પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-2): ગુજરાત પોલીસનો સૌથી પ્રિય કોઈ કેસ છે તો દારૂ છે. ગુજરાત કેડરમાં આવનારા આઈપીએસ અધિકારી પણ નવા હોય ત્યારે તેમને દારૂ પકડાય ત્યારે જાણે તેમણે જંગલમાં સિંહ પકડ્યો હોય એવો આનંદ હોય છે. ખરેખર તો દારૂ પકડવાનો વિષય પોલીસમાં છેક છેલ્લો હોવો જોઈએ કારણ દારૂ પકડવાનું કામ તો કોન્સટેબલ-હેડકોન્સટેબલ કક્ષાના જવાન પણ કરી શકે. ગુજરાતમાં દારૂબંધી 1960થી હોવા છતાં સોના-ચાંદી કરતા પણ વધુ દાણચોરી થઈ હોય તો તે દારૂની છે.
ગુજરાત પોલીસમાં દારૂ-જુગાર જેવી બદીને રોકવાનું કામ સામાન્યતઃ તો સ્થાનિક પોલીસનું છે. જે કારણે જ્યાં પણ દારૂ મળે અથવા જુગાર રમાય તે સ્થાનિક પોલીસની સંમત્તી વગર લગભગ શકય બનતું નથી. આમ છતાં કેટલાંક બુટલેગર્સ પોલીસની આંખમાં ધૂળ નાખી ક્યારેક પોલીસની જાણ બહાર પણ દારૂનો ધંધો કરી લેતા હોય છે. જોકે આ ધંધો લાંબો ચાલતો નથી. સ્થાનિક પોલીસ દારૂના ધંધા સાથે પોતાનું સેટીંગ કરે તો દરોડા કોણ કરે તેવો પ્રશ્ન ઊભો થયો જેના કારણે આપણે ત્યાં DGPનો વિજિલન્સ સ્કવૉર્ડ અસ્તીત્વમાં આવ્યું હતું. જેને હવે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારે CID ક્રાઈમમાં CI સેલ પણ અસ્તીત્વમાં છે. આ બંન્ને એજન્સી રાજ્ય વ્યાપી છે તે ઈચ્છે ત્યાં અને તેની હદમાં દરોડા પાડી શકે છે.
જોકે આખરે તો આ એજન્સીમાં કામ કરનાર અધિકારીઓ પણ ગુજરાત પોલીસનો હિસ્સો છે. ભાટિયા DGP થયા તે પહેલા જે પણ DGP આવે તે પોતાના પસંદગીના માણસોને SMCમાં ગોઠવી દેતા હતા. જોકે આ ધંધો કોલસાની દલાલીમાં હાથ કાળા કરવા સમાન હતો. દુનિયામાં કંઈ હવે ખાનગી રહેતુ નથી. મોનીટરીંગ સેલમાં નિરજા ગોટરૂ, નિર્લિપ્ત રાય, કે ટી કામરીયા જેવા અધિકારીઓ છે. તેઓ પ્રમાણિક અધિકારી છે અને પોલીસ અધિકારીઓના ઈન્ટરવ્યૂ લઈ સેલમાં નિમણૂંક આપે છે, છતા કેટલાંક છપાયેલા કાટલા કેવી રીતે કામ કરી જાય તે કહેવું મુશ્કેલી ભર્યું છે.
આમ સ્ટેટ મોનીટરીંગ સેલ બારે મહિના દૂધ આપતી ગાય છે. આમ છતાં ગત વર્ષો કરતા હાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલ અસરકારક છે તેને નકારી શકાય નહીં, જેમ આંખે પટ્ટી બાંધેલો તીરંદાજ ઉડતા પક્ષીને તીર મારીને પાડી દે તેવી રીતે ગુજરાતના હાઈવે ઉપર દોડતી હજારો ટ્રકો પૈકી કઈ ટ્રકમાં દારૂ જઈ રહ્યો છે તે કેવી રીતે SMCના અધિકારીઓને ખબર પડે છે તે બહુ રસપ્રદ છે. ગુજરાતમાં પ્રવેશ કરવાના 4 રસ્તા છે. રાજસ્થાનથી આવતો દારૂ બનાસકાંઠા તથા સાબરકાંઠા થઈ આવે છે. મધ્યપ્રદેશથી આવતો દારૂ દાહોદ થઈને આવે છે. મહારાષ્ટ્રથી આવતો દારૂ નવાગામથી રાજ્યમાં દાખલ થાય છે. જ્યારે દમણનો દારૂ વલસાડ થઈ ગુજરાતમાં એન્ટ્રી લે છે.
આ ચારેય રાજ્યમાંથી આવતો દારૂ રોકવો સ્વભાવીક રીતે પોલીસ માટે પણ શક્ય નથી અને મોટાભાગની પોલીસના તેવા ઈરાદા હોતા પણ નથી. કારણકે પોલીસની ઉપરની કમાણીનો મુખ્ય સ્ત્રોત પૈકીનો એક દારૂ છે. છતાં પોલીસ કામ કરે છે અને ખાસ કરી SMC અસરકારક છે તેવું બતાવવા પણ દારૂના કેસ તો કરવા જ પડે. પોલીસ પાસે દારૂની પહેલી બાતમી બાતમીદારો પાસેથી પહોંચે છે, જેમાં ચોક્કસ વાહનનો નંબર મળી જાય અને તે વાહન નાકાબંધી દરમિયાન પકડાઈ જાય. બીજો એક રસ્તો બહુ જ વૈજ્ઞાનિક છે. ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂ પડોશી રાજ્યના ઠેકાઓ ઉપરથી આવતો હોય છે. ઠેકાવાળાઓ વચ્ચે પણ એક હરિફાઈ છે જેના કારણે તેઓ પ્રતિસ્પર્ધીનો દારૂ પકડાવવામાં ગુજરાત પોલીસની મદદ કરે છે.
જ્યારે ઠેકા પરથી દારૂ ભરાતો હોય ત્યારે પ્રતિસ્પર્ધી કે તેના માણસો તે વાહનમાં ક્યાંક ડ્રાઈવરની નજર ચુકવી GPS ચોંટાડી દે અને તે અંગે પોલીસમાં રહેલા અધિકારીને તે જાણ કરી દે છે. આમ ટ્રક નીકળે તેની સાથે પોલીસના અધિકારીઓ ટ્રકમાં લાગી ગયેલા જીપીએસના આધારે દારૂની ટ્રકને ટ્રેક કરતા હોય છે. મજાની વાત તો એ છે કે દારૂની ટ્રક ક્યાં પકડવી તેનો પણ એક માપદંડ નક્કી હોય છે. SMCના અધિકારીને જે પોલીસ અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો વાંધો હોય તે અધિકારીના વિસ્તારમાંથી ટ્રક પસાર થાય ત્યારે તેને પકડી પાડવામાં આવે છે, કારણ સેલના અધિકારીઓને GPSના કારણે ટ્રકનું નિશ્ચિત લોકેશન મળતુ હોય છે. આમ દારૂનો કેસ પણ થાય અને જેની સાથે વાંધો હોય તેનો હિસાબ પણ થઈ જાય મતલબ કે એક કાંકરે બે પક્ષી ટકાઈ જાય, કારણ કે DGP દસ હજાર કરતા વધુ દારૂ મળે એટલે કાર્યવાહી કરે અને સ્થાનિક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરે.
![]() |
![]() |
![]() |