Monday, July 6, 2026
HomeGeneralગુજરાત વિધાનસભાની ચૂંટણી નિશ્ચીત જ વહેલી થશે, આપ અને કોંગ્રેસને ઉંઘતી ઝડપી...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિશ્ચીત જ વહેલી થશે, આપ અને કોંગ્રેસને ઉંઘતી ઝડપી લેવાનો વ્યુહ

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ): ભુવો નારીયળ ફેંકે તો ઘર ભણી તે કહેવત તમામ સ્થળે લાગુ પડે છે, રાજકારણમાં આવનાર તમામ રાજનેતા અને રાજકિય પક્ષોને સત્તામાં રહેવાની ઈચ્છા હોય તે સ્વભાવીક છે, પરંતુ સત્તાના મામલે દેશમાં ભાજપ બધા જ પક્ષો કરતા આગળ એટલા માટે છે કે તેઓ પાંચ વર્ષ અગાઉ હોમવર્ક કરે છે અને તેમને સમયાંતરે પોતાની વ્યુહ રચના બદલતા આવડે છે, જયારે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય છે પણ જયાં ખોદે છે ત્યાં પણ પાણી મળતુ નથી તેવી સ્થિતિ તેમની થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો નિર્ધારીત સમય ડિસેમ્બર 2022 છે. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપનું મોવડી મંડળ નિશ્ચીત સમયે જ ચૂંટણી થશે તેવુ કહી રહ્યા છે. પરંતુ ગુજરાત ભાજપમાં આંતરિક હલચલ જે પ્રકારે ચાલી રહી છે તે ચૂંટણી વહેલી આવશે તેવો સંકેત આવી રહી છે.



સવાલ એવો છે કે ચૂંટણી વહેલી એટલે કયારે તેવો પ્રશ્ન થાય ત્યારે ગુજરાત ભાજપના ટોચના નેતા પણ ખાનગીમાં માધ્યમોને પુછતાં હોય છે શુ લાગે છે, તેનું કારણ એવુ ભાજપની નેતાગીરી જેને જેટલુ જાણવાની જરૂર છે એટલી જ જાણકારી તેમને આપે છે. જેના કારણે ગુજરાતમાં સી આર પાટીલને બાદ કરતા ચૂંટણી ચોક્કસ કયારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યુ તેની જાણકારી તેમને કલાકો પહેલા જ આપવામાં આવી હતી. ભાજપનું મોવડી મંડળ પોતાની યોજના અને વ્યુહ રચના ગુપ્ત રાખી શકે છે તે પણ તેમની સફળતાનું એક કારણ છે. જયારે કોંગ્રેસમાં બંધ બારણે થયેલી ચર્ચા પણ જાહેર થતાં સમય લાગતો નથી.

ગુજરાત કોંગ્રેસને જે બેઠકો મળે છે તે કોંગ્રેસને કારણે નથી તેની ખુદ કોંગ્રેસીઓને ખબર પડી ગઈ છે. કોંગ્રેસની અમુક બેઠકો તેમના ઉમેદવાર વ્યકિતગત તાકાત અને કામ ઉપર જીતે છે, જયારે અમુક બેઠકો કોંગ્રેસની વોટ બેન્ક છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસ તેવુ લઈ શકતી નથી કે તેમની મહેનત અને વ્યુ રચનાને કારણે તેમને બેઠક મળી છે. આમ આગામી વિધાનસભાની ચૂંટણી વહેલી થાય કે સમયસર કોંગ્રેસને જે બેઠક મળશે તેનો કોંગ્રેસે બોનસ જ સમજવાનું છે. ગુજરાત કોંગ્રેસ દરેક ચૂંટણી વખતે એક નવા ચહેરાની શોધ કરે છે. 2017માં તેમનો સહારો હાર્દિક હતો, હવેની ચૂંટણીમાં તે નરેશ પટેલના સહારે જીતવા માગે છે પરંતુ નરેશ પટેલ વેપારી માણસ છે તેમને પોતાનો નફો નુકશાન ખબર છે અને જેમને ગુમવાવવાનો ડર લાગતો હોય તેમણે રાજકારણમાં આવુ જોઈએ નહી તેની પણ ખબર છે. પંજાબ ચૂંટણીનાં વિજય બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. કોંગ્રેસની સરખામણીમાં આમ આદમી પાર્ટી પાસે વ્યૂહરચનાકાર સારા છે.કેજરીવાલને ભાજપની વ્યુ રચના ખબર છે અને તેમને કેવી રીતે માત આપી શકાય તેની સમજ પણ છે.

- Advertisement -


ગુજરાતમાં પ્રવેશ કરવો હોય તો ગુજરાતના લોકો સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમો મહત્વના છે પછી કે અખબાર હોય કે ટેલીવીઝન ચેનલો હોય. આ માધ્યમોના સંચાલક કઈ સરળ રીતે આમ આદમીનો હાથ પકડે નહીં તેની ખબર પણકેજરીવાલને છે જેના કારણે પંજાબ અને દિલ્હી રાજયની કામગીરીની આખા પેજની જાહેર ખબરો ગુજરાતી અખબારોમાં લાંબા સમયથી આવી રહી છે. તેવી રીતે પંજાબના મુખ્યમંત્રી માનએ ભ્રષ્ટાચાર માટે શરૂ કરેલી ફોન સેવાની જાહેરાંત પણ ગુજરાતી ચેનલો ઉપર આવી રહી છે. આ પ્રકારની જાહેરાંતોનો ગુજરાતમાં કોઈ અર્થ નથી કારણ ગુજરાતના મતદારો દિલ્હી અને પંજાબમાં મત આપવા જતા નથી છતાં કેજરીવાત ગુજરાતી માધ્યમોમાં જાહેરખબરનું રોકાણ છે તે અગામી સમયની વ્યુહ રચના છે જયારે પણ ચૂંટણી જાહેર થાય ત્યારે ગુજરાતી માધ્યમોને તેમના સમાચારમાં સ્થાન આપે તેની આ વ્યવસ્થા છે.

ગુજરાતની ચૂંટણી સમયસર જાહેર થાય તો પણ ગુજરાત કોંગ્રેસ પાસે 182 બેઠકોના બુથ અને ટેબલ ઉપર બેસી શકે એટલા કાર્યકરોની વ્યવસ્થા પણ નથી, આવી જ સ્થિતિ આમ આદમી પાર્ટીની પણ છે આમ છતાં રાજયના આદિવાસી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને કેટલાંક વિસ્તારમાં આપ પોતાની વ્યવસ્થા ઉભી કરે શકે તેવી શકયતા અને સંજોગો છે આમ ભાજપ માટે પડકાર કોંગ્રેસ નહીં આપ થઈ શકે છે તેવી સમજ ભાજપ પાસે છે, પોતાને શકિતઓની ભાજપને ખબર છે તેમ વિરોધીઓની તાકાતની પણ તેઓ અવગણના કરતા નથી. જયારે વિરોધીની તાકાત વધી રહી હોય ત્યારે તેમને તાકાત એકઠી કરવાનો સમય આપવો જોઈએ નહીં તેની તેમને ખબર છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તા 1થી4 મે સુધી કાર્યકરોને મીની વેકેશન આપવાની જાહેરાંત કરી છે આ પણ અન્ય સંકેતો પૈકી એક છે કે મીની વેકેશન પછી ખુબ કામ કરવાનું છે

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular