નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે દરેક પક્ષ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરીને પ્રજાને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાત મુલાકાત કરી રહ્યા છે. ગુજરાતનાં રાજકારણમાં નવી એન્ટ્રી લઈ રહેલી આમ આદમી પાર્ટી પણ લોકોને આકર્ષવામાં પાછળ રહેવા નથી માગતી. જેના સંદર્ભે AAP દિલ્હીના અનેક નેતાઓ ગુજરાત મુલાકાત કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત મુલાકાતે આવ્યા છે.
આજે ગુજરાતના સુરતમાં અરવિંદ કેજરીવાલે એક સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો ગુજરાતની જનતાને ફ્રીમાં વીજળી આપવામાં આવશે. જો કે તેમણે પૂરી વીજળી ફ્રીમાં આપવાની વાત નથી કરી, તેમણે ગુજરાતની જનતાને મહિનાની 300 યુનિટ એમ બે મહિનાની 600 યુનિટ વીજળી ફ્રીમાં આપવાની વાત કરી છે.
AAP અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, “જેવી રીતે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રીમાં આપી રહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ આમ આદમી પાર્ટીની ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ જ મહિનામાં આ યોજના અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં-જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે જે ખૂબ મોટો મુદ્દો છે, જેને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપ સરકારના લોકોને મફતમાં વીજળી નહીં જોઈતી હોય એવો લેખિતમાં આપી દે, એટલે ત્યાંથી તેમને વીજળી આપવામાં આવશે નહીં. ખોટો વિરોધ કરીને તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે.”
ભાજપ ઉપર આક્ષેપ કરતાં નામ લીધા વગર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “ભાજપના લોકો દ્વારા જેને રેવડી કલ્ચર કહેવામાં આવી રહ્યું છે તે ભગવાનનો પ્રસાદ છે. મંદિરના પ્રસાદમાં મળે છે રેવડી. લોકોને મફતમાં વીજળી મળે, હોસ્પિટલમાં સારી સુવિધા મળે, આ બધો ભગવાનનો પ્રસાદ છે, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત મિત્રોને રેવડી આપે છે એ પાપ છે. પોતાના મિનિસ્ટરને જે મફતમાં આપવામાં આવે છે એ રેવડી પાપ છે. ભાજપની સરકાર ગુજરાતની પ્રજાને પેકેટ ફોર ગ્રાન્ટેડ લે છે. આ લોકો આપણા સિવાય બીજા કશે જવાના નથી, એવી તેમની માનસિકતા છે. એમ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ આ વખતે તમે બધા હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં લઈ આવો.”








