નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં થોડા સમય અગાઉ વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામા આવ્યું હતું કે દરેક વાહનમાં RTO માન્ય HSRP નંબર પ્લેટ હોવી જોઈએ અને વાહન ઉપર કોઈ પણ પ્રકારનું અનઅધિકૃત લખાણ ન હોવું જોઈએ. સામાન્ય રીતે જોઈએ તો ગુજરાતમાં 10માંથી 8 વાહનો એવા હોય છે જેમાં કોઈને કોઈ પ્રકારનું લખાણ વાહન ઉપર જોવા મળે છે. આજે રાજકોટ પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં આ પ્રકારના વાહનો પર લખાણ દૂર કરવા અને યોગ્ય દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે રાજકોટ પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી અને તેની આસપાસના વિસ્તારોમાં આ ડ્રાઈવ શરૂ કરવામમા આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા જે વાહનોમાં HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો ઉપરાંત જે કારમાં બ્લેક કલરની કાચની ફિલ્મ હોય તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો અને જે વાહનો ઉપર કોઈ પણ પ્રકારનું અનઅધિકૃત લખાણ જેવા કે પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોક્ટર, ગવરમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જ્ઞાતિ આધારિત લખાણો હોય તેવા વાહનોને પણ પોલીસ દ્વારા આ ડ્રાઈવમા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આજે આ ડ્રાઈવના પહેલા દિવસે રાજકોટ પોલીસ દ્વારા 91 વહનચાલકો સામે કેસ કરીને 38,600 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો, આ ઉપરાંત 5 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે 38 જેટલા વાહનોમાંથી લખાણ દૂર કરવામાં આવ્યું હતું અને 17 વાહનોને ટોઇંગ કરીને સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા.








