નવજીવન ન્યૂઝ. રાજકોટ: પી.એમ. મોદી (PM Modi) દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મિશન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજરોજ ગુજરાતના 24 તિર્થસ્થાનોની સફાઈ કરી સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)દ્વારા રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે સફાઈ કરવામાં આવી હતી.

આ સમયે મુખ્યમંત્રી સાથે કુંવરજી બાવળીયા સહિતના સ્થાનીક નેતાઓ હાથમાં ઝાડું પકડેલા જોવા મળ્યા હતા. ઉપરાંત રાજકોટમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા દ્વારા પણ કચરો વીણી સફાઈ કરવામાં આવી હતી. સાથે જ આ પ્રકારે સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આજરોજથી ભાજપે સફાઈ અભિયાનનો પ્રારંભ કરતા રાજ્યના 24 તીર્થસ્થાનોની સફાઈ કરી હતી. જેમાં રાજકોટથી આ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. તેમણે શહેરના કરણસિંહજી હાઇસ્કૂલના પટાંગણમાં સ્થિતી બાલાજી મંદિરની સફાઈ કરી હતી. સાથે જ તેમણે સફાઈ કામદારો સાથે પણ વાતચિત કરી હતી. મુખ્યમંત્રી આ કાર્યક્રમ બાદ લોકસભાની ચૂંટણીને અનુલક્ષી રાજકોટ જિલ્લાની વન ડે વન ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામની બેઠકમાં સામેલ થવાના છે. આજે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તમિલ ડેલિગેશનની મુલાકાત પણ તેઓ ઈમ્પીરિયલ હોટલ ખાતે કરશે.








