પ્રશાંત દયાળ (નવજીવન.સુરત): સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથકમાંથી 15-15 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છ યુનિફોર્મ પહેરી પરિવાર સાથે સાંજે પોલીસ ભવન આવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હર્ષ સંઘવી મીડિયા થકી એક મહત્વની બાબતની જાહેરાત લોકો સામે કરવાના છે તેવી વિગતો મળી રહી છે. જેને પગલે હાલમાં ગ્રેડ પે મુદ્દે કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે અને તે જાહેરાત પછી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી આવે આ બધું જ મીડિયા થકી લોકો સુધી પહોંચે તેવું આયોજન હોય તેમ છે.
છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓમાં ગ્રેડ પેને લઈને નારાજગી હતી. હાલમાં પોલીસ કર્મચારીઓની આ નારાજગી સરકાર દૂર કરે તેવો ઘટના ક્રમ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચી આજે સાંજે છ કલાકે પોલીસ ભવન ખાતે પોલીસના 300 પરિવારો સામે પત્રકાર પરિષદ સંબોધવાના છે.
આ સંબોધન પહેલા સુરત પોલીસ કમિશનરે દરેક પોલીસ મથકમાંથી અંદાજીત 15-15 કર્મચારીઓ અને અધિકારીઓને પોતાના પરિવાર સાથે પોલીસ ભવન સાંજે 5.15સુધી આવી જવાનું સૂચન કર્યું છે. આ કાર્યક્રમ માટે ફટાકડા અને મીઠાઈઓના ઓર્ડર પણ આપી દેવાયાની વિગતો મળી રહી છે. જેને કારણે ગૃહમંત્રી સાંજે છ કલાકના અરસામાં મોટા પાયે આયોજન કરી પોલીસ પરિવાર સાથે આ જાહેરાત પછી ઉત્સવ જેવા માહોલ વચ્ચે ખુશી વ્યક્ત કરશે. માગણી મુજબ ગ્રેડ પે મળે તેવી પોલીસ જવાનોમાં આશાઓ છે. જોકે સરકાર આગામી સમયમાં શું જાહેરાત કરે છે તેના પર હવે બધા પર મીટ મંડાઈ છે.








