નવજીવન ન્યૂઝ.કર્ણાટકઃ કર્ણાટકમાં એક મોટો માર્ગ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે, જેમાં વરસાદના કારણે ભીના રસ્તા પર એક ઝડપે આવી રહેલી એમ્બ્યુલન્સ ટોલ પ્લાઝા પર અકસ્માતનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સમાં એક દર્દી અને બે પરિચારકો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યના ઉડુપી જિલ્લાના બાયંદુર તાલુકા નજીક શિરુર ટોલ બૂથ પર બુધવારે થયેલા અકસ્માતમાં એમ્બ્યુલન્સના ત્રણ મુસાફરો અને તેના ડ્રાઇવરના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક ગાર્ડ એમ્બ્યુલન્સને આવતી જોઈ સમયસર બે બેરીયર હટાવી લે છે, પરંતુ ત્રીજી બૂમ બેરીયર હટાવે તે પહેલા જ બેકાબુ એમ્બ્યુલન્સ ફંગોળાઈને ઉંચી થઈ જાય છે અને થોડી ક્ષણોમાં બધું નાશ પામે છે.
એવું માનવામાં આવે છે કે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે ભીના રસ્તા પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયો હતો અને વાહન અકસ્માતનો શિકાર બન્યું હતું. ફૂટેજમાં, કેટલાક લોકો, જેઓ સિક્યોરિટી ગાર્ડ અને ટોલ વર્કર્સ દેખાઈ રહ્યા છે, તેઓ એમ્બ્યુલન્સને નજીક આવતા જોઈને એક ગલીમાંથી પ્લાસ્ટિક બેરિકેડ્સને હટાવવા દોડતા જોઈ શકાય છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ ભીના રસ્તા પર તેજ ગતિએ પાણીમાંથી પસાર થઈ હતી, જેના કારણે Aquaplaning અથવા hydroplaning ની સ્થિતિ સર્જાઈ હતી. Aquaplaning ની સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે વાહનના ટાયર પાણીને કાઢી નથી શકતા. આ સ્થિતિમાં ટાયરનો જમીન સાથે સંપર્ક થતો નથી અને વાહન નિયંત્રણ ગુમાવે છે.








