Tuesday, May 12, 2026
HomeGujaratસિંહોનો વસવાટ જોખમમાં મૂકાય તેમાં દોરીસંચાર કોનો છે?

સિંહોનો વસવાટ જોખમમાં મૂકાય તેમાં દોરીસંચાર કોનો છે?

- Advertisement -

કિરણ કાપુરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ) : જે સિંહોનું ગૌરવ લઈને આપણે પૂરા વિશ્વમાં ડંકો વગાડીએ છીએ; તે સિંહોના નિવાસમાં માઇનિંગની મંજૂરી આપવામાં આવી છે. જો મંજૂરી મુજબ માઇનિંગનું કામ શરૂ થશે તો પચાસથી વધુ સિંહો જ્યાં વસવાટ કરે છે તે ક્ષેત્ર જોખમમાં આવી શકે છે અને અહીંના વનક્ષેત્રને કાયમનું નુકસાન થશે. આ વિસ્તાર ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના રાજુલાની પાસે બાબરકોટ ક્ષેત્રમાં છે. બાબરોકટમાં રિઝર્વ ફોરેસ્ટની 75 હેક્ટરની જમીન પર જમીન માઇનિંગ માટે ખાનગી કંપનીને સોંપી દેવામાં આવી છે. આ મંજૂરી ‘ડેપ્યૂટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ’[ડીસીએફ]ના પદથી ઓળખાતા અધિકારીએ આપી છે.

એક તરફ આપણે સિંહોને સુરક્ષિત રાખવાના અને તેની સંખ્યા કેમ વધે તે માટે પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર પણ તે માટે સિંહોના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસનો સમયાંતરે પ્રચાર કરે છે. ત્યારે જાણે સરકારને ખબર ન હોય તે રીતે મંજૂરી આપી દેવામાં આવી છે – તેવો ઘાટ ઘડાયો છે. આ સમાચાર મીડિયા પ્રકાશિત થયા અને પ્રાણી અને પર્યાવરણ પ્રેમીઓએ તે પ્રત્યે વિરોધ દાખવ્યો છે. અનેક લોકોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

- Advertisement -

મંજૂરી મેળવનારી કંપની સિમેન્ટની છે અને તે કારણે બાબરકોટ વિસ્તારમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. સૌથી પહેલાં આ પ્રોજેક્ટ માટે અહીંયાના જંગલમાંથી 5,000 વૃક્ષોનું નિકંદન નીકળી જશે તેનું જોખમ છે. આ અંગે પર્યાવરણ સંરક્ષણ માટે સંનિષ્ઠતાથી કાર્ય કરતા મનીષ વૈદ્યનું કહેવું છે કે, ‘ગુજરાત રાજ્યના મુખ્ય વન્ય અધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં મેં કાયદા સંબંધિત વાત કરી જ છે, પણ સાથે કેટલીક આપણી સિંહો સાથે જે રીતે લાગણીથી જોડાયા છે તે વિગત પણ મૂકી છે. વન્ય કાયદા મુજબ તમે જ્યારે જંગલની જમીન કોઈ માનવીય ઉપયોગ માટે આપતા હોવ ત્યારે તેની સામે બીજી રેવન્યૂ લેન્ડ તબદીલ કરવાની આવે છે. ઉપરાંત, જ્યારે અહીંયા માઇનિંગ થશે ત્યારે અહીંયા લાંબા ગાળા પર્યાવરણ પર શું અસર થશે? એ અભ્યાસ કરાવવો પણ જરૂરી છે. આ બધી જ પ્રક્રિયા કાયદામાં ફરજિયાત કરવાની આવે છે. 1985ની અંદર નામદાર સુપ્રિમ કોર્ટે એન્વાર્યમેન્ટલ એસેસમેન્ટ કરવાનું આવશ્યક જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટે માઇનિંગ માટેના ઘણા બધા ચૂકાદા આપ્યા છે. જંગલની જમીન તો ઠીક છે પણ જ્યાં ઇકો સેન્સેટીવ ઝોન કે પ્રોટેક્ટેટ એરિયા હોય અથવા તો કોરિડોર હોય તો તેનું સંરક્ષણ થવું જોઈએ. છેલ્લે સુપ્રિમ કોર્ટે ખૂબ સરસ એક ચૂકાદો આપ્યો છે કે, પ્રાથમિકતા વન્યપ્રાણીઓના વસવાટની હોવી જોઈએ, વિકાસની વાત પછી આવે. આમ ઘણી કાયદાકીય જોગવાઈ છે, પણ તેમ છતાં સરકાર તેની અવગણના કરે છે. બીજું એ ઉપરાંત સૌથી અગત્યનું છે કે, વન્ય સંરક્ષણ ધારો-1972માં એની સેક્શન 29 અને 35 મુજબ વન્યપ્રાણીના હેબિટાટ એટલે કે વસવાટક્ષેત્રને નુકસાન કરતો હોય તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બીજું કે આ જે વિસ્તારમાં માઇનિંગને મંજૂરી આપવામાં આવી છે એ વિસ્તારના વન વિભાગના જ ડેટા મુજબ ત્યાં પચાસ જેટલાં સિંહોનો વસવાટ છે. આ ખૂબ આશ્ચર્યની વાત છે કે જ્યાં સિંહો રહે છે એ જગ્યામાં માઇનિંગ કંઈ રીતે આપી શકાય?’

મનીષ વૈદ્ય ઉપરાંત એક ચેનલના ઇન્ટરવ્યૂમાં એમ સુધ્ધા કહે છે કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ બે વર્ષ પહેલાં સાસણમાં ઉજવ્યો હતો. વડા પ્રધાને ત્યારે ભારપૂર્વક કહ્યું હતું કે સિંહોનું સંરક્ષણ અમારી પ્રાથમિકતા છે. જેમ ‘ટાઇગર પ્રોજેક્ટ’ ચાલે છે એ રીતે ‘લાયન પ્રોજેક્ટ’ શરૂ કર્યો. એમાં ગુજરાતની અસ્મિતા અને રાજ્યના ગૌરવની પણ વાત થઈ હતી. આ તો ખુદ વડાપ્રધાનનું અપમાન થતું હોય તે રીતની વાત છે! વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે આપણે સૌ ભેગા થઈને તેની ઊજવણી કરીએ છીએ, પરંતુ આ રીતે મંજૂરી આપીએ છીએ ત્યારે સંરક્ષણનો અમલ થતો નથી તેવો સંદેશો જાય છે. આપણે વન્ય સંરક્ષણની જાગ્રતિ માટે હંમેશા પ્રચાર કરીએ છીએ, અને જ્યારે આવી બાબત બને છે ત્યારે તે નાણાં વેડફાય છે.’

આવા નિર્ણય કેમ લેવાય છે તે વિશે પણ જ્યારે મનીષ વૈદ્યને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉદ્યોગોનું જે રીતે વર્ચસ્વ છે તેનું કારણ આપ્યું હતું. ઉપરાંત તેઓ જંગલ બચાવવા માટે એવું પણ કારણ આપે છે કે ગીર ક્ષેત્રમાં સાત નદીઓ વહે છે અહીંયા જે કેસર કેરીનો પાક થાય છે તેને પણ નુકસાન થઈ શકે છે.

- Advertisement -

મનીષ વૈદ્યએ તમામ પાસાંને સાંકળીને જે વાત મૂકી છે તેમાં નુકસાન માત્ર સિંહોના વસવાટને નથી; પર્યાવરણની રીતે, આર્થિક રીતે અહીંના લોકોને પણ નુકસાન છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પણ આ અંગે વિગતવાર અહેવાલ આવ્યો છે. આ અહેવાલમાં ફોટોગ્રાફર અને ‘સ્ટેટ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફ’ના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાનું પણ નિવેદન છે. ભૂષણ પંડ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ પ્રસ્તાવને નકારી કાઢવાની અરજ કરી છે. તેઓ કહે છે કે, સિંહો ઉપરાંત અહીંયાના દીપડા અને અન્ય વન્યજીવોનો પણ નુકસાન થશે. આ વિસ્તાર વન્યજીવોના હરવાફરવા માટેનો કોરિડોર છે. માઇનિંગથી અહીંનો માહોલ ખોરવાશે. પ્રદૂષણ વધશે અને પ્રાણીઓનું અકસ્માતથી મરવાનું પ્રમાણ પણ વધશે. એ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણના કર્મશીલ રોહિત પ્રજાપતિનું કહેવું છે કે, આ માત્ર 75 હેક્ટરને નુકસાનની વાત નથી, પરંતુ તેનાથી ગીર ક્ષેત્રની પૂરી ઇકોસિસ્ટમ ખોરવાશે. આ ઇકોસિસ્ટમમાં સિંહ, દીપડાના શિકાર રહેતાં નિલગાય અને જંગલી સૂવરની ઉપલબ્ધતા પણ ઘટશે. જેનાથી સિંહો પિપાવાવ સુધી જવા મજબૂર બનશે. આ સ્થળાંતરણના કારણે સિંહો રેલવે ટ્રેક અને માનવવસતીની નજીક પહોંચશે. તેનાથી ટ્રેન સાથે સિંહોના અકસ્માતની શક્યતા વધશે અને માણસો સાથેનો સંઘર્ષ પણ સિંહોનો વધશે.

હવે જ્યારે બધી બાજુથી આ મંજૂરીને લઈને નુકસાન જોવાતું હોય ત્યારે તે અંગે તત્કાલ પગલાં લેવા જોઈએ. આ અંગે વનવિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની પાસે આવી કોઈ બાબત આવી નથી. અને જો આવશે તો આ પ્રકારની મંજૂરી ક્યારેય આપવામાં નહીં આવે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular