નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આદમવાદમાં વર્ષ 2009 બાદ ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. અમદાવાદ અને બોટાદમાં ઝેરી દારૂ પીવાના કારણે કેટલાક લોકોની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા હતા. જો કે આ કેસમાં અત્યાર સુધી 26 લોકોના મોત નિપજ્યાં છે અને 40થી વધુ લોકો સારવાર હેઠળ છે. કથિત લઠ્ઠાકાંડમાં હજી પણ મૃત્યુ આંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર, બોટાદની નભોઈ ચોકડી નજીક એક દેશી દારૂના અડ્ડા પરથી દારુ પીને નીકળેલા અનેક લોકોની તબીયત લથડી હતી. ત્યારબાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં કુલ 17 લોકોના મરણ થયા હતા. જ્યારે બરવાળામાં 9ના મોત ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે.
કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ દોડતો થયો છે. ગુજરાત ATS ની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી. ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. ઉપરાંત આ કેસની તપાસ માટે DySpની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. લઠ્ઠાકાંડ મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોએ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીધો હતો. આ લોકોને દારૂમાં ભેળવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. જે વ્યક્તિના મોત થયા છે તેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુંનું સાચું કારણ જાણી શકાશે.
સૂત્ર અનુસાર, દારૂ બનાવવા માટે અમદાવાદના નારોલના પીપળજ ખાતે આવેલી એક કેમિકલ ફેક્ટરીમાંથી મિથેનોલ લાવ્યા હતા. ત્યારબાદ પિન્ટુ નામના વ્યક્તિએ બરવાળા તાલુકાના ચોકડી ગામે લઠ્ઠો તૈયાર કર્યો હતો. હાલ મુખ્ય સૂત્રધાર પિન્ટુ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ઉપરાંત કથિત લઠ્ઠાકાંડમાં મહિલા સહિત 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલુ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે.








