નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અને દેશમાં હાલ રમત ગમત ક્ષેત્રે વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે ગુજરાત અને દેશની તમામ જેલનું એક સંમેલન ગુજરાતનાં અમદાવાદમાં આયોજિત થવા જઈ રહ્યું છે. જેનું નામ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ – 2022 છે. આ મીટમાં સમગ્ર દેશના જેલ અધિકારીઓએ અને કર્મચારીઓ વચ્ચે અલગ અલગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મીટનું ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આવશે.
ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ – 2022 અંગે વાત કરતાં ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટના DGP ડૉ. કે. એલ. એન. રાઓએ જણાવ્યુ હતું કે, “આ છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022એ 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહી છે. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું. આ વર્ષે આ રાષ્ટ્રીય કક્ષાની મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે. અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022નો પ્રારંભ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે કરવામાં આવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ 100 મીટર મેન એન્ડ વિમેન, 400 મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”
આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં ગુજરાતનાં ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બનશે.








