, બનાસકાંઠા)ના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ આરંભી છે.








