નવજીવન ન્યૂઝ. અમદાવાદ: એક બાજુ સરકાર લોકોની સુખાકારી માટે પાણીની યોજના જાહેર કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે બીજી બાજુ ‘નલ સે જલ’ જેવી યોજનાઓમાં એવા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં ફક્ત પેપર પર જ પાણીનું કનેક્શન હતું. તેવામાં આજે ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) સરકાર પર પ્રહાર કરતાં વોટર સપ્લાય અને સેનિટેશનનાં કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની પોલ ખોલતી જાહેરાત સામે આવી હોવાની વાત કરી છે. મેગા સીટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા શહેર અમદાવાદમાં સરકારી કુમાર છાત્રાલય, રખિયાલ સરકારી કન્યા છાત્રાલય, સન્યાસ આશ્રમ એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત બતાવતા સરકારે પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે કર્યા હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) કર્યા હતા.

આજે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પત્રકાર પરીષદને સંબોઘન કરતાં જણાવ્યું હતું કે, પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુન છે. એના વગર કોઈનું પણ જીવન ચાલી શકે નહીં. રાજ્ય્ સરકાર અમદાવાદમાં 24 કલાક પાણી આપવાની મોટી-મોટી જાહેરાતો કરે છે, જે માત્ર કાગળ પર જ રહી છે. સરકારે ‘નલ સે જલ’ યોજનાની જાહેરાતો કરે છે, પરંતુ આજે પણ અમદાવાદ શહેરમાં ટેન્ક ર રાજ ચાલી રહ્યું છે. ત્યારે આજે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી પાણીના ટેન્કરની જાહેરાત સામે આવી છે. જેમાં અમદાવાદ મેગા સીટીમાં સરકારી કુમાર છાત્રાલય રખિયાલ, સરકારી કન્યા છાત્રાલય અને સન્યાસ આશ્રમ એલિસબ્રિજમાં ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે, પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાંક સગેવગે થઇ રહ્યા છે. અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં પણ પાણીના પોકારો ઉઠયાં છે. નારોલ, વટવા, ફતેહવાડી, ગ્યાસપુર, સરખેજ, ગીતમંદિર અને સિટીએમ સહિતના વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન ગંભીર છે. કોર્પોરેશન ટેન્કરથી આ વિસ્તારોમાં પાણી પહોંચાડી રહ્યું છે. કેટલાંય વિસ્તારોમાં તો પાણીનું નેટવર્ક જ નથી. જેથી ખાનગી ટેન્કર મગાવી લોકો પાણીની જરુરિયાત પુરી કરી રહ્યાં છે. અમદાવાદમાં પાણીની એક ખાનગી ટેન્કરનો ભાવ 1200 રૂપિયા જેટલો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા અને બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી ટેન્કરોની જાણે ડિમાન્ડ બોલાઇ છે. ખેડબ્રહ્માના આંતરિયાળ ગામડાઓ જેવા કે, આગિયા, મટોડા, ગુંદેલ અને મનજીપુરા સહિતના આદિવાસી વિસ્તારોમાં એક પાણીનું ટેન્કર જોઇએ તો, રૂપિયા 1200થી 1500 ચૂકવવા પડે છે. ગુજરાતના 8250 ગામો પાણીની નબળી ગુણવત્તા ધરાવે છે. 2791 ગામો ફ્લોરાઈડથી દુષિત છે. 455 ગામોમાં નાઇટ્રેટવાળું પાણી છે અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આમ ગુજરાતમાં કુલ 10,288 ગામો પીવાનું ખરાબ પાણી ધરાવે છે. એટલે કે ગુજરાતના કુલ 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી નથી.
મનીષ દોશીએ આગળ જણાવ્યું હતું કે, વડોદરા, છોટા ઉદયપુર, નવસારી, દાહોદ અને મહીસાગર સહીત અનેક જીલ્લામાં ‘નલ સે જલ’ યોજનાની કાગળ પર કામગીરી પૂરી થઇ અને કરોડો રૂપિયા સગેવગે થયા છે. ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશન પાછળ છેલ્લા 7 વર્ષથી 27 હજાર કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચાયા તેમ છતાં આજે પણ અનેક ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પાણી માટે નાગરીકો વલખા મારી રહ્યા છે.
ઈનપુટ: તોફિક ઘાંચી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796