Wednesday, June 24, 2026
HomeGujaratAhmedabadકોરોના આવે તે પહેલા તૈયારી પૂર્ણ કરજો સરકાર, તૈયારી એવી કે લોકો...

કોરોના આવે તે પહેલા તૈયારી પૂર્ણ કરજો સરકાર, તૈયારી એવી કે લોકો સારવાર માટે લાઈનમાં ન ઉભા રહે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ચીનમાં કોરોનાના કેસ હદ બહાર વધી જતા હવે સ્થીતી કફોળી બની ગઈ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે હવે કેન્દ્ર અને રાજય સરકાર પણ એલર્ટ બની છે. વળી ગુજરાતમાં વિદેશથી આવેલા બે પ્રવાસી કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. એવામાં આજરોજ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી તંત્ર સાબદું કર્યું છે. પરંતુ સવાલ એ છે કે માત્ર બેઠકો અને નિયમોથી શું કોરોના અટકાવી શકાશે ? કારણ કે, કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકો બેડ માટે અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યા હતા તે સ્થિતી બેઠકોથી કાબુમાં આવી શકી ન હતી. જેના પરિણામે અનેક પરિવાર પોતાના વહાલસોયાના જીવ બચાવવા કરગરતા રહ્યાં પરંતુ સારવારના અભાવે અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ સ્થીતીને યાદ કરીએ તો પહેલી વાત યાદ એ જ યાદ આવે કે, હોસ્પિટલ તો ઠીક પરંતુ સ્મશાન પણ ખૂટી પડ્યા હતા.

ચીનમાં કોરોનાનો કહેર ફરીથી ફૂંફાડા મારી રહ્યો છે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વ ચિંતામાં ગરકાવ થયું છે. જેના પરિણામે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે પણ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. સાથે જ આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા માટે નિવેદન આપી વિવાદનો મધપૂડો છેડ્યો છે. જેના કારણે દેશમાં કોરોનાને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. એવામાં ગુજરાતમાં બે કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાના એક વ્યક્તિ ચીનથી પરત ફર્યા છે તો બીજા ઓસ્ટ્રેલીયાથી પરત ફર્યા છે. આ સ્થિતીમાં લોકો ફરી લૉકડાઉન અને દવાખાના બહાર લાંબી કતારોના દ્રશ્યોનો તાજો ભૂતકાળ યાદ કરી ભયમાં છે. ત્યારે લોકોનું માને છે કે સરકાર માત્ર બેઠકો અને નિયમો બનાવી સૂચના આપવાના કામથી આગળ વધી નક્કર પગલા લે તે જરૂરી છે. અન્યથા રખે ને કોરોનાની લહેર આવે તો સારવારના અભાવે લોકો જીવ ગુમાવે તેવી સ્થીતી પેદા થાય તો ના નહીં.

- Advertisement -

કોરોનાના સૌથી કપરા કાળમાં કેન્દ્ર અને રાજય સરકારની નિષ્ફળતા ત્યારે ઉઘાડી પડી હતી જ્યારે, દર્દીઓ સારવાર અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યાં હતા. લોકો પોતાનાને બચાવવા માટે દોડાદોડ થયા હતા છતાં પણ કંઈ કરી શક્યા નથી તેનો રંજ આજે પણ તેમને છે. ત્યારે સરકારે આગામી સમય માટે પુરી તૈયારી રાખવામાં આવે તે જરૂરી છે. પરંતુ હાલ એક મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે, કોરોના સમયે બનેલી કેટલીક કોવિડ હોસ્પિટલની હાલત ખરાબ છે. જેમાં મોડાસાની હોસ્પિટલ તો ખાડે ગઈ હોય તેવી બિસ્માર હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ સુરતની કોવિડ હોસ્પિટલમાં તો ગંદકીના ગંજ અને તૈયારીના નામે શૂન્ય હોવાનું જણાવાયુ છે. આ અહેવાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 100 બેડની હોસ્પિટલની તૈયારી જણાવી છે કે, હોસ્પિટલમાં 64 બેડ તૈયાર છે અને 36 બેડ ઓક્સિજન સુવિધા સાથેના છે.

જો ઉપરોક્ત અહેવાલની વિગતોને આધારે તૈયારીનો ક્યાશ લગાવીએ તો રાજ્ય સરકારની તૈયારીઓ સમજી શકાય છે. વળી આપણે જોયું છે તેમ, કોરોના જ્યારે ફેલાવાની શરૂઆત કરે છે ત્યારે તેને કાબુમાં લેવો ખુબ જ મુશ્કેલ છે. માટે કોરોના ફેલાય તે પહેલા જ કાબુમાં લેવા અને બેકાબુ બને તો મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર મળી રહે અને મૃત્યુનો દર સારવારના અભાવે ન વધે તે માટે સરકાર કાર્ય કરે તે જરૂરી જણાય છે.

ભારતની જો વાત કરીએ તો સારી બાબત છે કે મોટા ભાગની વસ્તીનું રસીકરણ કરી દેવાયું છે. જેથી આશા રાખી શકાય કે કોરોના કદાચ ફરી દેશમાં પ્રવેશ કરે તો પણ મોટી ખાનાખરાબી જોવા નહીં મળે. પરંતુ કોરોનાના વેરિઅન્ટ જે પ્રકારે બદલતા રહ્યાં છે તે પ્રકારે તેની ક્ષમતા પણ વધ-ઘટ થતી રહી છે. માટે સરકારે નવા કોરોના કેસના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ કરવા માટે ગાંધીનગર મોકલવા પણ તંત્રને નિર્દેશ આપ્યા છે. માટે કહી શકાય કે હાલ તો રાજ્ય સરકાર એલર્ટ થઈ કાર્યાવાહી કરી રહી છે પરંતુ સાથે જ પૂર્વ તૈયારીઓ પણ સમયસર કરી લે તે જરૂરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular