Thursday, October 2, 2025
HomeGeneralસરકારે કરેલો ઈશુદાનનો લીકર ટેસ્ટ પોઝિટિવઃ રાજકીય ચોપાટમાં લાંબી જેલયાત્રાનો યોગ, જાણો...

સરકારે કરેલો ઈશુદાનનો લીકર ટેસ્ટ પોઝિટિવઃ રાજકીય ચોપાટમાં લાંબી જેલયાત્રાનો યોગ, જાણો કેમ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દે કમલમ ઉપર થયેલા હંગામાને કારણે 12 દિવસ સુધી ઈશુદાન ગઢવી સહિત આપના કાર્યકરોએ જેલવાસ ભોગવ્યો, શુક્રવારના રોજ આપ (આમ આદમી પાર્ટી)ના કાર્યકરો જામીન પર બહાર આવ્યાની સાથે દારુ પીવાના કેસમાં ઈશુદાનનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી રાજકારણ ગરમાયું છે. ઈશુદાને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મા મોગલના સોગંદ ખાઈને કહું છું, મેં જીંદગીમાં ક્યારેય પણ દારુને હાથ સુદ્ધા અડાડ્યો નથી. આ એટલી નીચલી કક્ષાનું રાજકારણ છે જેનો હું ભોગ બની રહ્યો છું.

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાને મુદ્દે ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમનો ઘેરાવ કરવા પહોંચેલા ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના આપ કાર્યકરો અને ભાજપ કાર્યકરો સામ સામે આવી ગયા હતા. જ્યાં પોલીસને બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ મામલે ગાંધીનગર પોલીસે આપના કાર્યકરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. દરમિયાનમાં ભાજપના એક મહિલા કાર્યકરે ઈશુદાન ગઢવી સામે ફરિયાદ આપી હતી કે, ઈશુદાન નશો કરેલી હાલતમાં હતા અને તેણે મારી છેડતી કરી છે. મહિલા કાર્યકરની ફરિયાદને આધારે ગાંધીનગર પોલીસે ઈશુદાનને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલમાં લઈ જતા ફરજ પરના મેડિકલ ઓફિસરે ઈશુદાનની વાણી અને વ્યવહાર બાદ પ્રારંભીક રિપોર્ટ નેગેટિવ આપ્યો હતો, પરંતુ મેડિકલ ટેસ્ટ માટે ઈશુદાનનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું.



આખો ઘટનાક્રમ સમજવા કેટલીક ઘટનાઓને બીટવીન ધી લાઈન સમજવી જરૂરી છે. ભાજપના 25 વર્ષના શાસનમાં કમલમનો ઘેરાવ કરવાની આ પ્રથમ ઘટના હતી. સત્તાધારી પક્ષની ઓફીસ સામે ધરણાં અને દેખાવો કરવા તે સમગ્ર દેશમાં આમ બાબત છે, પરંતુ ગાંધીનગરના કમલમ સામે દેખાવો કરનાર આપના કાર્યકરોને 12 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. 12 દિવસના જેલવાસ પછી બહાર નીકળેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ગુજરાત આપના પોસ્ટર બોય ઈશુદાન ગઢવીએ નીકોલ ખાતે યોજાયેલી સભામાં ભાજપની અને ભાજપના પ્રદેશ નેતાઓની જે ભાષામાં ટીકા કરી તે જ આવનારા તોફાનના એંધાણ આપી રહ્યા હતા.

- Advertisement -

ખાસ કરીને ઈશુદાન ગઢવીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અંગે જે ટિપ્પણી કરી તેના ઘેરા પ્રત્યાઘાત ભાજપમાં પડ્યા હતા. ઈશુદાન જેલમાંથી છૂટયાના 24 કલાકની અંદર જ ગાંધીનગરની ઈન્ફોસીટી પોલીસને સિવિલ હોસ્પિટલ તરફથી મળેલા રિપોર્ટમાં ઈશુદાનના બ્લડ સેમ્પલમાં નિર્ધારિત માત્રા કરતા વધુ આલ્કોહોલ મળ્યું હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેનો અર્થ થાય છે કે ઈશુદાનનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય સંજોગોમાં ગુજરાતમાં દારુ પીવાના અસંખ્ય કેસ નોંધાય છે, પરંતુ મોટાભાગના કેસમાં પોલીસ ઈન્સપેક્ટરને મળેલી સત્તાની રુએ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન થઈ જાય છે, બાકીના કિસ્સામાં પોલીસ આરોપીને કોર્ટમાં રજુ કરે તો મેજીસ્ટ્રેટ દ્વારા જામીન આપવામાં આવે છે, પરંતુ રાજકીય ગતિવિધિ ધ્યાનમાં લેતા ઈશુદાનને આ કાયદાકીય જોગવાઈનો લાભ મળે તેવી શક્યતાઓ ઓછી છે. દારુબંધીના નવા કાયદા પ્રમાણે દારુ પીને હંગામો કરવો તે જોગવાઈ હેઠળ જો ઈશુદાન સામે કાર્યવાહી થાય તો ઈશુદાનને ફરી સાબરમતી જેલમાં જવું પડે તેમ છે.



કાયદાશાસ્ત્રીના મત પ્રમાણે કાયદાની પ્રમાણીક જોગવાઈ પ્રમાણે ઈશુદાન સામે કાર્યવાહી થાય તો જામીન મળવા સહેલા છે પરંતુ જો રાજ્ય આ મામલે કડક વલણ અખત્યાર કરે તો ઈશુદાન માટે લાંબો સમય જેલમાં પસાર કરવો પડે તેમ છે. આખા પ્રકરણમાં સરકાર ઈશુદાન તરફ એક સામાન્ય નાગરિક જેવો વ્યવહાર નહીં કરે તે પણ બહુ સ્વાભાવીક છે. દારુબંધીના કાયદામાં થયેલા સુધારા પ્રમાણે દારુ પીને હંગામો કરવાના ગુનામાં દસ વર્ષની સજા છે અને હવે કમલમનો ઘટનાક્રમ ધ્યાનમાં લઈએ તો કમલમમાં હંગામો થયો અને ઈશુદાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અહીં પોલીસ અને મેટ્રો કોર્ટને જામીન આપવાની સત્તા નથી. તેવા સંજોગોમાં રાહત મેળવવા માટે ઈશુદાન પાસે સેશન્સ કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી.

આ મામલે ઈશુદાન ગઢવીને પુછતા તેમણે જણાવ્યું કે, મા મોગલના સોગંદ હું ક્યારેય દારુને અડ્યો નથી, પણ મને બદનામ કરવા આ સરકારનું ષડયંત્ર છે. સરકાર આટલી નીચલી કક્ષાએ જઈ શકે તેની મને કલ્પના ન્હોતી, આ મામલે ગુજરાત પોલીસની કાર્યવાહી જાણવા ગાંધીનગરના ડીએસપી મયુર ચાવડાનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમનો ફોન નો રિપ્લાય થવાના કારણે તેમની પ્રતિક્રિયા જાણી શકાઈ નથી.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular