Saturday, May 2, 2026
HomeGujaratવડોદરા: રખડતા ઢોરની હડફેટે આવતા એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો, તંત્રની બેદરકારી...

વડોદરા: રખડતા ઢોરની હડફેટે આવતા એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો, તંત્રની બેદરકારી સામે પરિવારનો આક્રોશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોકો રખડતા ઢોરની સમસ્યાને લઈને ફરિયાદ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તાજેતરમાં બે કિસ્સા બન્યા જેમાં ગુજરાતનાં બે મોટા નેતાઓ પણ આ રખડતા ઢોરની હડફેટે ચઢ્યા હતા. ગુજરાતનાં વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાફલા વચ્ચે આખલો આવી ચઢ્યો હતો, જ્યારે ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને એક ગાયે હડફેટે લીધા હતા. તેમ છતાં સરકાર દ્વારા આ રખડતાં ઢોરની સમસ્યા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી.

ગુજરાતમાં અત્યાર સુધી આ રખડતા ઢોરના કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, ત્યારે વડોદરામાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નિર્દોષ વ્યક્તિએ તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ જિગ્નેશ રાજપૂત નામના એક 48 વર્ષીય વ્યક્તિએ રખડતા ઢોર અને બંધ સ્ટ્રીટ લાઇટના કારણે જીવ ગુમાવ્યો છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, મૃતક વ્યક્તિ જ્યારે સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી રાતના સમયે પસાર થઈ રહ્યા હતા, તે સમયે રખડતાં ઢોર રસ્તા ઉપર દોડાદોડ કરી રહ્યા હતા અને રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી, જેના કારણે વાહનચાલક રખડતાં ઢોરની હડફેટે આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મૃતકના પરિવાર દ્વારા તંત્રની બેદરકારી સામે આક્ષેપો કર્યા હતા અને પોલીસે ઘટનાસ્થળે આવીને આ મામલે તપાસ શરૂ કરી હતી.

આ ઘટના અંગે મૃતકના પરિવારે જણાવ્યુ હતું કે, “રાતના સમયે જીગ્નેસભાઈ ઘરે આવી રહ્યા હતા. તે સમયે સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. તેવામાં રખડતું ઢોર અચાનક દોડ્યું અને સિંગડુ મારીને તેમને પાડી દીધા હતા. જેથી જીગ્નેસના માથાના ભાગમાં પાછળની નસ ફાટી જતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જે લોકો ગાયો પાળે છે, તે લોકો ગાયોને છોડી મૂકે છે. જેને કારણે રોજબરોજ આવી ઘટનાઓ બનતી હોય છે. જેની સામે અમારે ન્યાય જોઈએ છે.”

આ ઘટનાના સંદર્ભમાં વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમિ રાવત જણાવે છે કે, “ગાયો દ્વારા નાગરિકોને હડફેટે લીધા હોય તેવા કેટલાક કિસ્સાઓ અમારા ધ્યાનમાં આવ્યા છે, ત્યારે હવે વડોદરાના મેયર અને કમિશનરે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અને આ બાબતે નામ જોગ FIR નોંધાવવી જોઈએ. નાગરિકો ખરાબ પાણી, રખડતા ઢોરો તેમજ રસ્તા ઉપર પડેલા ખાડાઓથી મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આનાથી ખરાબ તંત્ર ક્યાં જોવા મળ્યું?”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular