Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadમહેશ્વરી વિ. બિન્દ્રાના વિવાદથી કેટલી બધી પોલ ખુલી ગઈ?

મહેશ્વરી વિ. બિન્દ્રાના વિવાદથી કેટલી બધી પોલ ખુલી ગઈ?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ફોર્મેશન યુગથી હવે દુનિયા જ્ઞાનયુગ તરફ જઈ રહી છે, પરંતુ હજુય ધુતારાંઓના ખેલ બંધ થયા નથી, અને આ ખેલ ચાલુ રહે તે માટે બકરા હલાલ થવા તૈયાર છે. દેશના ટોપ બે મોટિવેશનલ સ્પીકર છેલ્લા બે અઠવાડિયાથી એકબીજાની સામે આવ્યા છે અને એક પછી એક તેમની ન્યૂઝ આઈટમ બની રહી છે. મૂળે આ બંને, લોકોને કેવી રીતે કમાવું અને બજારમાં ટકી રહેવું એ શીખવે છે; પણ હવે આ પૂરા વિવાદમાં એકબીજાની પોલ ખોલવા સુધી વાત પહોંચી છે. સૌથી પહેલાં તો આ બંને કોણ છે તે જાણીએ. સંદીપ મહેશ્વરી પોતાની ઓળખમાં મોટિવેશનલ સ્પીકર, લેખક, યુટ્યૂબર, ફોટોગ્રાફર અને એન્ટરપ્રિન્યોર લખાવે છે. ‘ઇમેજબજાર’ નામની કંપનીના તેઓ CEO છે. વિવેક બિન્દ્રા પોતાની પ્રથમ ઓળખમાં મોટિવેશનલ સ્પીકર લખાવે છે. ઉપરાંત, તેઓ કોર્પોરેટ ટ્રેઇનર અને એન્ટરપ્રિન્યોર ગણાવે છે. તેમની કંપનીનું નામ ‘બડા બિઝનેસ’ છે. આ બંને કરોડો રૂપિયાની આવક ધરાવે છે અને વિવિધ સોશિયલ મીડિયા પર તેમના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે. ખાસ કરીને યુવાઓ આ બંનેને ફોલો કરતા હોવાથી ડિજિટલની દુનિયામાં તેઓ ગજબનાક તાકાત ધરાવે છે. આ તાકાતના કારણે જ આ બંને યંગસ્ટર્સને ઇન્ફ્લ્યૂઅન્સ કરી શકે છે. તેથી માર્કેટમાં તેમની વેલ્યૂ મોટી અંકાય છે.

sandip vs vivek
sandip vs vivek

બંને પોતપોતાના બિઝનેસમાં એટલાં આગળ વધી ચૂક્યા છે કે તેઓ આ પ્રકારે વિવાદમાં આવશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. અલબત્ત, સંદીપ મહેશ્વરીના એક શોમાં એક વર્ષ પહેલાં ખુદ વિવેક બિન્દ્રા ગેસ્ટ બનીને આવી ચૂક્યા છે. ત્યારે સંદિપે શોમાં વિવેકની એન્ટ્રી વેળાએ એવું બોલે છે કે ‘વન એન્ડ ઓન્લી વિવેક બિન્દ્રા’. બંને ભેટે છે અને ત્યાં હાજર યુવાનો બંનેએ એકબીજાને આપેલા અભિવાદન પર ચિચિયારીઓ પાડે છે. બંને વચ્ચેનો સારો મેળમેળાપ પણ કેમેરામાં ઝિલાયો છે. બંને એકબીજાના પ્રશંસાના પુલ બાંધે છે. પરંતુ હાલમાં સંદિપ મહેશ્વરીના એક કાર્યક્રમ દરમિયાન આ વિવાદની શરૂઆત થઈ. બન્યું એમ કે, સંદિપના કાર્યક્રમના કેટલાંક યુવાનોએ એમ ફરિયાદ કરી કે એક ‘મોટા યુટ્યૂબરે’ કોર્સના બહાને 50,000 રૂપિયા ખંખેરી નાંખ્યા. યુટ્યૂબ પર આ કાર્યક્રમ ટેલિકાસ્ટ થાય છે ત્યારે સંદિપ તેમાં કોઈનું નામ લેતા નથી. જોકે નામ ન લેવાયું છતાં સોશિયલ મીડિયા પર કોઈક રીતે ‘મોટા યુટ્યૂબર’ તરીકે વિવેક બિન્દ્રા ટારગેટ થવા લાગ્યા. અને તે પછી વિવેક બિન્દ્રા સંદિપ મહેશ્વરીનો સંપર્ક કર્યો. સંપર્ક ન થયો એટલે સંદિપના કહેવા મુજબ વિવેક બિન્દ્રાએ સંદિપના ઓફિસ પર માણસો મોકલ્યા અને તે પછી કાયદાકિય નોટીસની ધમકી પણ આપી. આ રીતે સંદિપ મહેશ્વરી પર દબાણ વધ્યુ એટલે તેણે એક નવો વિડિયો બનાવ્યો અને તેમાં સીધું જ વિવેક બિન્દ્રા પર તીર તાંક્યું. સંદિપે તે વિડિયોમાં વિવેક બિન્દ્રા યુવાનોને કેવી રીતે ઠગે છે તેની મોડસ ઓપરેન્ડી બતાવી. સંદિપે ટ્વિટરના પ્લેટફોર્મ દ્વારા વિવેક પર સીધો આક્ષેપ કરીને એવું લખ્યું કે, તમે એક લાખ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી પાંચસો કરોડની ફી પાછી આપો. વિવેકનો અડધો અડધ ધંધો ઓનલાઈન ચાલતો હતો, તેને હવે જવાબ આપવા તો આવવાનું જ હતું. તેથી તે પણ વિડિયો બનાવીને સંદિપ મહેશ્વરીને જવાબ આપે છે. જવાબમાં વિવેક બિન્દ્રા થોડા અસહજ લાગે છે. તેમના પર થયેલા આક્ષેપોને તે આમવિશ્વાસથી જવાબ આપતા હોય તેવું લાગતું નથી. ઉલટાનું કેટલીક જગ્યાએ તો તેમનો સૂર ધમકીનો લાગે છે. ઉપરાંત તેમના કંપની કે કામ વિશેની સ્પષ્ટતા પણ તે સરળતાથી નથી મૂકતા. બલકે તેઓ જાણે એક ઉભડક બયાનબાજી કરતાં હોય તે રીતે બધુ બોલે છે. પછી તો બંનેની આ લડાઈ એટલી આગળ વધી કે તેમાં આક્ષેપબાજી થવા માંડી અને એકબીજાની પોલ ખુલતી ગઈ. બંનેના ફોલોઅર્સ પણ એકબીજાના સામે આવ્યા અને પૂરો બખેડો ખડો થયો.

- Advertisement -
sandip vs vivek
sandip vs vivek


આ વિવાદથી એટલું તો જાણી શકાય કે મોટિવેશન સ્પીકર તરીકે શેખી હાંકતા આ બંને જ્યારે વિવાદમાં સપડાયા ત્યારે તેમનું વર્તન કોઈ વિશેષ વ્યક્તિ હોય તેવું ન દેખાયું. બંનેમાં આક્રમકતા જોવા મળી. ગલીમહોલ્લામાં ક્રિકેટ રમતી વેળાએ બાળકો ઝઘડે તે રીતે તેમના વાતચીતના મુદ્દા હતા. જોકે માર્કેટની દૃષ્ટિએ આ બંને ખૂબ મોટા છે અને તેમની પોલ ખુલી હોવા છતાં તેઓ શક્ય હોય ત્યાં પોતાની વાત મૂકીને બિઝનેસ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કારકિર્દી, શિક્ષણ અને મોટિવેશનને લઈને ડિજિટલ દુનિયામાં યુવાનો સાથે કેવી છેતરપિંડી થાય છે, તેનો આ બંધબેસતો દાખલો છે. મોટિવેશન, શિક્ષણ કે કારકિર્દીલક્ષી વાતો કરવી ખોટી નથી. પરંતુ જ્યારે તેમાં દાવા થવા માંડે મોટિવેશન સ્પીકર ખુદ પોતાના ગજવા ભરવા લાગે અને શિક્ષણના નામે તેઓ કોર્સિસ પધરાવા માંડે ત્યારે સૌએ ચેતવું રહ્યું. પરંતુ તેમ થતું નથી અને આ વહેણમાં પડીને વહેવાનું સૌને ગમે છે. પછી જ્યારે આંખ ખૂલે છે ત્યારે પોતાના ખાતામાંથી નાણાં ઓછા થયા હોય છે અથવા કિંમતી સમય વેડફાયો હોય છે.

આ રીતે થોડા વર્ષો પહેલાં અરિંદમ ચૌધરી નામના એક વ્યક્તિ જાણીતો થયો હતો. અત્યારે પણ તેની વિકિપિડીયા પ્રોફાઈલ જોશો તો તેમાં તે વ્યક્તિ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલથી કોઈ સન્માન લેતો જોવા મળે છે. તેણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ મેનેજમેન્ટ’ નામે એક સંસ્થા શરૂ કરી હતી. અને તેની અઢાર શાખાઓ દેશભરમાં શરૂ કરી હતી. ‘રોક સકો તો રોક લો’ નામે તેણે ફિલ્મનું પણ નિર્માણ કર્યું હતું. સોશિયલ મીડિયાનો તે યુગ નહોતો, પરંતુ નવી નવી ન્યૂઝ ટેલિવિઝનનો જમાનો હતો અને તેમાં આવતી એડવર્ટાઇઝમેન્ટથી અરદિંમની છબિથી લોકો ખૂબ આકર્ષાયા હતા. પરંતુ આ આકર્ષણ ઝાઝા વખત સુધી ન ટક્યું. તેની આખી સંસ્થા બોગસ નીકળી અને તેમાં જે દાવાઓ થતાં તેમાં પણ જુઠ્ઠાણા હતા. પૂરો ખેલ માર્કેટિંગથી ખડો કરવામાં આવ્યો હતો. આજે પણ અરિંદમ ચૌધરીની વેબસાઈટ પર જશો તો તેમાં મોટાં મોટાં દાવાઓ જોવા મળશે. તેના પુસ્તકો, તેની ફિલ્મો વિશેના તેના અનુભવો, સેલિબ્રિટી સાથેના તેની તસવીરો આવું બધુ હજુ અરિંદમ કરી રહ્યો છે. તેણે બઢાઈ ચઢાઈને તેની ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી તે આજે બંધ થઈ ચૂકી છે. અરિંદમ સામે આ જંગ છેડનારા મહેશ્વરી પેરી હતા. સંદિપ મહેશ્વરીના નામ સાથે મહેશ્વરી પેરીના નામનું જ માત્ર સામ્ય છે. મહેશ્વરીએ પેરીએ અરિંદમના ઇન્સ્ટિટ્યૂટ સામે 2014માં જાહેર હિતની અરજી કરી હતી. તે પછી દિલ્હી હાઇકોર્ટ દ્વારા એવો ચૂકાદો આપવામાં આવ્યો કે અરિંદમના ઇન્સ્ટિટ્યૂટને કોઈ પણ રીતે ‘મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ કહી શકાય એમ નથી. અને છેવટે અરિંદમને તેના બધા જ કેમ્પસ બંધ કરવા પડ્યા.


વિવેક બિન્દ્રા હોય કે અરિંદમ ચૌધરી માત્ર એડવર્ટાઇઝિંગથી આટલો મોટો બિઝનેસ કેવી રીતે ઊભો કરી નાંખે છે. કેમ તેમની સચ્ચાઈ લાખો લોકો જોઈ શકતા નથી અને તેમની વાતોમાં આવી જાય છે? આ વિશે મહેશ્વરી પેરી કહે છે કે, તેઓ ટારગેટ કરે છે કારકિર્દીને લઈને સંઘર્ષ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને, યોગ્યતા માટે ફાંફા મારનારા વિદ્યાર્થીઓને, મોટિવેશનની જરૂર હોય તેવાઓને, સફળતા માટે શોર્ટકોર્ટ શોધનારાઓને. કરોડોની વસતીમાં આ પ્રકારના લોકો તેમને મળી પણ જાય છે અને એટલે જ વિવેક બિન્દ્રા જેવા દસ દિવસના એમબીએ કોર્સ લોન્ચ કરી શકે છે, અને એવા દાવો પણ કરે છે કે તમે એકથી લઈને વીસ લાખ સુધી પહેલા મહિનાથી જ કમાવી શકશો.

- Advertisement -

ખરેખર તો કારકિર્દીને લઈને શોર્ટકટ ક્યારેય કામ આવતો નથી. એકદમ સરળ દલીલ તો એ છે કે વિવેક બિન્દ્રા જેઓ લાખો કમાવી આપવાના દાવા કરે છે, તેમના ત્યાં ટીમમાં રહેનારા કેમ હજારોમાં કામ કરતાં હોય છે. જો વિવેક બિન્દ્રાના ફંડાથી લાખોની આવક મેળવી શકાત, તો તેની ટીમના લોકો પણ વિવેકની જેમ કરોડોમાં આળોટતા હોત. સંદિપ મહેશ્વરીના કિસ્સામાં વિવેક બિન્દ્રા જેટલાં વિવાદ મળતાં નથી, પણ તેઓ દૂધે ધોયેલા છે તેવો દાવો ન કરી શકાય. મહેશ્વરી અને બિન્દ્રાના આ વિવાદથી લાગતાં વળગતાં સૌકૌઈ ધડો લઈ શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular