નવજીવન ન્યૂઝ. બોટાદ: બોટાદના રોજીદ ગામમાં આજે સંભવતી લઠ્ઠાકાંડના કારણે મોટી સંખ્યામાં દારુ પીવા વાળા કેટલાક વ્યક્તિઓની તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બોટાદ જિલ્લાના રોજીદ ગામની ઘટના અંગે સ્થાનીક પોલીસે હાલ પુરતુ તો મૌન સેવ્યું હોય તેમ જણાય છે. પોલીસ દ્વારા મીડિયા સમક્ષ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ પીડિત પરિવારના સભ્યો પાસેથી માહિતી મળે છે કે હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા તેમના ઘરના સભ્ય ગઈકાલે સાંજે દારૂ પીવા ગયા હતા તેમજ પોલીસ ઉપર પણ પીડિતના પરિવારના સભ્યો આક્ષેપ કરી રહ્યાં છે.
બોટાદના રોજીદ ગામની સંભવિત લઠ્ઠાકાંડની આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મૃત્યુના અહેવાલ સુત્રો પાસેથી મળી રહ્યાં છે. ઉપરાંત 10-15 લોકો હજુ પણ સારવાર નીચે હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. પોલીસ તરફથી સત્તાવાર રીતે સ્પષ્ટતા પૂર્વક માહિતીની મીડિયા રાહ જોઈ રહ્યું છે, ત્યારે પીડિત પરિવારના સભ્યો પાસેથી જે માહિતી મળે છે તે ચોંકાવનારી છે. જેમાં મનીષાબેન નામના એક મહિલા જણાવે છે કે, “તેમના પતિએ ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ દેવીપૂજકવાસમાં જઈ દારૂ પીધો હતો, દારૂ પીને પરત આવ્યા બાદ રાત્રે તેમની તબિયત ખરાબ થઈ હતી અને સવારે તેઓ મજૂરી કામે ગયા હતા ત્યાં વધારે તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”
મનીષાબેન વધુમાં જણાવે છે કે, “તેમના ગામના અંદાજે 12 જેટલા લોકો બોટાદની હોસ્પિટલમાં દાખલ છે. તેમણે જણાવેલા સ્થળ પર 24 કલાક દારૂ વેચાતો હોય છે અને પોલીસ પણ પૈસા ખાય છે અને તે દારૂવાળાને 5 દિવસ પકડી છોડી મુકે છે.” મહિલાએ ગંભીર આક્ષેપ કરતા પોલીસમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, ત્યારે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ મામલે બોટાદ SP સહિતના સ્થાનિક પોલીસના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળાઈ શકે છે.








