પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત પોલીસના કર્મચારીઓ પગાર વધારાની માગણી કરી રહ્યા હતા. અમદાવાદ સહિત વિવિધ શહેરો અને જિલ્લામાં એકલદોકલ પોલીસ કર્મચારીઓ અને કેટલીક સંખ્યામાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો દેખાવ અને ધરણા કરી રહ્યા હતા. ગુજરાત સરકાર પોલીસ યુનિયનની પ્રવૃત્તીથી દાઝેલી છે, માત્ર ગુજરાત સરકાર જ નહીં 1985માં ગુજરાત પોલીસ હડતાળ ઉપર ઉતરી ત્યારે તેના માઠા પરિણામો પ્રજાએ જોયેલા છે. આખા પ્રશ્ન અંગે સરકારને સહાનુભુતી હોવા છતાં રાજ્ય સરકાર એક એક પગલુ ફુંકી ફુંકીને ભરી રહી હતી. રાજ્ય સરકાર તરીકે સરકાર ડરી ગઈ છે તેવો સંદેશ જાય નહીં અને સરકાર યુનિયન પ્રવૃત્તીને તાબે થઈ રહી છે તેવી છાપથી પણ સરકાર દુર રહેવા માગતી હતી. જેના કારણે પોલીસ અને સરકાર વચ્ચે સંવાદ થાય તેવી સ્થિતિ નિર્માણ પામતી ન્હોતી. પોલીસ આંદોલનના ચહેરા અનેક હતા, પણ આક્રમક થઈ ગુજરાત પોલીસના નાના કર્મચારીની વાત રજુ કરનાર એક ચહેરો હતો, અમદાવાદના નવરંપુરા પોલીસની મહિલા કોન્સટેબલ નીલમ મકવાણા.
મેં અનેક વખત તેને ટીવીમાં આક્રમક રીતે વાત કરતી જોઈ હતી, પણ તેની આક્રમતાની કિંમત તેને જ ચુકવવાની હતી. પહેલા પોલીસ હેડકવાર્ટરમાં અને પછી ભાવનગર જિલ્લામાં બદલી થયેલી નીલમ સીંગલ મધર છે. તેનો દિકરો જામનગર બાલાછડી સ્કૂલમાં ભણે છે. ઘરે વૃધ્ધ માતા પિતા પણ છે જેમની જવાબદારી તેની ઉપર છે. વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ નીલમનો ગુસ્સો અને જુસ્સો અકબંધ હતો. તેની કોઈ વ્યકિતગત માગણી ન્હોતી. તે ગુજરાત પોલીસના એક લાખ જવાનોનો અવાજ બની હતી. શકય છે તેના ગુસ્સાને કારણે કયાંક પ્રમાણભાન ચુકી જવાતું હશે. ગાંધીનગરમાં દેખાવ દરમિયાન નીલમની ધરપકડ થઈ, આમ તો તેની અટકાયત પછી તેને છોડી દેવાની જરૂર હતી પણ સરકારની સૂચના પ્રમાણે ગાંધીનગર પોલીસે તેને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી દીધી ત્યારે 23 માર્ચ હતી.
સાબરમતી જેલમાં રહેલી નીલમ મકવાણાએ અચાનક આમરણાંત ઉપવાસની જાહેરાંત કરી. જેલ અધિકારીઓની સમજાવટ પછી પણ તેણે અન્ન લેવાનું છોડી દીધુ. તેની તબીયત ખરાબ થવા લાગી તેને તરત અમદાવાદ સિવિલ હોસ્પિટલાં લઈ જવામાં આવી પણ તેણે ત્યાં પણ ખોરાક લેવાની ના પાડી. એક દિવસ બે દિવસ આમ કરતા કરતા નવ દિવસ પસાર થઈ ગયા. 31મી માર્ચે હું એક કામે અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર પાસે ગયો હતો. વાતચીતમાં અચાનક મને નીલમની વાત યાદ આવી મેં કહ્યું નીલમ મકવાણાના પ્રશ્ને સરકારે કંઈક વિચારવું જોઈએ. ગૌતમ પરમારે કહ્યું ગૃહમંત્રી આ મામલે યોગ્ય નિર્ણય કરશે પણ જે રીતે પોલીસ જવાનો સરકાર ઉપર દબાણ વધારી રહ્યા છે તેવી સ્થિતિમાં તો સરકાર પણ આગળ વધશે નહીં. મેં નીલમની ચિંતા કરતા કહ્યું નીલમ આપણી દીકરી છે ગુજરાતની દીકરી છે, એક પોલીસ તરીકે પણ તમારી અને ગુજરાત સરકારની જવાબદારી છે કે નીલમને કંઈ થાય નહીં. તેની તમારે ચિંતાની સાથે પહેલ પણ કરવી જોઈએ.
એક ક્ષણ વિચાર કરી ગૌતમ પરમારે મને સવાલ કર્યો તમે મધ્યસ્થી થવા તૈયાર છો..? હું વિચારમાં પડી ગયો તેમણે તરત બીજો સવાલ કર્યો તમે નીલમને મળી સમજાવશો..? મેં કહ્યું હું કઈ હેસીયતથી નીલમ સાથે વાત કરું, હું સરકારનો હિસ્સો નથી, હું તો પત્રકાર છું, ગૌતમ પરમારે કહ્યું તમે પોલીસ જવાનોના પ્રશ્ન અંગે અનેકો વખત લખ્યું છે. કદાચ એક સિનિયર અધિકારી તરીકે તેઓ અમારી વાત ઉપર ભરોસો મુકશે નહીં પણ તમારી વાત તો સાંભળશે. હું તૈયાર થયો ગૌતમ પરમારે સિવિલ હોસ્પિટલમાં રહેલા પોલીસ અધિકારીઓને સૂચના આપી કે મને તેઓ નીલમ મકવાણાને મળવા દે. હું સિવિલ પહોંચ્યો, હું તેને પહેલી વખત મળી રહ્યો હતો પણ તેણે મને વાંચ્યો હોવાને કારણે કહ્યું આવો પ્રશાંતસર
મેં પહેલા ઔપચારીક વાત કરી સીધા પ્રશ્ન ઉપર આવતા કહ્યું કયાં સુધી ઉપવાસ કરવાના છે. તે શરીરથી થાકી હોવા છતાં એક આછા સ્મિત સાથે કહ્યું ગ્રેડ પે મળશે નહીં ત્યાં સુધી. મેં કહ્યું તે જે રસ્તો પસંદ કર્યો છે તે તો સહેલો છે, તે મારી સામે જોઈ રહી મેં વાત સ્પષ્ટ કરતા કહ્યું મરી જવુ તો સહેલુ છે, લડવુ અઘરું છે. તું મરી જઈશ તો ફેર તારા બાળક અને પરિવાર સિવાય કોઈને પડશે નહીં. તારી પાછળ તુમ આગે બઢો તેવી બુમો મારનાર પણ તને થોડા સમય પછી ભુલી જશે. તે મારી વાત સાંભળી રહી હતી પણ તે મારી સાથે સંમત્ત થઈ રહી ન્હોતી, લગભગ એક કલાક પછી તેણે મને કહ્યું મારી ઉપર એક લાખ પોલીસ ભરોસો કરી રહી છે. હું ઉપવાસ છોડીશ તો તેમના પ્રશ્નનું શું થશે.
મેં કહ્યું મેં ગાંધીજીને થોડા વાંચ્યા છે અને થોડાક સમજ્યા છે. મને લાગે છે સંવાદ કરતા વધુ શકિતશાળી કંઈ નથી, તેણે મને કહ્યું ગૃહમંત્રી સાથે જ વાત કરીશ. મેં કહ્યું ગૃહમંત્રી તો અહિયા આવશે નહીં. આપણે ગૃહમંત્રી પાસે જવું પડશે. તે વિચાર કરવા લાગી, મેં કહ્યું સરકારના પ્રતિનિધિ તરીકે તારી સાથે કોઈ વાત કરશે. તેણે મને પુછ્યું કોણ વાત કરશે? મેં કહ્યું આઈજીપી ગૌતમ પરમાર. થોડોક વિચાર કરી તે તૈયાર થઈ. ગૌતમ પરમાર સિવિલ હોસ્પિટલ આવ્યા, હું ગૌતમ પરમાર અને નીલમ મકવાણા વાત કરી રહ્યા હતા, થોડી થોડીવારે નીલમ કહેતી પ્રશાંત સર મને સરકાર ઉપર ભરોસો જ નથી. નીલમના કેટલાક પ્રશ્નો હતા, ગૌતમ પરમાર વચ્ચે વચ્ચે ઊભા થઈ ફોન ઉપર કોઈની સાથે વાત કરતા હતા, પછીથી મને ખબર પડી તેઓ આઈબીના વડા અનુપમસિંહ ગહેલોત સાથે વાત કરતા હતા.
ગૌતમ પરમાર સતત વિશ્વાસ અપાવી રહ્યા હતા કે પોલીસનો પ્રશ્ન ઉકેલાશે. દરેક વખતે નીલમ મારી આંખોમાં જોઈ પરમાર સાહેબ સાચુ બોલે છે કે ખોટું તે તપાસી રહી હતી. અમારી ચર્ચાને બીજા બે કલાક પસાર થઈ ગયા, પણ નીલમ ઉપવાસ છોડવા તૈયાર જ ન્હોતી, એકદમ મેં નીલમને કહ્યું જો સરકાર કે ગૌતમ પરમાર સાહેબ પોતાના વચનથી ફરી જશે તો ગાંધી આશ્રમ પર હું ઉપવાસ ઉપર બેસીશ. નીલમના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું, મારૂ મન અંદરથી તો ડરી રહ્યું હતું કયાંક હું ગૌતમ પરમાર અને તેમના સિનિયર અધિકારીઓ ઉપર ભરોસો મુકવાની ભુલ તો નથી કરતોને? કારણ નીલમ મારી ઉપર ભરોસો મુકી રહી હતી. આખરે સાંજ પડતા નીલમે ઉપવાસ છોડયા.
ત્યાર પછી એક પણ સપ્તાહ એવું ન્હોતો કે નીલમે મને ફોન અથવા મેસેજ કર્યો ના હોય તેનો એક જ સવાલ હતો સાહેબ શું થયું અમારા પે ગ્રેડનું, હું તરત પરમાર સાહેબ, ગહેલોત સાહેબને ફોન કરતો તેઓ મને કહેતા મિટીંગ્સ ચાલી રહી છે. બે વખત મેં ખાસ હર્ષ સંઘવીને પણ ફોન કર્યો તેમણે પણ મને તેવો જ ઉત્તર આપ્યો. સપ્તાહ અને મહિના પસાર થયા લાગ્યા નીલમની તો ઠીક પણ મારી ધીરજ ખુટી રહી હતી, પણ આવી વાત કયાંક મત અને અહંમની થઈ જાય નહીં તેનો ડર હતો પણ દેર આયે દુરસ્ત આયે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ પગાર વધારા મુદ્દે નિર્ણય કર્યો, જોકે આ ગ્રેડ પેનો સુધારો નથી, છતાં એક સારી શરૂઆત થઈ છે. ગુજરાત પોલીસની સાથે નીલમનું ખુશ થવું સ્વભાવીક છે કારણ તેને બીજા કરતા થોડી વધારે કિંમત ચુકવી પીડા પણ સહન કરી છે. તે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની આભારી છે, તે પોતાનો આભાર વ્યકત કરવા ગૌતમ પરમારની ઓફિસે પેંડા લઈ આવી હતી. તેના ચહેરા ઉપરની ખુશી માત્ર તેની ન્હોતી ગુજરાતનો એક એક પોલીસ જવાન આવો જ ખુશ રહે તેવી ઈચ્છા છે.








