નવજીવન ન્યુઝ. જેતપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની કોંગ્રેસે જાહેરાત કરી છે. ત્યારે જેતપુર કોંગ્રેસમાં ઉમેદવારના નામના લઈને ભડકો થયો છે. જેમાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ એક સભાનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિરોધમાં નારા લાગ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર બદલે તેવી માગણી કરવામાં આવી હતી.
- કોંગ્રેસના ઉમેદવાર સામે કોંગ્રેસે જ ખોલ્યો મોરચો !
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીને લઈ રાજકીય પક્ષો પર ભારોભાર દબાણ રહેતું હોય છે. એવામાં કોંગ્રેસ પર તો લગભગ દરેક ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ડખ્ખા સર્જાતા હોય છે. કોંગ્રેસે જેતપુર બેઠક પરથી દિપક વેકરીયાના નામની જાહેરાત કરતા આ ડખ્ખો સર્જાયો છે. જેના કારણે, ગતરોજ રાત્રિના સમયે જેતપુરના બોરડીસમઢીયાળા ગામ ખાતે
કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા એક જંગી સભાનું આયોજન કરી પોતાના પક્ષના જ ઉમેદવાર વિરૂધ્ધ મોરચો ખોલવામાં આવ્યો હતો. આ સભામાં કોંગ્રેસ ઉમેદવાર બદલાવે તેવી માગણી સાથે સુત્રોચ્ચાર પણ થયા હતા.

શું બોલ્યા કિરીટ પાનેલીયા ?
બોરડીસમઢીયાળા ગામ ખાતે મળેલી આ સભામાં પ્રદેશ મહિલા કોંગ્રેસના શારદાબેન વેગડા તેમજ જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરીટ પાનેલિયા પણ હાજર રહ્યાં હતા. આ સભામાં કિરીટ પાનેલીયાએ માગણી કરી હતી કે કોંગ્રેસે આપેલા ઉમેદવાર ખુદ લડવા ન માગતા હતા પણ પક્ષે ટિકીટ આપી છે. જ્યારે આ ઉમેદવાર સક્ષમ જ નથી અને સક્ષમને પક્ષે ટિકીટ આપી નથી તેવું કેમ ? માટે અમારી માગણી છે કે અમને બીજો ઉમેદવાર આપવામાં આવે અથવા શારદાબેન વેગડાને ટિકીટ આપે. જો આવું નહીં થાય તો 49 ગામના લોકો અહિં હાજર છે અને અમે જરૂર પડ્યે રાજીનામા મુકવા પણ તૈયાર છીએ.

શું કહે છે શારદાબેન વેગડા ?
આ સભામાં શારદાબેન વેગડાએ જણાવ્યું હતું કે, જેતપુર બેઠક પરથી દિપક વેકરીયાને ટિકીટ પક્ષે આપી છે અને તેમણે કહ્યું કે મને પાર્ટીએ જબરદસ્તી ટિકીટ આપી છે. તો શું પાર્ટી માટે અમે કામ નથી કર્યું ? આ તો અમારી સાથે અન્યાય થયો છે. જો પાર્ટી આ નામ નહીં બદલે તો અમારા કાર્યકરો અને આગેવાનો રાજીનામું પણ આપશે. પાર્ટી કિરીટભાઈને ટિકીટ આપે તેવી અમારી માગણી છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, એક તરફ કોંગ્રેસે મહિલાઓની વાતો કરે છે પણ મહિલાઓને ટિકીટ નહીં આપી અન્યાય કરી રહી છે. કુલ 182 બેઠક પરથી માત્ર ગણતરીની સંખ્યામાં જ મહિલાઓને ટિકીટ કોંગ્રેસે આપી છે. જો મને અથવા કિરીટ પાનેલીયાને ટિકીટ નહીં આપવામાં આવે તો અમે રાજીનામાં આપી દઈશું.
માહિતી: સુરેશ ભાલિયા, જેતુપુર.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










