નવજીવન ન્યૂઝ.ગોંડલઃ ગોંડલમાં આગામી સમયમાં દલિત સમાજનું સંમેદલન યોજાવાનું છે, જેને લઈને દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા હાલ મેદાને છે, ગોંડલમાં દલિત સમાજના સંમેલનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો વિગતે જાણીએ
ગોંડલ પોલીસ સામે દલિત સમાજે નારાજગી વ્યક્ત કરી છે, છેલ્લા કેટલાક સમયથી ગોંડલના દિનેશ પાતરની જૂદા જૂદા કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો, દલિત સમાજ ગોંડલમાં ચાલતી ગુંડાગીરી સામે ફરી ભેગો થવા જઈ રહ્યો છે. જૂનાગઢના દલિત સમાજના પ્રમુખ દ્વારા ગોંડલમાં આગામી મહિનામાં મોટાપાયે બાઈક રેલી અને દલિતોનું સંમેલન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ દલિત સમાજે રાજકોટ કલેક્ટર અને રાજકોટ ગ્રામ્ય પોલીસના SPને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી 18 જૂને ગોંડલમાં દલિત સમાજનું સંમેલન યોજાવાનું છે, જેને લઈને આજે દલિત સમાજના આગેવાનોની ગોંડલ સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ મળી હતી.
આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી જે અંગે દેવદાન મુચડિયા કહે છે કે, ગોંડલના દિનેશ પાતર સામે ચાર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને 18 જૂને દલિત સમાજનું સંમેલન મળવાનું છે. આ ચારેય ગુનામાંથી દિનેશ પાતરને કાઢવામાં આવે અને પોલીસ ઈન્સપેક્ટર પરમાર અને ઓડેદરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે જેમણે દિનેશ પાતર સામે ષડયંત્ર કર્યું છે. ગોંડલના આસપાસના ગામમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી 1 લાખ જેટલા લોકો આવે તેવો અંદાજ તેમના દ્વારા લગાવામાં આવ્યો છે, સાથે જ આગળની રણનીતિની સંમેલનમાં જાહેરાત કરશે તેવું દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ જાણાવ્યું છે.
ઉલ્લેખનીય છે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સતત વિવાદોમાં આવી રહ્યા છે, અમિત ખુંટના કેસમાં પુજા રાજગોર નામની યુવતીએ પણ આ જ પોલીસ ઈન્સ્પેક્ટર સામે આક્ષેપો કર્યા છે અને પોલીસ ઈન્સ્પેક્ટર સામે કોર્ટમાં અરજી પણ કરી છે. હવે આ બીજો વિવાદ પણ ઊભો થઈ રહ્યો છે.








