તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ,અમદાવાદ): મહેસાણાના કડીમાં (Kadi) વર્ષ 2020માં પોલીસે કડીના નામચીન હનીફ ઉર્ફે જાડી સહીત 15 લોકો પર ગુજસીટોકનો (Gujctoc) ગુનો નોંધ્યો હતો, બાદમાં કોર્ટે આરોપીઓને શરતોનો આધિન જામીન પર મુક્ત કર્યા હતા. જેમાં મુખ્ય આરોપી હનિફ જાડીને 2023માં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 7 જીલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો. જે કે આરોપી વિરુદ્ધ 9 મહીનામાં 5 ગુના દાખલ થતા મહેસાણા પોલીસે (Mehsana Police) ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાની માગ સાથે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભમાં ગુજસીટોક સ્પેશિયલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કમલ એમ. સોજીત્રાએ સરકારી વકીલ એમ. એન. લીંબચિયા અને આરોપીના વકીલ એસ. વી. શ્રીવાસ્તવની દલીલોના આધારે હનીફ જાડીના રેગ્યુલર જામીન રદ કર્યા છે. તેમજ 7 દિવસમાં હાજર થવાનો પણ આદેશ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, કડીના સૌથી ચર્ચામાં રહેતા હનીફ જાડીને વર્ષ 2023ના નવેમ્બર મહીનામાં 7 જીલ્લામાં પ્રવેશ ન કરવાની શરતોને આધીન જામીન આપ્યા હતા. જો કે 9 મહીનામાં કડી પોલીસ સ્ટેશનમાં 4 અને કલોલમાં એક ગુનો દાખલ થતાં મહેસાણા પોલીસે તેના રેગ્યુલર જામીન રદ્દ કરવા અમદાવાદ ગ્રામ્યમાં આવેલી સ્પેશિયલ ગુજસીટકો કોર્ટમાં પહોંચ્યા હતા. આ મામલે સરકાર પક્ષે અને આરોપી પક્ષે પોત પોતાની દલીલો કરી છે.
જેમાં સરકારી વકીલે દલીલો કરતા કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીને નવેમ્બર 2023માં ગુજરાત હાઈકોર્ટે શરતોના આધીન જામીન આપ્યા હતા. જેમાં આદેશની શરત મુજબ આરોપીને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં પ્રવેશ બંધી રહેશે, તેમ છતાં આરોપીએ મહેસાણા જિલ્લાની હદમાં આવી ગુનાને અંજામ આપ્યા છે. જે મામલે કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ચાર અને ગાંધીનગર જીલ્લામાં એક ફરિયાદ પણ નોંધયેલી છે. આરોપીને હાઈકોર્ટમાંથી જામીન મળતાની સાથે જ તેણે જ નિયમોનો ભંગ કર્યો હતો. જેમાં તેણે મહેસાણા જિલ્લામાં પ્રવેશ બંધી હોવા છતાં તે કડીમાં ગયો હતો અને તેના મિત્રો સાથે ઉજવણી કરી ફટાકડા પણ ફોડ્યા હતા. તેથી આરોપીએ નામદાર કોર્ટના નિયમોનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ્દ કરવામાં આવવા જોઈએ.
જ્યારે બચાવ પક્ષના વકીલ એસ. વી. શ્રીવાસ્તવે સરકારી વકીલના આરોપીના જામીન રદ કરવાની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, આરોપી પરણિત છે તેમજ જામીન મુક્ત થયા પછી તેના પર જે FIR થઈ તે બદ ઈરાદે અને હેરાન-પરેશાન માટે કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીને 2 વર્ષ 10 મહીના બાદ જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારે હવે મહિનાઓ પછી તેના પર ખોટા 5 કેસો કરી ફસાવામાં આવી રહ્યો છે. આ ફરિયાદો સંપૂર્ણપણે ખોટી અને ઉપજાવી કાઢેલી છે. તેના પર 5 FIRમાંથી એક FIRમાં ક્રોસ કેસ થયેલો છે. જેમાં એક FIRમાં વિવાદ ન હોવા છતાં આરોપીને સમગ્ર ગામમાં હાથકડી પહેરાવી પરેડ કરવામાં આવી જે માનવતાનું ઉલ્લંઘન છે. આરોપીએ હાઈકોર્ટેના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છતાં સરકાર દ્વારા જામીન રદ કરવાની દલીલો જોતા જામીન એકવાર મંજૂર થયા પછી ઔપચારિક સંજોગોમાં નકારી શકાય નહીં. કારણ કે તે વ્યક્તિની સ્વતંત્રતા પર અસર પહોંચાડશે.
આમ દલીલોના આધારે અમદાવાદ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટેના મુખ્ય ન્યાયાધીશ કમલ એમ. સોજીત્રાએ સરકારી વકીલ એમ. એન. લીંબચિયા અને આરોપી વકીલ એસ. વી. શ્રીવાસ્તવની દલીલોના આધારે હનીફ જાડીના રેગ્યુલર જામીન રદ કર્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








