નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટ દ્વારા સતત ભેળસેળ યુક્ત અને ખાવા લાયક ન હોય તેવા ખાદ્ય પદાર્થોને ઝડપી પાડવા સેમ્પલ લઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓને ભેળસેળ યુક્ત દૂધના વેચાણની માહિતી મળી હતી. માહિતી મળતા બે દિવસ વૉચ રાખીને ફૂડ વિભાગે 1400 લીટર ભેળસેળ વાળા દૂધનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આજરોજ રાજકોટ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટની ટીમે 1400 લીટર ભેળસેળ યુક્ત દૂધનો જાથ્થો ઝડપી પાડ્યો છે. ફૂડ ડીપાર્ટમેન્ટે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આજી ડેમ પોલીસ સ્ટેશન નજીકથી એક બોલેરો વાહન નંબર GJ 10 TX 5961ને પકડ્યું હતું. વાહનમાં ભરેલા દૂધમાં ભેળસેળ હોવાની માહિતીના આધારે ફૂડ ડીપાર્ટમેન્ટ બે દિવસથી વૉચ રાખી રહ્યું હતું. બોલેરોમાં દૂધ ભરેલા બે ટાંકાની અંદરથી સેમ્પલ લઈ તપાસ કરવામાં આવતા દૂધમાં રહેલી ભેળસેળની પોલ ખુલી ગઈ હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામ પાસેના ડોલા તળાવ નેસના રહીશ કારાભાઈ દેવાયતભાઈ મુછાળની પુછપરછ દરમિયાન કોર્પોરેશનને માહિતી મળી કે, તેઓ છેલ્લા દોઢ મહિનાથી લોઠડા ગામમાં દૂધ સપ્લાઈ કરવાનું કામ કરે છે. બોલેરો વાહનની ટાંકીમાં 1400 લીટર દૂધમાંથી સેમ્પલ લઈ સ્થળ પર જ ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન થકી નમુનાની ચકાસણી કરતા દૂધના જથ્થામાં ભેળસેળની પોલ ખુલી ગઈ હતી. ભેળસેળ ખુલતા ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દૂધના જથ્થાને ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી દેવામાં આવ્યો હતો.
ભેળસેળ યુક્ત દૂધના જથ્થાના નમુના લઈના ફૂડ ડીપાર્ટમેન્ટ દ્વારા ફૂ઼ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ, ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર. પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા સહિતની ટીમ જોડાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “આ પ્રકારના કેસમાં FSSIના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જો લીધેલા નમુનામાં ખાદ્ય પદાર્થની ભેળસેળ ખુલે તો 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે પણ જો અખાદ્ય પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોય તો 1 વર્ષની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











