નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ ગણાય રહ્યા છે. તેવામાં ભાજપ, આપ, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. ઉપરાંત પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓની ગતિવીધી પણ ગુજરાતમાં વધી ગઈ છે. તેવામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા ઔવેસીની પાર્ટી AIMIMએ પણ તૈયારીઓ બતાવી છે.
ઔવેસીની પાર્ટી AIMIMના પ્રમુખ સાબીર કાબલીવાલાનું નિવેદન સામે આવ્યું છે. સાબીર કાબલીવાલાના જણાવ્યા મુજબ AIMIM ગુજરાતમાંથી 65 બેઠક પરથી જ્યારે અમદાવાદમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે. અમદાવાદમાં દાણીલીમડા, જમાલપુર, ખાડીયા, બાપુનગર, દરીયાપુર, વેજલપુરની સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગતરોજ પાર્ટીના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારો હાજર રહ્યા હતા આ દરમિયાન સાબીર કાબલીવાલાના જણાવ્યા મુજબ, ગુજરાતના જે વિસ્તારોમાં 60થી 65 હજાર મુસ્લિમ મતદાર છે, તેવી સીટ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યાં સરળતાથી જીતી શકાય છે. અમે દરેક સમાજ અને જાતિના લોકોને ટિકિટ આપીશું. કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ વોટથી સરકાર બનાવી છે તે વોટને મોર્જ કરી જીતવાનો પ્રયત્ન કરીશું. આગામી 1 અને 2 સપ્ટેમ્બરે અસુદ્દીન ઔવેસી ગુજરાતમાં આવશે.








