નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં RTE કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને એડમિશન આપવામાં આવે છે, પરંતુ ઘણી વાર તેવા પણ અહેવાલ સામે આવતા હોય છે જેમાં RTE અંતર્ગત એડમિશન લીધું હોય તેવા બાળકો સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હોય અથવા તો તેમને હેરાન કરવામાં આવતા હોય છે. આમદવાદની એક ખાનગી શાળાની પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં બાળકને વોશરૂમ પણ જવા દેવામાં આવતું ન હતું. આ અંગે વિદ્યાર્થીના પિતાએ શાળાના પ્રિન્સિપાલને લેખિત અરજી પણ આપી છે.
પ્રાથમિક જાણકારી મુજબ અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય નામની ખાનગી શાળામાં ધોરણ 3માં RTE એક્ટ અંતર્ગત એડમિશન લઈને અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો. આ અંગે વિદ્યાર્થીના પિતા દ્વારા શાળાના પ્રિન્સિપાલને એક પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, તેમનું બાળક બીમાર નથી, પરંતુ ઉંમર નાની હોવાને કારણે તેને વોશરૂમ જવું હોય તો તે રોકી નથી શકતો. તેમ છતાં શિક્ષકો દ્વારા તેને વોશરૂમ જવા દેવામાં નથી આવતો.
વિદ્યાર્થીના પિતાએ ગુજરાતનાં એક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, “થોડા સમય અગાઉ શાળા દ્વારા એક હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી, શાળામાં લેશન ડાયરી માટે આ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જે અમે આપ્યા ન હતા તેના કારણે મારા બાળકને આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. તેણે RTE એક્ટ અંતર્ગત એડમિશન લીધું છે માટે આવી રીતે હેરાન કરવામાં આવે છે. આ અંગે મે રૂબરૂ જઈને અને અરજી આપીને પણ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી.”








