મેનેજ્ડ મનીનો ધસમસતો નાણાપ્રવાહ તેજીનાં શાંત વાહક અને અલ્ગોરીધમિક સંકેતો બન્યા છે
સોનાના ભાવ વધુ પડતા ઊંચા છે માટે વર્તમાન ભાવે પણ ચાંદીમાં રોકાણ કરવાનો વાજબી સમય
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): પુરવઠા અછત મજબુત ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રોનીક ઔદ્યોગિક માંગ તેમજ અમેરિકન ટેરીફ વોરની ચિંતાઓએ ૨૦૨૫મા ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ સર્જી છે. પરિણામે એક મહિનો અને એક વર્ષના ફીઝીકલ ચાંદીનાં વાર્ષિક દરે ઔધ્યોગિક બોરોઇંગ કોસ્ટ, જેને આપણે લીઝ રેટ (ચાંદી ભાડે આપવાનો વ્યાજદર) કહીશું, તેમાં વૃદ્ધિ થઇ છે. તે સામાન્ય રીતે તે એક મહિનો અને એક વર્ષ માટે નિર્ધારિત થતા હોય છે, તેમાં મોટી વધઘટ જોવાઈ રહી છે. જોકે હાલમાં આવા કોઈ નિશ્ચિત લીઝ રેટ જોવા નથી મળતા, પણ બજાર સમીક્ષા કરતા જણાયું કે એક મહિનાનો સરેરાશ વાર્ષિક લીઝ રેટ ૬.૪ ટકા પ્રવર્તે છે, પણ આ વર્ષે માર્ચમાં એક તબક્કે ચાંદીનો લીઝ રેટ ૭.૫ ટકાની ઉંચાઈએ પહોચી ગયો હતો. એક વર્ષની વર્તમાન વાર્ષિક લીઝ રેટ સરેરાશ પાંચ ટકા આસપાસ છે.
આ ઔદ્યોગિક, પ્રેસીયાસ મેટલ અને ચાંદીના ભાવ ગત એક જ સપ્તાહમાં ૪.૧૭ ટકા અને એક મહિનામાં ૧૮ ટકા અને વર્તમાન વર્ષે ૬૬.૧૮ ટકા ઉછળ્યા હતા પરિણામે ચાંદી ૧૪ વર્ષની ઉંચાઈએ પહોચી હતી. જેણે નવી નવી વિક્રમ ઊંચાઈ સર્જતા સોનાનાં ભાવને પણ ઝાંખું પાડી દીધું હતું. ચાંદીમાં વધઘટ મોટી હોવા સાથે તેણે રોકાણકારોને ૬૬ ટકા જેવું ઊંચું વળતર આપ્યું છે જ્યારે સોનાએ ૨૦૨૫મા અત્યાર સુધીમાં ૪૮.૨૫ નફો આપ્યો છે.
આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો એક ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) ૮૦.૭૦નો છે. આ દાયકા અગાઉ રેશિયો ૮૦ ઉપર હોય તો તેને વધુ પડતો ઉંચો રેશિયો ગણાવામાં આવતો હતો. વર્તમાન રેશિયો સૂચવે છે કે સોનાના ભાવ વધુ પડતા ઊંચા છે, માટે ચાંદીમાં રોકાણ કરવાનો આ વાજબી સમય છે. જો ન્યુયોર્ક એક્સચેન્જના સોનાચાંદીના હાજર ભાવને ધ્યાનમાં લઈએ તો ૧૯૯૯થી અત્યાર સુધીની રેશિયો સરેરાશ ૬૮.૧ની છે, જે ૨૫ વર્ષ પહેલાની રેશિયો સરેરાશ ૫૭.૧ આસપાસ હતી. કોરોના મહામારી સમયે ટૂંકાગાળા માટે રેશિયો ૧૧૨ થયો હતો, ત્યાર પછી વેગથી ઘટીને ત્રણ વર્ષના તળીએ ૭૦ આસપાસ સુધી નીચે આવ્યો હતો. એપ્રિલ ૨૦૨૫મા આ રેશિયો ૧૦૪ની ઉંચાઈએ નોંધાયો હતો.
ઐતિહાસિક રીતે ચાંદીએ પ્રતિ ઓંસ પચાસ ડોલર વટાવવાના બે વખત નિષ્ફળ પ્રયાસ કર્યા હતા, ૧૯૮૦માં ૪૯.૪૫ ડોલર અને ત્યાર પછી ૨૦૧૧મા ૪૯.૫૪ ડોલરથી ભાવ પાછા ફર્યા હતા. ટેકનીકલ એનાલિસ્ટો એવી નોંધ કરે છે કે બજાર ભાગ્યેજ ત્રિપલ ટોપ બનાવે છે, અર્થાત આ વખતના ૫૦ ડોલર ભાવ નવી ઊંચાઈ માટે અગ્રેસર રહેશે, નહી કે અગાઉ જેવી પીછેહઠ. જોકે અમેરિકન ડોલરમાં ચાંદીએ ઐતિહાસિક ભાવ વટાવ્યા નથી. પણ અન્ય કરન્સીમાં ચિત્ર સાવ જુદું છે. નોન-અમેરિકન ડોલર કરન્સી જેમ કે ભારતીય રૂપિયો, ઓસ્ટ્રેલીયન ડોલર, યુરો કેનેડીયન ડોલર જેવી અસંખ્ય મહત્વની કરન્સીમાં ચાંદીના ભાવે, વિક્રમ સપાટી તોડી નાખી છે.
અગાઉની સિલ્વર બુલ માર્કેટમાં બજારનું માળખાગત ફંડામેન્ટલ સાવ જુદું હતું. પણ હવે પચાસ ટકા કરતા વધુ ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ જેવા મેનેજ્ડ મનીનો ધસમસતો નાણાપ્રવાહ તેજીનો શાંત વાહક અને અલ્ગોરીધામિક સંકેતો બન્યા છે. આ વખતે ખાસ કરીને ભાવને ઉંચે જવામાં ફંડામેન્ટલ ગણતરીઓ કરતા વધુ, બજારમાં આવતો રોકાણકારોનો શાંત નાણાપ્રવાહ અપટ્રેન્ડ ભાવને નવી ઊંચાઈ તરફ હંકારી રહ્યા છે. જે સ્વતેજીની કુદરતી સાયકલ પણ બનાવે છે.
બુલિયન એનાલીસ્ટ ભાર્ગવ વૈદ્ય જેવા કેટલાંક ફાયનાન્સીયલ નિષ્ણાતો કહે છે કે કરન્સી અવમુલ્યન અને ફુગાવા વૃદ્ધિના ડરથી ગભરાતા રોકાણકારોએ હેજિંગ કરવા તેમની કુલ બચત/મૂડીરોકાણમાંથી ૨૦ ટકા જેટલી રકમ કીમતી ધાતુમાં રોકવી જોઈએ. ફાયનાન્સીયલ એડવાઈઝર સંસ્થા મોર્ગન સ્ટેન્લીએ પણ બચત અને મુડીરોકાણનું પોર્ટફોલિયો માળખું ૬૦-૨૦-૨૦ (૬૦ ટકા ઇક્વિટી, ૨૦ ટકા બોન્ડ, ૨૦ ટકા પ્રેસીયસ મેટલ)નાં રેશિયોમાં રાખવાનું કહ્યું છે, નહિ કે ૬૦:૪૦ના પરંપરાગત રેશિયોમાં. રોકાણકારે પરંપરાગત ફીઝીકલ હોલ્ડીંગથી સ્પેક્યુલેટીવ સાધનો જેવા અન્ય જોખમી સ્ત્રોતમાં રોકાણની જેમ, બહુહેતુક વિકલ્પ તરીકે ચાંદીની કંપનીના શેર, ઇટીએફ મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોખમ લેવું જોઈએ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796