નવજીવન ન્યૂઝ.ઈડરઃ ભારત ભલે લોકશાહીના યુગમાં હોય, પરંતુ અહીંની ધરતી પર રાજવી વારસાની ગૂંજે આજે પણ પોતાની ગૌરવશાળી ઓળખ જાળવી રાખી છે. ગુજરાતના રાજવી પરિવારોએ દેશભરમાં પોતાની નીતિ-રીતિ, પરંપરા અને લોકસેવા દ્વારા એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. હવે ઇડર રાજવી પરિવારે એક એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જે માત્ર રાજવી પરિવારમાં જ નહીં પણ સમાજમાં પણ નવી દિશા આપે તેવો છે – રાજગાદી હવે પુત્રને નહીં પણ પુત્રીને સોંપાઈ છે.
કુમારી વિવેકાકુમારી – ઈડરના ભૂતપૂર્વ મહારાજા રાજેન્દ્રસિંહજી અને ગોંડલના રાજવી કુળના મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન – હવે ઇડરના રાજ્ય વારસાના ઉત્તરાધિકારી બન્યા છે. ઇડર સ્ટેટે પહેલીવાર મહિલાને ગાદી સોંપવાની પરંપરા શરૂ કરીને એક ઐતિહાસિક નિર્ણાયક ક્ષણ સર્જી છે.
અભ્યાસ અને શોખ – પરંપરાનું આધુનિક મિશ્રણ
વિવેકાકુમારીનું શૈક્ષણિક અને સામાજિક પ્રોફાઇલ પણ એટલું જ પ્રભાવક છે. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં શિક્ષણ લીધું છે અને યૂનાઇટેડ કિંગડમ સ્થિત એક્સેટર યુનિવર્સિટીમાં ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. સાથે તેઓ કલા પ્રત્યે પણ ઊંડો લગાવ ધરાવે છે – મુંબઈની જગપ્રસિદ્ધ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી પોટ્રેટ પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો છે.

વિવેકાકુમારીનો સંદેશ: “જવાબદારીની પૂરી ઊંડાણથી અનુભૂતિ છે”
રાજગાદી સંભાળ્યા પછી વિવેકાકુમારીએ કહ્યું,
“મારા પિતાનો આ હિંમતભર્યો નિર્ણય માત્ર મારા માટે નહીં, પણ દરેક પુત્રી માટે પ્રેરણાદાયી છે. ઘરના મહાન વારસાને આગળ ધપાવવાની જવાબદારી હવે મારા શીરે છે, આ ઐતિહાસિક ક્ષણે હું સન્માનિત અને સાથોસાથ જવાબદારીની ઊંડાણથી અનુભૂતિ કરું છું.”
તેમણે ઇડર-હિમતનગરના નાગરિકો સામે ટેકો અને માર્ગદર્શનની અપેક્ષા વ્યક્ત કરી છે, કારણ કે આવા ઐતિહાસિક પરિવર્તન માટે સમાજનો સહયોગ ખૂબ જ આવશ્યક છે.
મહાન પૂર્વજોની વારસાગાથા
વિવેકાકુમારી માત્ર એક આધુનિક શિક્ષિત મહિલા નથી – તેઓ એવા રાજવી કુળની વંશજ છે જેમણે ભારતના ઇતિહાસમાં ઊંડી છાપ મૂકી છે.
સર પ્રતાપસિંહજી, ઇડરના મહારાજા અને જોધપુરના રિજન્ટ તરીકે, જેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સેનાની સાથે શૌર્ય દર્શાવ્યું હતું.
મહારાજા ભાગવતસિંહજી ગોંડલ, જેમણે ગોંડલને કરમુક્ત અને આધુનિક સ્વાયત્ત રાજ્ય બનાવી ભારતના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
જામસાહેબ રણજીતસિંહજી, વિશ્વ વિખ્યાત ક્રિકેટર અને રાજવી, જેમનું નામ આજે પણ ક્રિકેટના ઇતિહાસમાં સન્માનભેર લેવાય છે.

આધુનિકતા સાથે પરંપરાનું સંગમ
કુમારી વિવેકાકુમારીના નેતૃત્વ સાથે ઇડરનું રાજવી કુળ હવે એક નવા યાત્રાપથ પર છે – જ્યાં શાસ્ત્રો અને પરંપરાઓની સાથે આધુનિકતા અને સશક્ત મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના આ દ્રષ્ટાંતથી માત્ર ઇડર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં મહિલા નેતૃત્વ માટે એક નવો વિચારવિમર્શ શરૂ થશે.
ઇડરના નાગરિકો માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે – જ્યાં રાજવી હવે દીકરી છે.








